Syed Mushtaq Ali Trophy 2024 : સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં સર્વિસિસ સામે મુંબઇએ મંગળવારે (3 ડિસેમ્બર) શાનદાર પ્રદર્શન કર્યું હતું. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરવાની તક મળ્યા બાદ મુંબઇએ 20 ઓવરમાં 4 વિકેટે 192 રન બનાવ્યા હતા. ભારતના ટી-20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે ધમાકેદાર અડધી સદી ફટકારી હતી.
સૂર્યકુમાર યાદવના 46 બોલમાં 70 રન
સૂર્યકુમાર યાદવે 46 બોલમાં 152.17ના સ્ટ્રાઇક રેટની મદદથી 70 રન બનાવ્યા હતા. તેણે 7 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ઈજામાંથી પુનરાગમન કરી રહેલા ઓલરાઉન્ડર શિવમ દુબેએ પણ ધમાકેદાર બેટીંગ કરી હતી. તેણે 7 સિક્સર ફટકારી હતી. શિવમ દુબેએ 37 બોલમાં 191.89ના સ્ટ્રાઇક રેટથી 71 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 2 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. તે અણનમ રહ્યો હતો.
સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબે વચ્ચે 130 રનની ભાગીદારી
મુંબઈની કંગાળ શરુઆત બાદ સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબેએ ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી તો બહાર કાઢી જ હતી બંને વચ્ચે 66 બોલમાં 130 રનની ભાગીદારી થઈ હતી. અગાઉ ઓપનર પૃથ્વી શૉ ફરી ફ્લોપ રહ્યો હતો અને ખાતુ ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો હતો.
આ પણ વાંચો – ચેમ્પિયન્સ ટ્રોફી : પાકિસ્તાન આ 3 શરતો પર હાઇબ્રિડ મોડલ સ્વીકાર કરવા તૈયાર
અજિંક્ય રહાણેએ પૃથ્વી શો સાથે ઓપનિંગ કર્યું
સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબેના પુનરાગમન બાદ મુંબઈની ટીમને પ્લેઈંગ 11માં ફેરફાર કરવો પડયો. અજિંક્ય રહાણેએ પૃથ્વી શો સાથે ઓપનિંગ કર્યું હતું. તેણે 18 બોલમાં 22 રન બનાવ્યા હતા. કેપ્ટન શ્રેયસ ઐયરે 14 બોલમાં 20 રન બનાવ્યા હતા. સૂર્યાંશ શેડગે 1 રને અણનમ રહ્યો હતો. સર્વિસિસ માટે પૂનમ પુનિયા, વિશાલ ગૌર, વિકાસ ઉમેશ યાદવ અને અમિત શુક્લાએ 1-1 વિકેટ ઝડપી હતી.