Sri Lanka vs New Zealand: શ્રીલંકા વિ ન્યુઝીલેન્ડ 2 ટેસ્ટ મેચની શ્રેણીમાં શ્રીલંકાએ પહેલી ટેસ્ટ મેચ જીતી પોતાનું પ્રભુત્વ બતાવ્યું છે. 1લી ટેસ્ટ મેચમાં શ્રીલંકાએ મેચના પાંચમા દિવસે ન્યુઝીલેન્ડને 63 રનથી હરાવ્યું છે. બંને ટીમો માટે જીતની આશા વચ્ચે છેવટે શ્રીલંકાએ બાજી મારી છે. પાંચમા દિવસની રમત શરુ થતાં ન્યુઝીલેન્ડને જીત માટે માત્ર 68 રનની જરુર હતી. પરંતુ શ્રીલંકન બોલર્સ સામે ન્યુઝીલેન્ડના બેટ્સમેન ટકી શક્યા ન હતા.
ચોથા દિવસની રમત પૂર્ણ થતાં ન્યુઝીલેન્ડનો સ્કોર 8 વિકેટ પર 207 હતો. ન્યુઝીલેન્ડને જીતવા માટે 68 રનની જરુર હતી. પાંચમા દિવસે રમતની શરુઆત થતાં રચિન રવિનંદ્ર 91 રન પર અને એજાજ પટેલ શૂન્ય રન પર રમતમાં આવ્યા હતા. પરંતુ ન્યુઝીલેન્ડ ટીમ માત્ર 29 બોલમાં આઉટ થઇ ગઇ. શ્રીલંકન બોલર પ્રભાત જયસૂર્યાએ રચિન રવિન્દ્ર અને વિલિયમ ઓરુર્કેને આઉટ કરતાં શ્રીલંકાએ મેચ જીતી લીધી.
શ્રીલંકન બોલર પ્રભાત જયસૂર્યા મેચમાં 9 વિકેટ લેતાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. જયસૂર્યાએ પહેલી ઇનિંગમાં 4 અને બીજી ઇનિંગમાં 5 વિકેટ લીધી હતી. શ્રીલંકન યુવા બોલર જયસૂર્યા માત્ર 15 ટેસ્ટ મેચ રમ્યો છે અને 88 વિકેટ લીધી છે. મેચમાં ટર્નિંગ પોઇન્ટની વાત કરીએ તો ન્યુઝીલેન્ડ યુવા બેટસમેન પાંચમા દિવસની રમતમાં માત્ર 1 રન જ બનાવી શક્યો. રચિન પોતાની સદી તો ચૂક્યો પરંતુ સાથોસાથ ન્યુઝીલેન્ડ ટીમનું જીતનું સપનું પણ રોળાયું.
અહીં નોંધનિય છે કે, શ્રીલંકા ન્યુઝીલેન્ડ વચ્ચે 2જી ટેસ્ટ મેચ 26 સપ્ટેમ્બરથી રમાશે. શ્રીલંકા ટીમની આ સતત બીજી ટેસ્ટ જીત છે. આ પહેલા શ્રીલંકાએ ઇંગ્લેન્ડને હરાવ્યું હતું.