T20 World Cup Final 2024 Ind vs SA: એ વાતમાં કોઈ શંકા નથી કે વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટીમની બેટિંગ લાઈફ છે અને તેણે પોતાની રમતથી ભારતીય ક્રિકેટને ઘણુ બધુ આપ્યુ છે. છેલ્લા ઘણા વર્ષોથી તે પોતાની રમતથી ક્રિકેટ ચાહકોનું મનોરંજન કરી રહ્યો છે અને ભારતીય ક્રિકેટને નવી ઊંચાઈઓ પર લાવી રહ્યો છે. પરંતુ ખેલાડીની કારકિર્દીમાં એક એવો તબક્કો આવે છે જ્યારે તેને પોતાના વિશે વિચારવાની જરૂર હોય છે અને તમામ સ્ટાર ખેલાડીઓ સાથે આવું જ બન્યું છે.
કોહલીને ઓપનિંગની જવાબદારી મળી
ટી 20 વર્લ્ડ કપ પહેલા ચર્ચા હતી કે આ વખતે વિરાટ કોહલીને આ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સ્થાન મળશે કે નહીં. ટી 20 વર્લ્ડ કપ 2024 પહેલા જ કોહલીએ આઇપીએલ 2024માં સૌથી વધુ રન ફટકાર્યા હતા અને દેખાડી દીધું હતું કે તે હજુ સુધી આ ફોર્મેટમાં કિંગ છે. ત્યારબાદ તેને ટી20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમમાં પણ જગ્યા આપવામાં આવી હતી, પરંતુ આ વખતે પડકાર સરળ ન હતો.
બધાનું માનવું હતું કે કોહલી ફોર્મમાં છે અને તે ગમે ત્યાં ભારત માટે રન બનાવશે. આ વખતે તેને ઓપનિંગની મોટી જવાબદારી એટલા માટે પણ સોંપવામાં આવી હતી કારણ કે તેણે આઇપીએલમાં ઓપનર તરીકે ઘણા રન બનાવ્યા હતા. પરંતુ વર્લ્ડ કપમાં તે ઓપનર તરીકે સદંતર નિષ્ફળ રહ્યો છે.
આઇપીએલનું ફોર્મ વર્લ્ડ કપમાં ના ચાલ્યું
ટી 20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીને ટી 20 વર્લ્ડ કપ 2022 બાદ સીધા ટી 20 વર્લ્ડ કપ 2024માં જ રમવાની તક મળી હતી. આ દરમિયાન તે ભારત માટે કોઈ આંતરરાષ્ટ્રીય ટી 20 મેચ રમ્યો ન હતો. આ દરમિયાન તે આઇપીએલમાં જરૂર રમ્યો હતો, પરંતુ તેનો ફાયદો વેસ્ટ ઇન્ડીઝમાં જોવા મળ્યો ન હતો.
આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપ 2024 ફાઇનલ, ભારત વિ. દક્ષિણ આફ્રિકા હેડ ટુ હેડ, કોનો છે દબદબો
ભારતની શરુઆતની મેચો અમેરિકામાં હતી અને કોહલી અહી નિષ્ફળ રહ્યો હતો, પણ ટીમ ઈન્ડિયા સુપર 8માં પહોંચી ગઈ હતી. એવું કહેવામાં આવતું હતું કે તે વેસ્ટ ઇન્ડીઝમાં કમાલ કરશે પણ ત્યાં પણ રન બનાવવામાં નિષ્ફળ રહ્યો છે. ટી 20 વર્લ્ડ કપ 2024માં વિરાટ કોહલીએ 7 મેચમાં 10.71ની એવરેજથી ફક્ત 75 રન બનાવ્યા છે. જેમાં તેનો બેસ્ટ સ્કોર 37 રન છે.
ટીમ વિરાટ કોહલી પર નિર્ભર નથી
ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી ગઇ છે પરંતુ જો તમે વિરાટ કોહલીનું યોગદાન જોશો તો તે શૂન્ય થઈ જશે. આ વખતે ભારતને ટી 20 વર્લ્ડકપની ફાઇનલમાં લાવવામાં કોહલીનું યોગદાન નહિવત હતું. એટલે કે સ્પષ્ટ છે કે ટીમ ઇન્ડિયા વિરાટ કોહલીની બેટિંગ પર નિર્ભર નથી. તેની ગેરહાજરીમાં પણ ટીમ ઇન્ડિયા શાનદાર પ્રદર્શન કરી શકે છે
ભારતીય ક્રિકેટ માટે આ એક સારો સંકેત છે કે ટીમ કોહલી પર નિર્ભર નથી અને કોહલી ટીમમાંથી બહાર જાય તો પણ ભારતીય ટીમ ટી-20માં સારો દેખાવ કરી શકે છે. આમ પણ કોહલી ભારત તરફથી નિયમિત રીતે ટી 20 રમતો નથી. તેથી જો તે આ વર્લ્ડ કપ બાદ ક્રિકેટના આ ફોર્મેટને અલવિદા કહી દેશે તો તેના માટે યોગ્ય રહેશે. આ પછી તે સંપૂર્ણ રીતે વનડે અને ટેસ્ટ પર ધ્યાન આપી શકશે.જોકે કોહલી આવું કરે કે ન કરે નિર્ણય સંપૂર્ણપણે તેના પર જ નિર્ભર રહેશે.





