T20 World Cup 2nd Semi Final IND vs ENG : આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિ ફાઈનલમાં ભારત અને ઇગ્લેન્ડની ટીમ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 27 જૂનને ગુરુવારના રોજ ભારતીય સમય પ્રમાણે રાત્રે 8 કલાકે રમાશે. ભારત ટી 20 વર્લ્ડ કપ 2024માં અજેય છે. હજુ સુધી એકપણ મેચ ગુમાવી નથી. બીજી તરફ ઇંગ્લેન્ડનો સુપર 8 માં દક્ષિણ આફ્રિકા સામે પરાજય થયો હતો.
ભારત વિ ઇંગ્લેન્ડ હેડ ટુ હેડ રેકોર્ડ્સ (India vs England Match Results)
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી 20 ક્રિકેટમાં હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો ભારતનું પલડું સહેજ ભારે છે. ટી 20 ક્રિકેટમાં અત્યાર સુધી બંને ટીમ વચ્ચે 23 મેચ રમાઇ છે. જેમાં ભારત 12 મેચ જીત્યું છે અને ઈંગ્લેન્ડ 11 મેચ જીત્યું છે. ટી20 વર્લ્ડ કપની વાત કરવામાં આવે તો ભારત અને ઈંગ્લેન્ડ બરોબરી પર છે. બંને વચ્ચે ચાર મેચ રમાઇ છે જેમાં બંને 2-2 મેચ જીત્યા છે.
ભારતના હોમગ્રાઉન્ડમાં રેકોર્ડ (India Home Ground Results )
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ભારતના ઘરઆંગણે કુલ 11 મેચો રમાઇ છે. જેમાં ભારતનો 6 મેચમાં વિજય થયો છે. જ્યારે 5 મેચમાં ઇંગ્લેન્ડનો વિજય થયો છે.

ઇંગ્લેન્ડના હોમગ્રાઉન્ડમાં રેકોર્ડ (England Home Ground Results)
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઇંગ્લેન્ડના હોમગ્રાઉન્ડમાં 9 મેચો રમાઇ છે. જેમાં ભારતનો 4 મેચમાં વિજય થયો છે. જ્યારે ઇંગ્લેન્ડનો 5 મેચમાં વિજય થયો છે. તટસ્થ સ્થળે બન્ને વચ્ચે 3 મેચો રમાઇ છે. જેમાં ભારતનો 2 મેચમાં અને ઇંગ્લેન્ડનો 1 મેચમાં વિજય થયો છે.
આ પણ વાંચો – જસપ્રીત બુમરાહે 23 ઓવરમાં 88 ડોટ બોલ ફેંક્યા, ટોપ-10માં ભારતના બે પ્લેયર્સ સામેલ
છેલ્લી 2 ટી 20માં ઇંગ્લેન્ડનો વિજય થયો છે
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લા 5 ટી 20 મુકાબલાની વાત કરવામાં આવે તો ભારતનું પલડું સહેજ ભારે રહ્યું છે. છેલ્લા 5 મુકાબલામાં ભારતનો 3 મેચમાં વિજય થયો છે. જ્યારે ઇંગલેન્ડનો બે મેચમાં વિજય થયો છે. જોકે છેલ્લી બે મેચમાં ઇંગ્લેન્ડે ભારતને હરાવ્યું હતું. જેથી ટીમ ઇન્ડિયાએ સાવધ રહેવાની જરૂર છે. છેલ્લે બન્ને ટીમો વચ્ચે 2022માં ટી 20 વર્લ્ડ કપમાં જ મુકાબલો થયો હતો. જેમાં ઇંગ્લેન્ડે 10 વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો.
ભારત અને ઈંગ્લેન્ડ સંભવિત પ્લેઇંગ ઇલેવન
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત, શિવમ દૂબે, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ
ઈંગ્લેન્ડ : જોશ બટલર, ફિલ સોલ્ટ, જોની બેયરસ્ટો, હૈરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, મોઇન અલી, ક્રિસ જોર્ડન, સેમ કરન, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ, રીસ ટોપ્લી.





