hardik pandya : ટી 20 વર્લ્ડ કપ 2024માં રોહિત શર્માએ પોતાની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમને ચેમ્પિયન બનાવી હતી. ટીમ ઈન્ડિયાની આ ઐતિહાસિક સિદ્ધિમાં ટીમના વાઈસ કેપ્ટન હાર્દિક પંડયાનું યોગદાન પણ પ્રશંસનીય રહ્યું હતું. હાર્દિક પંડયાએ આ વર્લ્ડ કપમાં ઓલરાઉન્ડર તરીકે શાનદાર દેખાવ કર્યો હતો અને ભારતને ચેમ્પિયન બનાવવામાં કોઈ કસર છોડી ન હતી.
આઇપીએલ 2024માં મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન બનાવ્યા બાદ હાર્દિક પંડ્યા વિલન બની ગયો હતો અને તે જ્યાં પણ રમતો હતો ત્યાં જ તેને હૂટિંગ કરવામાં આવતું હતું. પરંતુ ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ તે વિલનનો હીરો બની ગયો હતો અને 29 જૂન બાદ હવે એટલે કે 15 જુલાઇએ તે પોતાના હોમ ટાઉન વડોદરા પહોંચ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં પ્રશંસકોએ તેનું સ્વાગત કર્યું હતું. વડોદરા શહેરમાં વિક્ટરી રોડ શો યોજાયો. આ રોડ શોમાં હાર્દિક પંડ્યા સાથે તેનો પરિવાર પણ જોડાયો હતો.
હાર્દિકના સ્વાગત માટે ક્રિકેટ ચાહકો રસ્તા પર ઉતરી આવ્યા
વડોદરા પહોંચ્યા બાદ હાર્દિક પંડ્યાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે એક ખુલ્લી ટ્રક પર જોવા મળી રહ્યો છે. હાર્દિક પંડ્યાના સ્વાગત માટે મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને દરેક બાજુએ તિરંગા-તિરંગા જ જોવા મળાયો હતા. તમામ ક્રિકેટ પ્રશંસક પોતાના સ્ટાર ખેલાડીને જોવા માટે ઉત્સુક હતા અને આ દરમિયાન હાર્દિક પંડ્યાએ હાથ હલાવીને તેને શુભેચ્છા પાઠવતો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો – ભારત વિ. ઝિમ્બાબ્વે શ્રેણી, બધી પાંચ મેચોનું પરિણામ એક ક્લિકમાં જાણો
ટી 20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાનું ઓલરાઉન્ડ પ્રદર્શન
તમને જણાવી દઈએ કે ટી20 વર્લ્ડ કપ 2024 માં હાર્દિક પંડ્યાએ 8 મેચની 6 ઈનિંગ્સમાં 48ની એવરેજથી 144 રન બનાવ્યા હતા, જેમં એક અડધી સદી પણ સામેલ હતી. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 50 રન હતો. આ સિવાય તેણે 8 મેચની 8 ઇનિંગ્સમાં 11 વિકેટ પણ ઝડપી હતી. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 20 રનમાં 3 વિકેટ રહ્યું હતું, જે તેણે ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે કમાલ કરી હતી.





