Wiaan Mulder World Record, ZIM vs SA: દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર વિઆન મુલ્ડરે સોમવારે બુલાવાયોના ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ પર ઝિમ્બાબ્વે સામેની બીજી ટેસ્ટ મેચમાં કેપ્ટન તરીકે ડેબ્યૂ કરીને ઇતિહાસ રચ્યો છે. મુલ્ડર ટેસ્ટ ઇતિહાસમાં કેપ્ટન તરીકે પોતાની ડેબ્યૂ ઇનિંગમાં ત્રેવડી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો છે. તેણે 297 બોલમાં 38 ફોર અને 3 સિક્સર સાથે પોતાની ત્રેવડી સદી પુરી કરી હતી.
મુલ્ડરે 334 બોલમાં 49 ફોર અને 4 સિક્સર સાથે 367 રન બનાવ્યા હતા. આ મેચમાં તેની પાસે બ્રાયન લારાનો 400 રનનો રેકોર્ડ તોડવાની તક હતી. જોકે તેણે 367 રન બનાવી ટીમનો દાવ ડિકલેર કરી દીધો હતો. જેથી તે આ રેકોર્ડ તુટવાથી બચી ગયો હતો. દક્ષિણ આફ્રિકાએ 114 ઓવરમાં 5 વિકેટે 626 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો.
ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં આ બીજી સૌથી ઝડપી ત્રેવડી સેન્ચુરી છે. ફક્ત ભારતના વીરેન્દ્ર સેહવાગ જ તેમના કરતા ઝડપી ત્રેવડી ફટકારી છે, જેણે 2008માં ચેન્નઈમાં દક્ષિણ આફ્રિકા સામે 278 બોલમાં 300 રન બનાવ્યા હતા.
મુલ્ડરે ઘણા રેકોર્ડ બનાવ્યા
મુલ્ડરે ન્યૂઝીલેન્ડના ગ્રેહામ ડોલિંગનો રેકોર્ડ તોડ્યો છે, જેણે 1969માં ભારત સામે કેપ્ટન તરીકે પોતાની ડેબ્યૂ મેચમાં 239 રન બનાવ્યા હતા. આ સિવાય મુલ્ડર હવે કેપ્ટન તરીકે દક્ષિણ આફ્રિકા માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે 2003માં ઇંગ્લેન્ડ સામે 277 રન બનાવનારા પોતા દેશના ગ્રીમ સ્મિથના રેકોર્ડ તોડ્યો છે. આ સાથે તેણે ગયા વર્ષે પાકિસ્તાન સામે 310 બોલમાં ત્રેવડી સદી ફટકારનાર હેરી બ્રુકના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે.
આ પણ વાંચો – શુભમન ગિલે રચ્યો ઇતિહાસ, આવી સિદ્ધિ મેળવનાર ભારતનો પ્રથમ કેપ્ટન બન્યો
આ મુલ્ડરની ફક્ત 21મી ટેસ્ટ મેચ હતી અને તે દક્ષિણ આફ્રિકા માટે ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર હાશિમ અમલા પછી બીજો ખેલાડી બન્યો છે. મુલ્ડરની આ ઇનિંગ દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ ઇતિહાસમાં પણ એક ઇતિહાસ બની ગઈ છે.