Siddharth Desai 9 Wicket : રણજી ટ્રોફી 2024-25માં ગુજરાતના સ્પિનર સિદ્ધાર્થ દેસાઇએ ઇતિહાસ રચી દીધો છે. સિદ્ધાર્થે ઉત્તરાખંડ સામેની મેચમાં એક ઇનિંગ્સમાં 9 વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી છે. સિદ્ધાર્થે 36 રનમાં 9 વિકેટ ઝડપી હતી. ગુજરાતના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઇતિહાસમાં સિદ્ધાર્થ દેસાઇ એક ઇનિંગ્સમાં સૌથી વધારે વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે.
ઉત્તરાખંડ 111 રનમાં ઓલઆઉટ
રણજી ટ્રોફીમાં એલિટ ગ્રુપ બી ની લીગ મેચમાં ગુજરાત સામે ઉત્તરાખંડના કેપ્ટન રવિકુમાર સમર્થે ટોસ જીતીને બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો, પણ તેનો નિર્ણય ટીમની તરફેણમાં રહ્યો ન હતો. ગુજરાત સામે ઉત્તરાખંડની ટીમ 111 રનમાં જ ખખડી ગઈ હતી. ઉત્તરાખંડના 3 પ્લેયર જ ડબલ ફિગર સુધી પહોંચી શક્યા હતા. આ મેચ અમદાવાદમાં રમાઇ રહી છે.
સિદ્ધાર્થ દેસાઈની 36 રનમાં 9 વિકેટ
ગુજરાતના 21 વર્ષીય સ્પિનર સિદ્ધાર્થ દેસાઈએ ઉત્તરાખંડ સામે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 15 ઓવરમાં 39 રન આપી 9 વિકેટ ઝડપી હતી. તેણે 5 ઓવર મેઇડન ફેંકી હતી. સિદ્ધાર્થ દેસાઈએ ઉત્તરાખંડના ટોપ 9 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. વિશાલ જયસ્વાલે આ ટીમની માત્ર એક જ વિકેટ ઝડપી હતી. પ્રથમ ઈનિંગમાં સિદ્ધાર્થ દેસાઈનો ઈકોનોમી રેટ 2.40નો જ રહ્યો હતો.
સિદ્ધાર્થ દેસાઈએ ત્રણ બેટ્સમેનોને શૂન્ય રને આઉટ કર્યા
સિદ્ધાર્થ દેસાઈએ તેની બોલિંગ દરમિયાન ઉત્તરાખંડના ત્રણ બેટ્સમેનોને શૂન્ય રને આઉટ કર્યા હતા, જેમાં કેપ્ટન સમર્થ, યુવરાજ ચૌધરી અને અભય નેગીનો સમાવેશ થાય છે. આ ટીમ માટે સૌથી મોટી ઇનિંગ્સ શાશ્વત ડાંગવાલે રમી હતી અને તેણે એક સિક્સર અને 5 ચોગ્ગાની મદદથી અણનમ 35 રન બનાવ્યા હતા. જ્યારે ઓપનર બેટ્સમેન અવનીશ સુધાએ 30 રન બનાવ્યા હતા. કુણાલ ચંદેલાએ 12 રનનું યોગદાન આપ્યું હતું.
સિદ્ધાર્થ દેસાઈએ રચ્યો ઇતિહાસ
સિદ્ધાર્થ દેસાઈએ 9 વિકેટ ઝડપીને ઇતિહાસ રચ્યો છે. ગુજરાતના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઇતિહાસમાં સિદ્ધાર્થ દેસાઇ એક ઇનિંગ્સમાં સૌથી વધારે વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ ગુજરાતના જસુ પટેલ, રાકેશ ધ્રુવ અને ચિંતન ગજાના નામે હતો. જસુ પટેલે 1960માં સૌરાષ્ટ્ર સામે 21 રનમાં 8 વિકેટ ઝડપી હતી. રાકેશ ધ્રુવે 2012માં 31 રનમાં 8 અને ચિંતન ગજાએ રાજસ્થાન સામે સુરતમાં 2017માં 40 રનમાં 8 વિકેટ ઝડપી હતી.