Shoaib Malik Sania Mirza: શોએબ મલિક સાનિયા મિર્ઝાની વિવાદીત લવ લાઇફ વચ્ચે પાક અભિનેત્રી સના જાવેદની એન્ટ્રી ચર્ચાસ્પદ બની છે. ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના લગ્ન 13 વર્ષ બાદ સમાપ્ત થયા છે. શોએબ પોતાના જીવનમાં આગળ વધી ગયો છે અને તેણે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન પણ કરી લીધા છે. જ્યારથી શોએબે લગ્નની તસવીરો શેર કરી છે, ત્યારથી તે ખૂબ ટ્રોલ થઈ રહ્યો છે. સાનિયા અને શોએબના લગ્ન શરૂઆતથી જ વિવાદાસ્પદ હતા. તેમના લગ્નથી લઈને છૂટાછેડા સુધીની સંપૂર્ણ કહાની પર એક નજર કરીએ
2009- સાનિયાએ તેના બાળપણના મિત્ર સાથે સગાઈ કરી
શોએબ મલિક પહેલા સાનિયા મિર્ઝાએ તેના બાળપણના મિત્ર સોહરાબ મિર્ઝા સાથે સગાઈ કરી હતી. બંનેના પરિવારો એકબીજાને ત્રણ પેઢીથી ઓળખતા હતા. જો કે, આ સગાઈ લાંબો સમય ન ચાલી અને ટૂંક સમયમાં જ બંને અલગ થઈ ગયા. સોહરાબે કહ્યું કે, તેમની વચ્ચે કોઈ તાલમેલ નથી.
2009 – શાહિદ કપૂર અને નવદીપ સાથે સંકળાયું નામ
કોફી વિથ કરણ શોમાં સાનિયા મિર્ઝા આવી હતી. ત્યારબાદ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સાનિયા શાહિદને ડેટ કરી રહી છે. શાહિદ ઉપરાંત સાનિયા સાઉથ સિનેમા એક્ટર નવદીપ સાથે પણ જોડાયેલી હતી.
2010 – સાનીયા-શોએબ ઓસ્ટ્રેલિયામાં મળ્યા
સાનિયા મિર્ઝા અને શોએબ મલિક ઓસ્ટ્રેલિયાના હોબાર્ટમાં પહેલીવાર મળ્યા હતા. ત્યારથી શોએબ સાનિયાને પસંદ કરતો હતો અને બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. આ મિત્રતા ટૂંક સમયમાં પ્રેમમાં બદલાઈ ગઈ અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. સાનિયા અને શોએબના લગ્નના સમાચાર મળતા જ હૈદરાબાદની મહિલા આયેશા સિદ્દીકી સામે આવી. તેણે આરોપ લગાવ્યો કે, શોએબ મલિક તેનો પતિ છે. શોએબ મલિકે આ વાતનો ઈન્કાર કર્યો હતો પરંતુ, પછીના અહેવાલો અનુસાર શોએબ મલિકે આયશાને તલાક આપી દીધા હતા.
2010 (એપ્રિલ) – સાનિયા-શોએબના લગ્ન
સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે 12 એપ્રિલ 2010ના રોજ હૈદરાબાદની તાજ ક્રિષ્ના હોટેલમાં લગ્ન કર્યા હતા. આ પછી પાકિસ્તાનના સિયાલકોટમાં વાલીમા થયા. બંને ખેલાડીઓએ ટ્રોલિંગનો સામનો કર્યો હતો. ઘણા લોકો આ લગ્નથી ખુશ ન હતા. સાનિયા મિર્ઝાને દગાખોર પણ કહેવામાં આવી હતી. જો કે, તો પણ દંપતી તેમના પ્રેમને લગ્ન સુધી લઈ જવામાં સફળ રહ્યા. 2010 થી 2018 – કપલ સતત ટ્રોલ થઈ રહ્યાં છે
સાનિયા મિર્ઝા અને શોએબ મલિકને લગ્નના વર્ષો પછી પણ ટ્રોલિંગનો શિકાર બનવું પડ્યું હતું. જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ થતી હતી ત્યારે સાનિયાને ટ્રોલ કરવામાં આવતી હતી. 2019 માં એક મેચ પહેલા, સાનિયાએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે, તે મેચ પહેલા ટ્વિટર પર સક્રિય નહીં રહે, જેથી લોકોના નકારાત્મકતા મેસેજથી દૂર રહે.
2018 – પુત્ર ઇઝાન મિર્ઝા મલિકનો જન્મ
સાનિયા મિર્ઝાએ એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ મિર્ઝા મલિક રાખવામા આવ્યું હતું. પુત્રના નામમાં માતા અને પિતા બંનેના નામ ઉમેરવામાં આવ્યા હતા. આ નિર્ણયને લઈને તેને સોશિયલ મીડિયા પર ફરી એકવાર ખુબ ટ્રોલ કરવામાં આવ્યા હતા. સાનિયા તેના પુત્ર સાથે દુબઈમાં રહેવા લાગી. શોએબ અવારનવાર ત્યાં આવતો-જતો રહેતો હતો. 2023- શોએબના આયેશા ઉમર સાથે લગ્નના સમાચાર સામે આવ્યા.
2023 માં પહેલીવાર સમાચાર આવ્યા કે, શોએબ અને સાનિયા બંને વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. આ પછી બંનેએ પાકિસ્તાનમાં કપલ શો પણ હોસ્ટ કર્યો હતો પરંતુ, સાથે જોવા મળ્યા ન હતા. આ દરમિયાન શોએબ મલિકના પાકિસ્તાની અભિનેત્રી આયેશા ઉમર સાથેના લગ્નના સમાચાર આવવા લાગ્યા હતા. આયેશાએ આ સમાચારને નકારી કાઢ્યા હતા. સાનિયા સોશિયલ મીડિયા પર આવી ઘણી પોસ્ટ કરતી રહે છે, જેને જોઈને અંદાજ આવી ગયો હતો કે, તે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે.
2024 – શોએબ મલિકે લગ્ન કર્યા, સાનિયાના પિતાએ છૂટાછેડાની પુષ્ટિ કરી
20 જાન્યુઆરીએ શોએબ મલિકે અભિનેત્રી સના જાવેદ સાથે તેના લગ્નની એક તસવીર શેર કરી હતી. જ્યારે સાનિયાના પિતા ઈમરાન મિર્ઝાએ જણાવ્યું કે, સાનિયાએ શોએબ મલિક સાથે તલાક લઈ લીધા છે. સાનિયાએ કોઈ હક મેહર નથી લીધી. આ ઉપરાંત સાનિયા અને શોએબ સોશિયલ મીડિયા પર એકબીજાને હજુ ફોલો કરી રહ્યાં છે.





