Budget 2024 : નાણાં મંત્રી નિર્મલા સીતારામને મોદી સરકારનું વચગાળાનું બજેટ 2024 રજૂ કર્યું છે. ખેલાડીઓ અને રમત સાથે સંકળાયેલા લોકો અપેક્ષા રાખતા હતા કે બજેટ 2024માં ભારતની સ્પોર્ટ્સ મહત્વાકાંક્ષાઓને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ અપેક્ષા એટલા માટે પણ વધારે હતી કારણ કે આ વર્ષે 26 જુલાઈથી 11 ઓગસ્ટની વચ્ચે પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થવાનું છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
ગત વર્ષે કેન્દ્ર સરકારે રમતગમત માટે 3397.32 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. જેમાંથી 880 કરોડ રૂપિયા ખેલો ઇન્ડિયાને ફાળવવામાં આવ્યા હતા. વચગાળાના બજેટમાં ગત વખત કરતાં સ્પોર્ટસ માટે રુપિયા 45 કરોડ વધુ ફાળવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના ખેલો ઇન્ડિયા માટે 20 કરોડ રૂપિયા વધુ ફાળવવામાં આવ્યા છે. એટલે કે વર્ષ 2024-2025 દરમિયાન ખેલ અને યુવા મામલાના મંત્રાલયને 3442.32 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
બજેટ 2024 – ખેલો ઇન્ડિયાનું બજેટ વધીને 900 કરોડ થયું
આ વખતે ખેલો ઇન્ડિયાના બજેટમાં 20 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. હવે તે 900 કરોડ થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીરમાં રમતગમતની સુવિધાઓ વધારવા માટે ગત બજેટમાં 15 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી, જે બાદમાં વધારીને 20 કરોડ કરવામાં આવી હતી. જોકે હવે આ રકમ ઘટાડીને 8 કરોડ કરી દેવામાં આવી છે. ગત બજેટમાં નેશનલ સ્પોર્ટસ ફેડરેશનને રુપિયા 325 કરોડની સહાય પેટે ફાળવણી કરવામાં આવી હતી. આ વખતે આ રકમ વધારીને 340 કરોડ કરવામાં આવી છે.
નાણાં મંત્રીએ બજેટ ભાષણમાં ગ્રાન્ડ માસ્ટર પ્રગનાનંદનો ઉલ્લેખ કર્યો
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને 1 ફેબ્રુઆરીના રોજ લોકસભામાં વચગાળાનું બજેટ 2024 રજૂ કરતી વખતે ભારતીય ચેસ ખેલાડીઓની નોંધપાત્ર સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે રમતગમતના ક્ષેત્રમાં ભારતની પ્રગતિ વિશે વાત કરતા ચેન્નાઇના 18 વર્ષીય જીએમ આર પ્રગનાનંદનો ઉલ્લેખ કર્યો હતો.
આ પણ વાંચો – બજેટ 2024 : નિર્મલા સીતારામનનો આ હિંંટમાં જોવા મળ્યો આત્મવિશ્વાસ, શું ફરી આવશે મોદી સરકાર?
14 વર્ષમાં ગ્રાન્ડ માસ્ટર્સની સંખ્યા ચાર ગણી થઈ ગઈ
નિર્મલા સીતારમણે કહ્યું કે દેશને એ યુવાઓ પર ગર્વ છે, જેમણે રમતગમતમાં નવી ઉંચાઈઓને સ્પર્શી છે. ચેસની પ્રતિભા અને આપણા નંબર-1 રેન્કવાળા ખેલાડી આર.પ્રગનાનંદે 2023માં વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને સખત ટક્કર આપી હતી. આજે ભારતમાં ચેસના 80થી વધુ ગ્રાન્ડમાસ્ટર્સ છે, જ્યારે 2010માં આ સંખ્યા માત્ર 20 કે તેથી વધુ હતી.
સીતારામન પ્રતિષ્ઠિત ફિડે વર્લ્ડ કપનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જ્યાં પ્રગનાનંદનો આ ટાઇટલ માટે મુકાબલો ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન કાર્લસન સામે થયો હતો. પ્રગનાનંદ કાર્લસન સામે હારી ગયા હતા પરંતુ તેમણે ચોક્કસપણે નોર્વેના લેજન્ડરી ચેસ ખેલાડીને જોરદાર ટક્કર આપી હતી.
હાંગઝોઉમાં ભારતે 100થી વધુ મેડલ જીત્યા
સીતારામને ગયા વર્ષે હાંગઝોઉમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતના નોંધપાત્ર મેડલ ટેલી પર પણ પ્રકાશ પાડ્યો હતો. હાંગઝોઉમાં ભારતે એશિયન ગેમ્સના ઈતિહાસમાં પહેલી વખત ત્રણ ડિજિટમાં મેડલ્સ જીત્યા હતા.





