SRH vs MI : સનરાઇઝર્સ હૈદરાબાદે બુધવારે મુંબઇ ઇન્ડિયન્સ સામેની મેચમાં રનનો ઢગલો કરી દીધો હતો. હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટે 277 રન બનાવ્યા હતા, જે આઇપીએલ ઇતિહાસનો સૌથી મોટો સ્કોર છે. આ સ્કોરમાં ટીમના યુવા બેટ્સમેન અભિષેક શર્માએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આમ છતાં પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ તેના પર ગુસ્સે ભરાયો હતો અને તેણે અભિષેક પર ચપ્પલ ઉઠાવવાની વાત પણ કરી હતી.
અભિષેક શર્માની આક્રમક ઇનિંગ્સ
અભિષેક શર્માએ 23 બોલમાં 63 રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સમાં તેણે સાત સિક્સર અને ત્રણ ફોર ફટકારી હતી. આ ખેલાડીએ પોતાની અડધી સદી માત્ર 16 બોલમાં પૂરી કરી હતી. તેણે પહેલા ટ્રેવિસ હેડ સાથે નિર્ણાયક ભાગીદારી કરી હતી. આ બંનેએ મુંબઈના બોલરોને જોરદાર પીટાઇ કરી હતી.
યુવરાજ સિંહ થયો નારાજ
અભિષેક શર્માની આ ઈનિંગ્સથી યુવરાજ સિંહ ખુશ હતો. જોકે જે શોટ પર આ યુવા બેટ્સમેન આઉટ થયો હતો તેના કારણે યુવરાજ ગુસ્સે ભરાયો હતો. યુવરાજ સિંહે ટ્વિટ કરીને લખ્યું કે વાહ સર અભિષેક વાહ. અદ્ભુત ઇનિંગ્સ પરંતુ આઉટ થવા માટે શું ગજબનો શોટ ફટકાર્યો છે. લાતોના ભૂત વાતોથી માનતા નથી, હવે ખાસ ચપ્પલ તારી રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો – સનરાઇઝર્સ હૈદરાબાદે ઇતિહાસ રચ્યો, આઈપીએલમાં હાઇએસ્ટ સ્કોરનો રેકોર્ડ બનાવ્યો
અભિષેકનો મેન્ટોર છે યુવરાજ સિંહ
યુવરાજ સિંહ અભિષેક શર્માનો મેન્ટોર છે. અભિષેક તેના અંડર-19ના સમયથી યુવરાજ સિંહ સાથે ટ્રેનિંગ લઈ રહ્યો છે. તેની સાથે-સાથે શુભમન ગિલ પણ યુવરાજનો સ્ટૂડન્ટ રહી ચૂક્યો છે. આ જ કારણ છે કે યુવરાજ સિંહ અભિષેકની બેટિંગ પર ઘણી નજર રાખે છે. તેની સહેજ પણ ભૂલ યુવરાજને નારાજ કરે છે. શુભમન ગિલના આઉટ થવા ઉપર પણ યુવરાજ આવા ટ્વિટ કરી ચુક્યો છે.





