Sitanshu Kotak batting coach team India : બીસીસીઆઈએ ભારતીય ક્રિકેટ ટીમના નવા બેટિંગ કોચની જાહેરાત કરી છે. સૌરાષ્ટ્રના પૂર્વ ક્રિકેટર સિતાંશુ કોટકને ટીમ ઇન્ડિયાના નવા બેટિંગ કોચ બનાવવામાં આવ્યા છે. સિતાંશુ આ પહેલા ઇન્ડિયા-એ અને સૌરાષ્ટ્રના કોચ રહી ચુક્યા છે. સિતાંશુને ઇંગ્લેન્ડ સામેની વન-ડે અને ટી 20 શ્રેણી માટે ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ બનાવ્યા છે.
ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે ત્રણ વન ડે અને પાંચ ટી -20 શ્રેણી રમશે. 22 જાન્યુઆરીથી શ્રેણીનો પ્રારંભ થશે. ભારતીય ટીમનો કોલકાતામાં ત્રણ દિવસનો કેમ્પ રહેશે જેના માટે ખેલાડીઓ 18 તારીખ સુધીમાં ત્યાં પહોંચી જશે.ભારતીય ટીમને હાલમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીર , અભિષેક નાયર (આસિસ્ટન્ટ કોચ), રેયાન ટેન ડોશ્ચેટ (આસિસ્ટન્ટ કોચ), મોર્ને મોર્કેલ (બોલિંગ કોચ) અને ટી દિલીપ (ફિલ્ડિંગ કોચ) દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.
કોણ છે સિતાંશુ કોટક?
ગુજરાતમાં જન્મેલા સિતાંશુ કોટક પોતાની કારકિર્દીમાં કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા નથી. તેમણે લિસ્ટ એ મેચોમાં 42.33ની એવરેજથી 3083 રન બનાવ્યા છે. તે ક્રિકેટ જગતમાં પોતાની શાનદાર ટેકનિક માટે જાણીતા છે. 130 ફર્સ્ટ ક્લાસ મેચોમાં તેમણે 15 સદી સાથે 41.76ની એવરેજથી 8061 રન બનાવ્યા છે.
આ પણ વાંચો – રોબિને ઉથપ્પાએ કહ્યું – ગ્રેગ ચેપલ ડ્રેસિંગ રુમની વાતો લીક કરતા હતા, પોતાનો એજન્ડા ચલાવતા હતા
આ સાથે જ તેમના 9 ટી20 મેચમાં 133 રન છે. કોટકે ડોમેસ્ટિક ક્રિકેટમાં 11,000થી વધુ રન ફટકાર્યા છે. કોટક અગાઉ ઇન્ડિયા એ સાથે કામ કરી ચૂક્યા છે. તેમણે વીવીએસ લક્ષ્મણ સાથે કામ કર્યું છે.
કોચિંગ સ્ટાફ પર ઉઠ્યા હતા સવાલ
ભારતના દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોના કંગાળ દેખાવને લઈને કોચિંગ સ્ટાફ અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તમારો કોચિંગ સ્ટાફ ઓસ્ટ્રેલિયામાં શું કરી રહ્યો હતો? તમારા બોલિંગ કોચ અને બેટિંગ કોચ. ખાસ કરીને ન્યૂઝીલેન્ડ સામે જ્યારે આપણે 46 રનમાં જ ખખડી ગયા હતા અને જે પ્રકારે આપણે બાકીની મેચો હારી ગયા હતા. બેટિંગમાં કોઈ તાકાત ન હતી. અહીં પ આપણી બેટિંગ એટલી મજબૂત ન હતી, તેથી પ્રશ્નો પૂછવા જોઈએ કે તમે લોકોએ શું કર્યું છે? શા માટે આપણે કોઈ સુધારો જોઈ શકતા નથી?





