Syed Mushtaq Ali Trophy : મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી અને મણિપુર વચ્ચે રમાયેલી સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની મેચમાં એક અનોખો ઇતિહાસ જોવા જોવા મળ્યો હતો. આ મેચમાં દિલ્હીની ટીમના તમામ 11 ખેલાડીઓએ બોલિંગ કરી હતી. એટલે કે વિકેટકીપરે પણ બોલિંગ કરી હતી. ટી-20 ક્રિકેટમાં આવું અગાઉ ક્યારેય બન્યું નથી. અગાઉ ક્યારેય ટી-20 મેચમાં 9 થી વધુ બોલરોનો ઉપયોગ થયો નથી.
દિલ્હી સામે પ્રથમ બેટિંગ કરતા મણિપુરે 20 ઓવરમાં 8 વિકેટે 120 રન બનાવ્યા હતા. એક સમયે મણિપુરનો સ્કોર 6 વિકેટે 41 રન હતો. આ પછી કેપ્ટન રેક્સ રાજકુમાર (23 રન) અને વિકેટકિપર અહમદ શાહ (32)ની જોડીએ સાતમી વિકેટ માટે 52 રનની ભાગીદારી કરી હતી. દિલ્હીના બોલરોમાં મયંક રાવત સૌથી મોંઘો રહ્યો હતો. તેણે પોતાની 3 ઓવરમાં 31 રન આપ્યા હતા. અહમદ શાહે તેમાં ત્રણ સિક્સર ફટકારી હતી.
વિકેટકીપર અનુજ રાવતે પણ બોલિંગ કરી
દિલ્હીના વિકેટકીપર અનુજ રાવતે પણ બોલિંગ કરી હતી. તેણે એક ઓવરમાં 14 રન આપ્યા હતા. દિલ્હી તરફથી હર્ષ ત્યાગી (2/11), દિગ્વેશ રાઠી (2/8), આયુષ સિંઘ (1/7), આયુષ બદોની (1/8) અને પ્રિયાંશ આર્યાએ (1/2) વિકેટ ઝડપી હતી. દિલ્હીની ટીમ આ ટૂર્નામેન્ટમાં અજેય છે. તેણે પોતાની પાછલી મેચોમાં જમ્મુ-કાશ્મીરને 35 રનથી અને હરિયાણાને છ વિકેટે પરાજય આપ્યો હતો.
આ પણ વાંચો – ગુજરાતનો ઉર્વિલ પટેલ ટી-20 માં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બન્યો, પંતનો રેકોર્ડ તોડ્યો
ડોડા ગણેશે દિલ્હીની ટીકા કરી
ભારતના ભૂતપૂર્વ બોલર ડોડા ગણેશે 11 બોલરોનો ઉપયોગ કરવા બદલ દિલ્હીની ટીકા કરી છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે આ પ્રોફેશનલ ક્રિકેટની મજાક છે. દિલ્હીને આવું કરવાની કોઈ જરૂર ન હતી. આ ફક્ત પ્લેટ ટીમોની ગુણવત્તા બતાવે છે.
દિલ્હીનો 4 વિકેટે વિજય
પ્રથમ બેટિંગ કરતા મણિપુરે 20 ઓવરમાં 8 વિકેટે 120 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 18.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. યશ ધુલે અણનમ 59 રન બનાવ્યા હતા. એક સમયે દિલ્હીનો સ્કોર 4 વિકેટે 52 રન હતો. આ પછી યશ ધુલે બાજી સંભાળી ટીમને જીત અપાવી હતી.





