/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/dhammika-niroshana.jpg)
Dhammika Niroshana: શ્રીલંકાના પૂર્વ કેપ્ટન ધમ્મિકા નિરોશને 10 મેચમાં શ્રીલંકાની અંડર-19 ટીમની કેપ્ટનશિપ કરી હતી. (Photo: Social Media)
Sri Lanka Cricketer Dhammika Niroshana Shot Dead: ટીમ ઈન્ડિયા ક્રિકેટ મેચ માટે શ્રીલંકા ટુર જવાની છે તેની પહેલા એક ચિંતાજનક સમાચાર આવ્યા છ. શ્રીલંકાના પૂર્વ ક્રિકેટરની પરિવાર સામે ગોળી મારી હત્યા કરવામાં આવી છે. શ્રીલંકાના મીડિયા અનુસાર શ્રીલંકાની અંડર-19 ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ધમ્મિકા નિરોશન (41)ની મંગળવારે રાત્રે (16 જુલાઈ 2024) ગાલે જિલ્લાના એક નાનકડા શહેર અંબાલાંગોડાના કાંડા માવધા સ્થિત તેમના નિવાસસ્થાને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર ધમ્મિકા નિરોશન તેની પત્ની અને બે બાળકો સાથે હતો ત્યારે એક અજાણ્યા શખ્સે તેના પર ફાયરિંગ કર્યું હતું.
પોલીસે હજી સુધી એક પણ શંકાસ્પદની ધરપકડ કરી નથી. પોલીસ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે, પરંતુ આ ગુના પાછળનો હેતુ હજુ સુધી સ્પષ્ટ થયો નથી. ધમ્મિકા નિરોશનની 12 બોરની રાઇફલથી કથિત રીતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. રાઇટ હેન્ડ બોલર ધમ્મિકા નિરોશનને તેના રમતના દિવસો દરમિયાન ઉભરતી પ્રતિભા તરીકે જોવામાં આવતો હતો.
ધમ્મિકા નિરોશન ક્રિકેટ કરિયર
ધમ્મિકા નિરોશને 2001થી 2004 દરમિયાન ગાલે ક્રિકેટ ક્લબ માટે 12 ફર્સ્ટ ક્લાસ અને 8 લિસ્ટ એ મેચ રમી હતી. જેમા તેણે 300થી વધુ રન બનાવ્યા હતા અને 19 વિકેટ ઝડપી હતી. તેણે 2000માં શ્રીલંકાની અંડર-19 ટીમ તરફથી ડેબ્યૂ કર્યું હતું અને બે વર્ષ સુધી અંડર-19 ટેસ્ટ અને વન-ડે ક્રિકેટ રમ્યો હતો.
ધમ્મિકા નિરોશન ની કેપ્ટનશીપમાં આ દિગ્ગજ ખેલાડીઓ
22 ફેબ્રુઆરી 1983ના રોજ ગાલેમાં જન્મેલી ધમ્મિકા નિરોશને 10 મેચમાં શ્રીલંકાની અંડર-19 ટીમની કેપ્ટનશિપ કરી હતી. તેના હાથ નીચે ફરવીઝ મહારૂફ, એંજેલો મેથ્યૂસ અને ઉપુલ થારંગા જેવા ખેલાડીઓ રમ્યા હતા. આ બધાએ રાષ્ટ્રીય સ્તરે શ્રીલંકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જો કે ધમ્મિકા નિરોશનની કારકિર્દી ક્યારેય આગળ વધી નહીં. તેમણે પોતાની છેલ્લી સ્પર્ધાત્મક ક્રિકેટ મેચ ડિસેમ્બર 2004માં રમી હતી.
વ્હાઇટ બોલ સિરિઝમાં ભારતનું યજમાન બનશે શ્રીલંકા
આ દરમિયાનમાં શ્રીલંકાનું ક્રિકેટ બોર્ડ વ્હાઈટ બોલની સિરિઝ માટે ભારતની યજમાની કરવાની તૈયારી કરી રહ્યું છે. આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024માં નિરાશાજનક પ્રદર્શન બાદ શ્રીલંકાની ટીમ 3 મેચોની ટી20 સીરીઝમાં વર્લ્ડ ચેમ્પિયન સામે ટકરાશે. આ પછી, 3 મેચની વનડે સિરિઝ રમાશે. ટી-20 વર્લ્ડ કપ 2024 બાદ વાનિન્દુ હસારંગાએ શ્રીલંકાની ટી-20 ટીમના કેપ્ટન તરીકેનું પદ છોડ્યું હતુ.
ભારતીય ક્રિકેટ ટીમનો શ્રીલંકા પ્રવાસ
ભારતનો શ્રીલંકા પ્રવાસ તારીખ 27મી જુલાઈએ રમાનારી ટી-20 ઈન્ટરનેશનલ મેચથી શરુ થશે. તે ભારતીય ક્રિકેટમાં એક નવો અધ્યાય પણ લખશે કારણ કે ગૌતમ ગંભીર મુખ્ય કોચ તરીકે પદાર્પણ કરશે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાની ટી-20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ બાદ આ પ્રથમ મોટી શ્રેણી પણ હશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us