Jasprit Bumrah Replacement In T20 World Cup: જસપ્રીત બુમરાહ પીઠની ઇજાના કારણે ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup)માંથી બહાર થઇ ગયો છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડે તેના રિપ્લેસમેન્ટની શોધ શરુ કરી દીધી છે. બીસીસીઆઈએ સોમવારે ટ્વિટ કરીને કહ્યું કે બુમરાહ પીઠની ઇજાને કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગયો છે.
બુમરાહની ગેરહાજરીમાં તેના રિપ્લેસમેન્ટ તરીકે ઘણા નામ બહાર આવી રહ્યા છે. તેમાં મોહમ્મદ શમી, દીપક ચાહર અને મોહમ્મદ સિરાજને સૌથી આગળ માનવામાં આવી રહ્યા છે. આવનાર દિવસોમાં ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારો નિર્ણય કરશે.
અમારી પાસે 15 ઓક્ટોબર સુધીનો સમય છે – રાહુલ દ્રવિડ
ઇન્દોરમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતના પરાજય પછી મેચ સમારોહમાં શમીની સંભવિત ભાગીદારી વિશે રાહુલ દ્રવિડને પુછવામાં આવ્યું હતું. તેના પર ભારતીય કોચે કહ્યું કે જલ્દી આ વિશે નિર્ણય કરવામાં આવશે. અમારી પાસે 15 ઓક્ટોબર સુધીનો સમય છે. શમી સ્ટેન્ડબાયમાં છે પણ દુર્ભાગ્યવશ તે આ બે શ્રેણીમાં રમી શક્યો નથી. ટી20 વર્લ્ડ કપના દ્રષ્ટિકોણથી તે આ શ્રેણીમાં રમ્યો હોત તો સારું થાત.
આ પણ વાંચો – ટી-20 વર્લ્ડ કપમાં કઇ-કઇ ટીમ બની છે ચેમ્પિયન, જાણો રસપ્રદ ફેક્ટ
તેમણે કહ્યું કે હાલ તે બેંગલોરમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે. અમારે રિપોર્ટ લેવો પડશે કે તે કેવી રીતે ઠીક થઇ રહ્યો છે. કોવિડના 14-15 દિવસ પછી તેની સ્થિતિ શું છે. અમે તેના પર નિર્ણય કરીશું.
અનુભવને અપાશે પ્રાથમિકતા – રોહિત શર્મા
રોહિત શર્માએ પણ પોસ્ટ મેચ સેરેમનીમાં શમીને સામેલ કરવાના સંકેત આપ્યા છે. રોહિતે કહ્યું કે ટીમ મેનેજમેન્ટ તે વિકલ્પો વિશે વિચાર કરશે જેમની પાસે ઓસ્ટ્રેલિયામાં બોલિંગનો પાછલો અનુભવ છે. અમારે કોઇ એવા વ્યક્તિની પસંદગી કરવાની છે જેની પાસે અનુભવ છે, ઓસ્ટ્રેલિયામાં બોલિંગ કરેલી છે. જોકે મને નથી ખબર કે તે કોણ છે. ગણતરીમાં કેટલાક લોકો છે પણ અમે તે વિષય પર ઓસ્ટ્રેલિયા પહોંચ્યા પછી નિર્ણય કરીશું.