Sports Year Ender 2024 : ભારત હાલમાં સ્પોર્ટ્સ વર્લ્ડ પર રાજ કરી રહ્યું છે. ભારતીય ખેલાડીઓએ આ ક્ષેત્રમાં ઝંડા ફરકાવ્યા છે. ક્રિકેટ હોય, ચેસ હોય, બિલિયર્ડ્ઝ હોય, બોક્સિંગ હોય કે પછી કુસ્તી હોય, ભારતીય ખેલાડીઓએ દરેક રમતમાં શ્રેષ્ઠતા સાબિત કરી છે. આ જ કારણ છે કે ભારત હાલમાં ઘણી રમતોમાં વર્લ્ડ ચેમ્પિયન છે.
ક્રિકેટ
ભારત હાલ ક્રિકેટમાં વર્લ્ડ ચેમ્પિયન છે. આ વર્ષે જૂન મહિનામાં ભારતે ટી-20 વર્લ્ડ કપ જીત્યો હતો. મેન્સ ટીમે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને પરાજય આપ્યો હતો. 11 વર્ષ બાદ ભારત મેન્સ કેટેગરીમાં આઇસીસી ટ્રોફી જીતવામાં સફળ રહ્યું હતું. આ સમયે ટી-20 ઉપરાંત ભારતની મહિલા અંડર-19 ટીમ પણ વર્લ્ડ ચેમ્પિયન છે. શેફાલી વર્માની કેપ્ટન્સીમાં ભારતે ગત વર્ષે આ વર્લ્ડ કપ જીત્યો.
ચેસ
ભારત આ સમયે ચેસમાં પણ વર્લ્ડ ચેમ્પિયન છે. ભારતના 18 વર્ષીય ગ્રાન્ડ માસ્ટર ડી.ગુકેશે તાજેતરમાં જ વર્લ્ડ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું છે. તેણે ફાઇનલમાં ચીની ખેલાડીને હરાવ્યો હતો. તે ભારતનો બીજો વર્લ્ડ ચેમ્પિયન છે.
આ સમયે ગુકેશ જ નહીં ભારતની મહિલા અને પુરુષ ટીમ પણ વર્લ્ડ ચેમ્પિયન છે. વર્ષ 2024માં યોજાયેલા ચેસ ઓલિમ્પિયાડમાં ભારતની બંને ટીમોએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પહેલી વખત હતું જ્યારે ભારતે બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. વર્લ્ડ ચેમ્પિયન ગુકેશ પણ આ ટીમનો ભાગ હતો.
નીરજ ચોપરા
ભારતના સૌથી સફળ એથ્લીટ નીરજ ચોપરા પણ હાલ વર્લ્ડ ચેમ્પિયન છે. જેવલીન ખેલાડીએ વર્ષ 2023માં યોજાયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો. આ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર તે ભારત તરફથી પ્રથમ ખેલાડી હતો. નીરજ ચોપરાએ 88.17 મીટરના થ્રો સાથે અહીં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
આ પણ વાંચો – ભારત 2024માં એકપણ વન-ડે જીતી શક્યું નથી, જાણો ટીમ ઇન્ડિયાની આ વર્ષની સફર
બોક્સિંગ
ભારતની ચાર મહિલા ખેલાડીઓ હાલમાં વર્લ્ડ ચેમ્પિયન છે. આઈબીએલ મહિલા વર્લ્ડ ચેમ્પિયનશિપ 2023માં ભારતમાં યોજાઇ હતી.
- નીતુ ઘંઘાસ – 54 કિગ્રા
- નિખત ઝરીન – 50 કિગ્રા
- લવલિના બોરગોહેન – 75 કિગ્રા
- સ્વિટી બૂરા – 81 કિગ્રા
બિલિયર્ડ્સ
ભારતના બિલિયર્ડ્ઝ અને સ્નૂકર ખેલાડી પંકજ અડવાણીએ ચાલુ વર્ષે પણ તેનું વર્લ્ડ ચેમ્પિયન ટાઈટલ જાળવી રાખ્યું છે. પંકજે નવેમ્બરમાં બિલિયર્ડ્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી. અડવાણીનું આ 28મું વર્લ્ડ ટાઇટલ હતું. આ રીતે ભારત વર્તમાન સમયમાં આ રમતમાં પણ વર્લ્ડ ચેમ્પિયન છે.
કુસ્તી
કુસ્તી એક એવી રમત છે, જેમાં ભારતીય ખેલાડીઓ સાતત્યભર્યો દેખાવ કરી રહ્યા છે. ભારત સિનિયર કેટેગરીમાં ન હોય તો જુનિયર કેટેગરીમાં ચોક્કસપણે વર્લ્ડ ચેમ્પિયન છે. ભારતે ચાલુ વર્ષે યોજાયેલી અંડર-23 અને અંડર-20 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અંડર-23 કેટેગરીમાં યુવા કુસ્તીબાજ ચિરાગ ચિકારાએ 57 કિગ્રા વજન વર્ગની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત અંડર-20માં પણ ભારત વર્લ્ડ ચેમ્પિયન છે. ભારતની મહિલા કુસ્તીબાજ જ્યોતિએ 76 કિગ્રાની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
પેરા જેવલિન થ્રો
પેરા જેવલિનની વાત કરીએ તો અહીં પણ ભારતનો દબદબો જોવા મળે છે. ભારતના પેરા જેવલિન ખેલાડી સુમિત અંતિલે તેની કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયન ટાઈટલ જાળવી રાખ્યું છે. તેણે ગત વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અંતિલ હાલ વર્લ્ડ ચેમ્પિયન તો છે જસાથે સાથે તે ઓલિમ્પિક ચેમ્પિયન પણ છે. તેના નામે વર્લ્ડ રેકોર્ડ પણ છે.





