World Champions Indian Women Cricket : હરમનપ્રીત કૌરની કેપ્ટન્સી હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે તે કરી બતાવ્યું જે અગાઉ ક્યારેય બન્યું ન હતું. આ ટીમે 2 નવેમ્બર 2025ના રોજ પહેલીવાર વન-ડે વર્લ્ડ કપ ટાઇટલ જીતવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. ભારતીય મહિલા ટીમની આ સિદ્ધિ બાદ તેમના પર એવોર્ડનો વરસાદ વરસી રહ્યો છે અને ખેલાડીઓની બ્રાન્ડ વેલ્યૂ પણ ઘણી વધી ગઈ છે. આ બધાની વચ્ચે સુનીલ ગાવસ્કરે મહિલા ટીમની ખેલાડીઓને એક મોટી સલાહ આપી હતી.
મહિલા ટીમને સુનીલ ગાવસ્કરે સલાહ આપી
ગાસ્કરે મિડ-ડેમાં તેમની કોલમ દ્વારા મહિલા ટીમને કહ્યું હતું કે છોકરીઓ માટે બસ એક ચેતવણી. જો તમને વચન આપેલા કેટલાક પુરસ્કારો ન મળે તો નિરાશ થશો નહીં. ભારતમાં જાહેરાતવાળા અથવા બ્રાન્ડ્સ ઝડપથી આ રેસમાં જોડાય છે અને વિજેતાઓના ખભા પર તેમની મફત પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરે છે. જો તમે ટીમને અભિનંદન આપતા આખા પેજની જાહેરાત અને હોર્ડિંગ્સ પર એક નજર નાખો છો તો તે સ્પષ્ટ રીતે બતાવે છે કે તેઓ ફક્ત તેમની બ્રાન્ડ અથવા પોતાને પ્રમોટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ભારતીય ક્રિકેટને ગૌરવ અપાવનારાઓને કંઇ આપી રહ્યા નથી.
આ પણ વાંચો – ટીમમાંથી બહાર હોવા છતા પ્રતિકા રાવલને કેવી રીતે મળ્યો વર્લ્ડ કપ મેડલ? જય શાહનો શું હતો રોલ
ગાવસ્કરે આ ચેતવણી પોતાના અંગત અનુભવના આધારે આપી હતી. 1983માં જ્યારે ભારતીય ટીમે પહેલીવાર વન ડે વર્લ્ડ કપ જીત્યો ત્યારે તેમને ઘણા વચનો આપવામાં આવ્યા હતા જે આજ સુધી પૂરા થયા નથી. જોકે ટીમને દેશવાસીઓ તરફથી મળેલા પ્રેમને તે સાચી પ્રશંસા માને છે.
ગાવસ્કરે કહ્યું કે 1983ની ટીમને ઘણા વચનો આપવામાં આવ્યા હતા અને મીડિયાએ તેમને ઘણું કવરેજ આપ્યું હતું. લગભગ તમામ વચનો ક્યારેય પૂરા થયા ન હતા. મીડિયાને દોષી ઠેરવી શકાય નહીં કારણ કે તેઓ મોટી જાહેરાતોથી ખુશ હતા કારણ કે તેમને ખ્યાલ ન હતો કે આ બેશરમ લોકો તેનો ઉપયોગ પણ કરી રહ્યા છે. તેથી છોકરીઓ જો આ બેશરમ લોકો તમારી જીતનો ઉપયોગ પોતાના પ્રમોશન માટે કરી રહ્યા છે, તો ચિંતા કરશો નહીં.





