સ્નેહલ કૌથનકર અને કશ્યપ બાકલેની ત્રેવડી સદી, રણજી ટ્રોફીના ઇતિહાસની સૌથી મોટી ભાગીદારી નોંધાવી

Ranji Trophy highest partnership : ગોવાના સ્નેહલ કૌથનકરે માત્ર 215 બોલમાં 45 ફોર અને 4 સિક્સર સાથે અણનમ 314 રન ફટકાર્યા. જ્યારે કશ્યપ બકલેએ 269 બોલમાં 39 ફોર અને 2 સિક્સર સાથે અણનમ 300 રન બનાવ્યા

Written by Ashish Goyal
November 14, 2024 19:38 IST
સ્નેહલ કૌથનકર અને કશ્યપ બાકલેની ત્રેવડી સદી, રણજી ટ્રોફીના ઇતિહાસની સૌથી મોટી ભાગીદારી નોંધાવી
ગોવાના સ્નેહલ કૌથનકર અને કશ્યપ બાકલેએ ત્રીજી વિકેટ માટે 606 રનની ભાગીદારી કરી હતી (તસવીર - બીસીસીઆઈ)

Ranji Trophy highest partnership : ભારતીય ડોમેસ્ટીક ક્રિકેટ ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીમાં એક દિવસમાં ઘણા રેકોર્ડ સર્જાયા છે. રણજી ટ્રોફી 2024-25ની આ સિઝનમાં ગોવાના ખેલાડીઓએ ઐતિહાસિક સિદ્ધિ મેળવતા ઈતિહાસની સૌથી મોટી ભાગીદારી નોંધાવી છે.

ગોવા અને અરુણાચલ પ્રદેશ વચ્ચે રમાયેલી રણજી ટ્રોફીની પ્લેટ ગ્રુપની મેચમાં ગોવાના સ્નેહલ કૌથનકર અને કશ્યપ બાકલેએ ત્રીજી વિકેટ માટે 606 રનની ભાગીદારી કરી રણજી ટ્રોફીના ઈતિહાસની સૌથી મોટી ભાગીદારી નોંધાવી હતી. આ મેચમાં બંને બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરતા ત્રેવડી સદી ફટકારી હતી.

રણજી ટ્રોફીમાં 606 રનની ભાગીદારીનો નવો રેકોર્ડ

ગોવાના બન્ને ખેલાડીઓએ ત્રીજી વિકેટ માટે 448 બોલમાં 606 રનની ભાગીદારી કરી હતી અને રણજી ટ્રોફીના ઈતિહાસની અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી નોંધાવી હતી. જેમાં સ્નેહલ કૌથનકરે માત્ર 215 બોલમાં 45 ફોર અને 4 સિક્સર સાથે અણનમ 314 રન ફટકાર્યા હતા. જ્યારે કશ્યપ બકલેએ 269 બોલમાં 39 ફોર અને 2 સિક્સર સાથે અણનમ 300 રન બનાવ્યા હતા.

બંને બેટ્સમેનોએ આ ઐતિહાસિક ભાગીદારીએ 2016-17ની રણજી સિઝનમાં મહારાષ્ટ્રના બેટ્સમેનોએ નોંધાવેલી સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. મહારાષ્ટ્રના સ્વપ્નિલ સુગાલે અને અંકિત બાવનેએ દિલ્હી સામે 594* રનની ભાગીદારી કરી હતી. હવે આ રેકોર્ડ તુટી ગયો છે.

આ પણ વાંચો – ભારતના પૂર્વ ક્રિકેટર સંજય બાંગરનો પુત્ર છોકરામાંથી છોકરી બન્યો, સર્જરી કરાવીને આર્યનમાંથી થયો અનાયા

ગોવાનો ઇનિંગ્સ અને 551 રને વિજય

ગોવાએ અરુણાચલ પ્રદેશ સામે ઇનિંગ્સ અને 551 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. અરુણાચલ પ્રદેશ પ્રથમ દાવમાં 30.3 ઓવરમાં 84 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ગોવાએ 2 વિકેટે 727 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. અરુણાચલ પ્રદેશ બીજા દાવમાં 92 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ સાથે જ ગોવાએ રણજીમાં સૌથી મોટી જીત મેળવી છે. આ પહેલા સૌથી મોટી જીતનો રેકોર્ડ અસમના નામે હતો. 1991માં અસમે ત્રિપુરા સામે ઇનિંગ્સ અને 472 રને વિજય મેળવ્યો હતો.

રણજીના ઇતિહાસમાં 3 સૌથી મોટી ભાગીદારી

  • 606 રન – સ્નેહલ કૌંથનકર અને કશ્યપ બકલે (ગોવા) વિ. અરુણાચલ પ્રદેશ, 2024-25

  • 594 રન – સ્વપ્નિલ સુગાલે અને અંકિત બાવને (મહારાષ્ટ્ર) વિ. દિલ્હી, 2016-17

  • 577 વિજય હઝારે અને ગુલ મોહમ્મદ (બરોડા) વિ. હોલકર, 1946-47

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ