T20 World Cup 2024 : ટી 20 વર્લ્ડ કપ 2024માં અફઘાનિસ્તાનની ટીમે મંગળવારે (25 જૂન) બાંગ્લાદેશને હરાવીને ઈતિહાસ રચી દીધો હતો. ટીમ પ્રથમ વખત સેમિ ફાઈનલમાં સ્થાન બનાવવા સફળ રહી છે. અફઘાનિસ્તાનની ટીમ હવે સેમિ ફાઇનલમાં ગુરૂવારે (25 જૂન)ના રોજ દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. બાંગ્લાદેશ-અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. ઘણી વખત વરસાદ વિધ્ન બન્યો હતો.
બાંગ્લાદેશની ઈનિંગ્સમાં ગજબ ડ્રામા જોવા મળ્યો
બાંગ્લાદેશની ઈનિંગ્સમાં એક ગજબ ડ્રામા જોવા મળ્યો હતો. બોલ ફેંકાય તે પહેલા જ સ્લિપમાં ઉભેલો ગુલબદીન નાયબ પગ પકડીને નીચે પડી ગયો હતો. ત્યારબાદ મુખ્ય કોચ જોનાથન ટ્રોટે તેમના ખેલાડીઓને રમતને ધીમી પાડવાનો સંકેત આપ્યો હતો. તે સમયે બાંગ્લાદેશ ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે પાછળ હતું અને વરસાદ શરુ થઈ ગયો હતો. તે બોલ ફેંક્યો હોત તો બાંગ્લાદેશને લીડ લેવાની તક હતી. જોકે ગુલબદીન નાયબ પગ પકડીને બેસી જતા બોલ ફેંકાયો ન હતો.
આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપ 2024 : જસપ્રીત બુમરાહે 23 ઓવરમાં 88 ડોટ બોલ ફેંક્યા, ટોપ-10માં ભારતના બે પ્લેયર્સ સામેલ
ગુલબદીનની ક્રેમ્પ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય
ગુલબદીન નાયબને અચાનક ક્રેમ્પ આવવા અંગે કેપ્ટન રાશિદ ખાને કહ્યું છે કે આ નાનકડી ઈજાની અસર મેચ પર પડી નથી. વરસાદ અટકી ગયો હતો, જેના કારણે રમત ફરી શરુ થઈ હતી અને અફઘાનિસ્તાને બાંગ્લાદેશને સામાન્ય પરિસ્થિતિમાં ઓલઆઉટ કરીને ઐતિહાસિક જીત નિશ્ચિત કરી હતી અને સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જોકે ગુલબદીનની અચાનક ક્રેમ્પ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
રાશિદ ખાને શું કહ્યું?
અફઘાનિસ્તાનની જીત બાદ રાશિદે આ વિશે કહ્યું કે તેને ક્રેમ્પ આવી ગયા હતા. મને ખબર નથી કે તેની સાથે શું થયું અને મને ખબર નથી કે સોશિયલ મીડિયા પર શું ચાલી રહ્યું છે, પરંતુ તેનાથી કોઈ ફરક પડ્યો નહીં. તે ફક્ત મેદાન પર થયેલી ઈજા હતી. વરસાદ આવ્યો અને અમે બહાર જતા રહ્યા. તે એવી કોઈ વસ્તુ નથી કે જે રમતમાં મોટો ફેરફાર લાવે. અમે પાંચ મિનિટ બાદ મેદાન પર પાછા ફર્યા હતા અને તેમાં કોઈ ખાસ અંતર આવ્યું ન હતું. મારા માટે તે એક નાની ઈજા થવા જેવું છે પછી તમારે થોડો સમય લેવો પડે છે.





