Sports Year Ender 2024 : ભારત માટે 2024નું વર્ષ રમતગમતની દ્રષ્ટિએ ઉતાર-ચડાવ ભર્યું રહ્યું છે. આ વર્ષે ભારતે ઘણી ટૂર્નામેન્ટમાં ઐતિહાસિક જીત મેળવી છે. જ્યારે ઘણી ટૂર્નામેન્ટમાં પણ નિરાશા સાંપડી હતી. આ વર્ષે ઘણી રમતો અને ખેલાડીઓ વિવાદોને કારણે પણ ચર્ચામાં રહ્યા હતા. પછી તે ભારતીય હોકી અને ફૂટબોલ કોચનું રાજીનામું હોય કે પછી વિનેશ ફોગટની પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠરવાની વાત હોય. આ વર્ષના સૌથી મોટા વિવાદો વિશે જણાવી રહ્યા છીએ.
હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સમાં આવતા થયો વિવાદ
આ વર્ષની શરુઆતમાં જ હાર્દિક પંડયા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યો હતો. આ પછી જસપ્રીત બુમરાહે કેટલીક એવી સ્ટોરી સોશિયલ મીડિયા પર શેયર કરી હતી, જેના કારણે એવું લાગી રહ્યું હતુ કે હાર્દિકના કેપ્ટન બનવાથી તે ખુશ નથી. હાર્દિકને આખી આઇપીએલમાં હૂટિંગનો પણ સામનો કરવો પડ્યો હતો. તેને સોશિયલ મીડિયા ઉપર પણ ખૂબ ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો. રોહિત શર્માને કેપ્ટનશિપમાંથી હટાવવા બદલ મુંબઈ ઈન્ડિયન્સની પણ ભારે ટીકા થઈ હતી.
વિનેશ ફોગાટ ડિસક્વોલિફાય
ભારતીય પહેલવાન વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાં ફાઇનલ મેચમાં પહોંચી હતી. તેણે દેશ માટે મેડલ સુનિશ્ચિત કર્યો હતો. જોકે ફાઇનલ મુકાબલા પહેલા વધારે પડતા વજનને કારણે ડિસક્વોલિફાય થઇ હતી. જેના કારણે તે મેડલથી વંચિત રહી હતી. વિનેશે આ પછી દાવો કર્યો હતો કે તેને પેરિસમાં આઇઓએ તરફથી કે રમત મંત્રાલય તરફથી કોઈ મદદ મળી નથી. તે ઘટના દરમિયાન એકલી પડી ગઇ હતી.
ઇગોર સ્ટિમાક
ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એઆઈએફએફ)એ જૂનમાં રાષ્ટ્રીય સિનિયર મેન્સ ટીમના હેડ કોચ ઇગોર સ્ટિમાકની હકાલપટ્ટી કરી હતી. આ પછી સ્ટિમાકે ફૂટબોલ એસોસિએશન પર ઘણા ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે ફેડરેશન તરફથી તેમને કોઇ સમર્થન નથી મળ્યું, તેને ખોટું બોલવામાં આવ્યું છે. તેની વાતોને મહત્વ આપવામાં આવ્યું ન હતું. ટીમના નિર્ણયો પણ તેને પૂછ્યા વિના જ લેવામાં આવ્યા હતા. ભારતીય ફેડરેશને સ્ટિમાકને વળતર તરીકે મોટી રકમ ચુકવવી પડી હતી.
આ પણ વાંચો – આ વર્ષે ટેસ્ટ, વન-ડે અને ટી 20માં ભારતીય ક્રિકેટ ટીમમાં આ ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ, જુઓ યાદી
કેએલ રાહુલ અને સંજીવ ગોએન્કા
આઇપીએલ 2024 દરમિયાન સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં હાર્યા બાદ લખનઉ સુપર જાયન્ટ્સ ફ્રેન્ચાઇઝીના માલિક સંજીવ ગોએન્કા અને કેએલ રાહુલ વચ્ચે મેદાન પર બોલાચાલી થઇ હતી. સંજીવ ગોએન્કા રાહુલ પર નારાજગી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. આ પછી કેએલ રાહુલને રિટેન કરવામાં આવ્યો ન હતો. તે હવે દિલ્હી કેપિટલ્સનો ભાગ છે.
યાનેકા શોપમેનનું રાજીનામું
મહિલા હોકી ટીમના કોચ યાનેકા શોપમેનના રાજીનામાને લઈને પણ ભારે હંગામો થયો હતો. તેમણે હોકી ઈન્ડિયા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે મેં જોયું છે કે પુરુષ અને મહિલા કોચ વચ્ચે ભેદભાવ હોય છે. હું નેધરલેન્ડની છું, મેં અમેરિકામાં કામ કર્યું છે, પરંતુ એક મહિલા તરીકે ભારતમાં કામ કરવું ઘણું મુશ્કેલ છે. મેં એવી જગ્યાએ કામ કર્યું છે જ્યાં સ્ત્રીઓના પોતાના મંતવ્યો હોય છે અને તેનું મૂલ્ય હોય છે. જોકે હોકી ઈન્ડિયાના અધિકારીઓ આ વાતની ખોટી ગણાવી હતી.