Sports Year Ender 2024 : 2024નું વર્ષ હવે સમાપ્ત થવા આવ્યું છે અને 2025ના નવા વર્ષની થોડા દિવસો પછી શરૂઆત થશે. 2024નું વર્ષ ભારતીય ક્રિકેટ ટીમના પ્રશંસકો માટે યાદગાર રહ્યું છે. કારણ કે ભારત આ વર્ષે ટી 20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું છે. જોકે વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ ટી-20 ઈન્ટરનેશનલને અલવિદા કહીને ચાહકો નિરાશ થયા હતા. આ વર્ષ નવોદિત પ્લેયર માટે ખાસ રહ્યું છે. કારણ કે ઘણા ભારતીય યુવા ક્રિકેટર્સનું ટીમ ઇન્ડિયામાં ડેબ્યૂ થયું છે. અમે તમને આ વર્ષે ટી 20, વન-ડે અને ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર ભારતીય વિશે જણાવી રહ્યા છીએ.
2024માં ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર ભારતીય
2024ના વર્ષમાં ભારતીય ક્રિકેટ ટીમમાં ટેસ્ટમાં 7, વન-ડેમા 1 અને આંતરરાષ્ટ્રીય ટી-20માં 8 ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું છે. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં રજત પાટીદાર, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન, આકાશ દીપ અને દેવદત્ત પડિકલને ટેસ્ટ કેપ મળી હતી. આ પછી હાલમાં રમાય રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં હર્ષિત રાણા અને નીતિશ કુમાર રેડ્ડીને ટેસ્ટ કેપ મળી છે.
- રજત પાટીદાર
- ધ્રુવ જુરેલ
- સરફરાઝ ખાન
- આકાશ દીપ
- દેવદત્ત પડિકલ
- હર્ષિત રાણા
- નીતિશ કુમાર રેડ્ડી
આ પણ વાંચો – ભારત 2024માં એકપણ વન-ડે જીતી શક્યું નથી, જાણો ટીમ ઇન્ડિયાની આ વર્ષની સફર
2024માં ટી-20માં ડેબ્યૂ કરનાર ભારતીય
ભારતીય ટીમના ઝિમ્બાબ્વે પ્રવાસ માટે શુભમન ગિલની કેપ્ટનશિપમાં યુવા ટીમની પસંદગી કરવામાં આવી હતી. અભિષેક શર્મા, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, બી સાઈ સુદર્શન અને તુષાર દેશપાંડેને ટી-20 કેપ મળી હતી. આ પછી જ્યારે બાંગ્લાદેશની ટીમ ભારત આવી ત્યારે નીતિશ કુમાર રેડ્ડી, મયંક યાદવ ટી 20 કેપ મળી હતી. આ પછી રમનદીપ સિંહને દક્ષિણ આફ્રિકા સામે સેન્ચુરિયનમાં ડેબ્યૂ કેપ મળી હતી.
- અભિષેક શર્મા
- ધ્રુવ જુરેલ
- રિયાન પરાગ
- બીસાઈ સુદર્શન
- તુષાર દેશપાંડે
- નીતિશ કુમાર રેડ્ડી
- મયંક યાદવ
- રમણદીપ સિંહ
2024માં વન-ડેમાં ડેબ્યૂ કરનાર ભારતીય
2024માં ભારત ફક્ત ત્રણ જ વન-ડે રમ્યું છે. આ ત્રણેય વન-ડે શ્રીલંકા સામે રમાઇ હતી. ઓછી મેચો રમવાના કારણે એકમાત્ર રિયાન પરાગને વન-ડેમાં કેપ મળી હતી.