Syed Mushtaq Ali Trophy : ટી-20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય પ્લેયર બન્યાના એક દિવસ બાદ ગુજરાતના ઓપનર ઉર્વિલ પટેલે વધુ એક સદી ફટકારી છે. મંગળવારે (3 ડિસેમ્બર) ઇન્દોરમાં ઉત્તરાખંડ સામે 36 બોલમાં ધમાકેદાર સદી ફટકારી હતી.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઉત્તરાખંડે 20 ઓવરમાં 7 વિકેટે 182 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે માત્ર 13.1 ઓવરમાં જ આઠ વિકેટ બાકી રાખીને જીત મેળવી લીધી હતી. ઉર્વિલ પટેલ 41 બોલમાં 8 ફોર અને 11 સિક્સરની મદદથી 115 રન બનાવી અણનમ રહ્યો હતો. તેણે એક સપ્તાહની અંદર બીજી ટી-20 સદી ફટકારી છે. આ સિવાય તે 40 બોલની અંદર બે ટી-20 સદી ફટકારનારો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.
આઈપીએલ હરાજીમાં અનસોલ્ડ રહ્યો
26 વર્ષીય ઉર્વિલ આઈપીએલ 2023ની સિઝન માટે ગુજરાત ટાઇટન્સ ટીમનો ભાગ હતો, જેને 20 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. આઈપીએલ 2024ની હરાજી પહેલા ફ્રેન્ચાઈઝીએ તેને રિલીઝ કરી દીધો હતો. ઉર્વિલ પટેલને આઈપીએલ 2025ની મેગા હરાજી માટે પ્લેયર નંબર 212 તરીકે પણ સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો. પરંતુ તેની બેઝ પ્રાઇસ 30 લાખ રૂપિયા પર કોઈ ખરીદદાર મળી શક્યો ન હતો. હરાજી બાદ તેણે આક્રમક 2 સદી ફટકારી છે.
થોડા દિવસો પહેલા 28 બોલમાં સદી ફટકારી હતી
ગત સપ્તાહે ઈન્દોરની એમરલ્ડ હાઈસ્કૂલના મેદાન પર તેણે 28 બોલમાં સદી ફટકારી હતી. પટેલે માત્ર 28 બોલમાં સદી ફટકારતાં ગુજરાતે ત્રિપુરા સામે 156ના ટાર્ગેટનો પીછો કરતાં માત્ર 10.2 ઓવરમાં જ જીત મેળવી લીધી હતી. ઉર્વિલ પટેલ 35 બોલમાં 12 છગ્ગા અને સાત ચોગ્ગાની મદદથી 113 રન બનાવી અણનમ રહ્યો હતો. તેનો સ્ટ્રાઇક રેટ 322.86નો હતો.
આ પણ વાંચો – ગુજરાતનો ઉર્વિલ પટેલ ટી-20 માં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બન્યો, પંતનો રેકોર્ડ તોડ્યો
ઉર્વિલથી આગળ એસ્ટોનિયાનો સાહિલ ચૌહાણ
ટી-20માં સૌથી ઝડપી સદી ફટકારવાના મામલે ઉર્વિસ કરતા માત્ર એસ્ટોનિયાનો સાહિલ ચૌહાણ જ આગળ છે, જેણે આ વર્ષના પ્રારંભે સાયપ્રસ સામે 27 બોલમાં સદી ફટકારી હતી.
ટી-20માં સૌથી ઝડપી સદી
- 27 બોલ – સાહિલ ચૌહાણ (એસ્ટોનિયા) વિ. સાયપ્રસ, 2024
- 28 બોલ – ઉર્વિલ પટેલ (ગુજરાત) વિ. ત્રિપુરા, 2024
- 30 બોલ – ક્રિસ ગેલ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) વિ. પૂણે વોરિયર્સ, 2013
- 32 બોલ – ઋષભ પંત (દિલ્હી કેપિટલ્સ) વિ. હિમાચલ પ્રદેશ, 2018