T20 World Cup 2024 : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે (ICC) ન્યૂયોર્કમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમની હોટલ બદલી નાખી છે. જિયો ન્યૂઝે સૂત્રોને ટાંકીને આ માહિતી આપી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના અધ્યક્ષ મોહસિન નકવીએ ન્યૂયોર્કમાં ટીમના સભ્યોને ક્રિકેટ સ્ટેડિયમથી દૂર રહેવા પર અસંતોષ વ્યક્ત કર્યો હતો.
એવું પણ કહેવામાં આવ્યું હતું કે ન્યૂયોર્કમાં ભારતીય ક્રિકેટ ટીમની હોટલ નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમથી માત્ર 10 મિનિટના અંતરે છે. જ્યારે પાકિસ્તાની ટીમને જે હોટલમાં રોકાવું પડશે તે ખૂબ જ દૂર છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પીસીબીના વડાએ પાકિસ્તાન માટે આવાસ વ્યવસ્થાનું મૂલ્યાંકન કરવા માટે આઈસીસીનો સંપર્ક સાધ્યો હતો. તેઓએ અસંતોષ વ્યક્ત કર્યો અને ટી 20 વર્લ્ડ કપ મેનેજમેન્ટને હોટલ બદલવા માટે રાજી કર્યા.
મોહસીન ખાનના હસ્તક્ષેપ બાદ પાકિસ્તાનને નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમથી માત્ર 5 મિનિટના અંતરે આવેલી હોટલમાં રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સ્ટેડિયમમાં પાકિસ્તાનને 9 (ભારત સામે) અને 11 જૂન 2024ના રોજ મેચ રમવાની છે. અગાઉ પાકિસ્તાની ટીમને જે હોટલમાં રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, તે સ્ટેડિયમથી 90 મિનિટના અંતરે હતી.
સ્ટેડિયમથી 10 મિનિટના અંતરે ન્યૂયોર્કમાં ટીમ ઈન્ડિયાની હોટલ
મોહસીન નકવીએ આઈસીસીને જણાવ્યું હતું કે એ વિચિત્ર છે કે ભારતીય ટીમને ન્યૂયોર્કના ક્રિકેટ સ્ટેડિયમથી માત્ર 10 મિનિટના અંતરે સ્થાન આપવામાં આવે છે, જ્યારે પાકિસ્તાન સિવાયની કેટલીક ટીમોની હોટલો એક કલાકથી વધુ દૂરી પર છે. દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા બંનેએ અગાઉ ન્યૂયોર્કમાં ટીમના રોકાણ દરમિયાન ખેલાડીઓને આપવામાં આવતી સુવિધાઓ અંગે પોતાનો વાંધો ઉઠાવ્યો હતો.
આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપ : રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 સિક્સર ફટકારી, વિરાટ કોહલીનો આ મોટો રેકોર્ડ તોડ્યો
પીસીબીએ આતંકવાદી હુમલાની ધમકીનો ઉલ્લેખ કર્યો નથી!
અત્રે ઉલ્લેખનીય છે કે આતંકી ધમકીઓ વચ્ચે ન્યૂયોર્ક પ્રશાસને 9 જૂને યોજાનારી પાકિસ્તાન-ભારત ટી 20 વિશ્વકપની મેચ માટે સુરક્ષા વધારી દીધી છે. જિયો ન્યૂઝે લખ્યું કે જોકે સૂત્રોએ એ નથી જણાવ્યું કે પીસીબીના વડાએ ખેલાડીઓની સલામતી માટેના ડરની વાત કરી હતી કે નહીં.
રિપોર્ટ અનુસાર પીસીબીએ લાંબા અંતરના કારણે તેના ખેલાડીઓના રોકાણ દરમિયાન થતી અસુવિધાનો ઉલ્લેખ કર્યો હતો. મોહસિન નકવીએ આઈસીસીને જણાવ્યું હતું કે તે પોતાની ટીમને ન્યૂયોર્કમાં રમાનારી બે મેચ સહિત વર્લ્ડ કપની કોઈ પણ મેચ માટે લાંબા અંતરની મુસાફરી કરવા દેશે નહીં.
પીસીબી પોતાના ખર્ચે ખેલાડીઓને રોકાવવા માટે તૈયાર હતું
મોહસિને આઇસીસીને એ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે જો તેમની હોટલમાં ફેરફાર કરવામાં નહીં આવે તો તે પીસીબીના ખર્ચે વધુ સારી અને અનુકૂળ જગ્યાએ રાખશે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ મારી જવાબદારી છે. હું દરેક રીતે ખેલાડીઓની સુવિધા સુનિશ્ચિત કરીશ.
પાકિસ્તાનને ન્યૂયોર્કમાં બે મેચ રમવાની છે
પાકિસ્તાનની ક્રિકેટ ટીમ 6 જૂન, 2024 ને ગુરુવારના રોજ ડલ્લાસમાં અમેરિકા સામેની મેચ બાદ તરત જ ન્યૂયોર્ક જવા રવાના થશે. ન્યૂયોર્કમાં પાકિસ્તાન 9 જૂને ભારત સામે અને 11મી જૂને કેનેડા સામે રમશે. પ્રથમ રાઉન્ડમાં પાકિસ્તાન ટીમ પોતાની આખરી મેચ 16મી જૂને ફ્લોરિડાના લાઉડરહિલમાં આયર્લેન્ડ સામે રમાશે.