Sports Year Ender 2024 : ભારતીય ક્રિકેટ ટીમ 2024માં વન-ડેમાં એકપણ મેચ જીતી શકી નથી. આ વાત સાંભળી પહેલા તમને નવાઇ લાગતી હશે પણ આ વાત સાચી છે. કારણ કે ભારતનું 2024માં ટી 20 અને ટેસ્ટ ફોર્મેટમાં વધારે ફોક્સ રહ્યું છે. ભારત 2024માં ફક્ત 3 વન-ડે જ રમ્યું છે. આ ત્રણેય વન-ડે શ્રીલંકા સામે રમાઇ હતી. જેમાં 2 વન-ડેમાં ટીમનો પરાજય થયો હતો અને 1 વન-ડે ટાઇ પડી હતી.
ટી 20 વર્લ્ડ કપના કારણે ભારત 2024ના વર્ષમાં કુલ 26 ટી-20 મેચ રમ્યું હતું. જ્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના કારણે ભારત કુલ 14 ટેસ્ટ મેચ રમ્યું છે અને હજુ બે ટેસ્ટ રમશે. એટલે કે આ વર્ષમાં કુલ 16 ટેસ્ટ મેચ રમશે. ટેસ્ટ અને ટી-20માં વધારે રમવાના કારણે ભારત ફક્ત 3 વન-ડે મેચ રમ્યું છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે એકમાત્ર વન-ડે શ્રેણી રમાઇ
ભારત અને શ્રીલંકા વચ્ચે એકમાત્ર વન-ડે શ્રેણી ઓગસ્ટમાં શ્રીલંકામાં રમાઇ હતી. જેમાં શ્રીલંકાએ 2-0થી જીત મેળવી હતી.શ્રેણીની પ્રથમ વનડે મેચ ટાઈ રહી હતી. આ પછી બીજી વન-ડેમાં શ્રીલંકાનો 32 રને વિજય થયો હતો. શ્રીલંકાનો શ્રેણીની ત્રીજી અને અંતિમ વન-ડેમાં 110 રને વિજય થયો હતો. ત્રણેય મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી.
આ પણ વાંચો – ટીમ ઇન્ડિયા 2024માં અત્યાર સુધીમાં કુલ 14 ટેસ્ટ મેચ રમ્યું, આવો રહ્યો છે રેકોર્ડ
રોહિત શર્માના સૌથી વધારે 157 રન
2024 વર્ષે વન-ડેમાં સૌથી વધારે રનની વાત કરવામાં આવે તો ભારતના કેપ્ટન રોહિત શર્માએ ફટકાર્યા છે. રોહિતે 3 મેચમાં બે અડધી સદીની મદદથી 157 રન બનાવ્યા હતા. 52.33ની એવરેજ રહી છે. બોલિંગની વાત કરવામાં આવે તો આ વર્ષે વન-ડેમાં વોશિંગ્ટન સુંદરે સૌથી વધારે વિકેટ ઝડપી છે. વોશિંગ્ટન સુંદરે 3 વન-ડેમાં 21.00ની એવરેજથી 5 વિકેટ ઝડપી છે.