T20 World Cup 2024 Semi-Final Weather Report, Rules, Reserve Day: ટી 20 વર્લ્ડ કપ 2024ની ચાર સેમિ ફાઇનલની ટીમો જાહેર થઇ ગઇ છે. સુપર 8 માં ગ્રુપ-2માં ટોચનું સ્થાન ધરાવતી સાઉથ આફ્રિકાની ટીમ પ્રથમ સેમિ ફાઈનલમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે. જ્યારે ગ્રુપ-1માં ટોચનું સ્થાન મેળવનારી ભારતની ટીમ બીજી સેમિ ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે.
સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન પ્રથમ સેમિ ફાઈનલમાં ગુરુવારે (27 જૂન) ભારતીય સમય પ્રમાણે સવારે 6.00 વાગ્યા ટકરાશે.આ મેચ તરૌબાના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમિ ફાઈનલ 27મી જૂને રાત્રે 8.00 વાગ્યાથી ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે. ટૂર્નામેન્ટ શરુ થાય તે પહેલા જ નક્કી થઈ ગયું હતું કે ભારતીય ટીમ અંતિમ-4માં પહોંચ્યા બાદ ગુયાનામાં રમાનારી બીજી સેમિ ફાઈનલ રમશે. પછી ભલે તે સુપર એઇટમાં કોઇ પણ પોઝિશન પર રહી હોય. આનું કારણ મેચનો સમય છે.
બંને સેમિ ફાઇનલ માટે પ્લેઇંગ કંડીશન અલગ-અલગ
જોકે બંને સેમિ ફાઈનલ માટેની પ્લેઈંગ કંડીશન અલગ-અલગ હોય છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી સેમિ ફાઈનલમાં કોઈ રિઝર્વ ડે નથી, કારણ કે તે મેચ અને ફાઈનલ વચ્ચે માત્ર એક દિવસનું જ અંતર છે. જોકે બંને સેમિ ફાઈનલ માટે કુલ મળીને 250 મિનિટનો એક્સ્ટ્રા ટાઈમ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો – જસપ્રીત બુમરાહે 23 ઓવરમાં 88 ડોટ બોલ ફેંક્યા, ટોપ-10માં ભારતના બે પ્લેયર્સ સામેલ
પ્રથમ સેમિ ફાઈનલના દિવસે રમત પુરી કરવા માટે વધારાની 60 મિનિટ અને રિઝર્વ ડેના દિવસે 190 મિનિટનો વધારાનો સમય રહેશે, જે સ્થાનિક સમય પ્રમાણે બપોરે 2 વાગ્યાથી શરુ થશે. બીજી સેમિ ફાઈનલમાં નિર્ધારિત દિવસે સંપૂર્ણ 250 મિનિટ ઉપલબ્ધ રહેશે, કારણ કે ત્યાં કોઈ રિઝર્વ ડે નથી.
જો સેમિ ફાઈનલ ધોવાઈ જ તો ફાઈનલમાં કોણ પહોંચશે?
આ ઉપરાંત સેમિ ફાઈનલ અને ફાઈનલમાં પરિણામ આવવા માટે બંને ટીમોની ઈનિંગ્સમાં ઓછામાં ઓછી 10 ઓવરની રમત થવી જોઈએ. સામાન્ય રીતે ટી 20 મેચમાં બંને ઈનિંગ્સમાં પાંચ-પાંચ ઓવરની મેચ હોય ત્યારે પરિણામ આવી જતું હોય છે. આ પ્લેઇંગ કન્ડિશન મહત્વપૂર્ણ હોઈ શકે છે કારણ કે બંને સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે.
જો સેમિ ફાઇનલ મેચ વરસાદને કારણે ધોવાઈ જશે તો પોતપોતાના સુપર 8 ગ્રુપમાં ટોચનું સ્થાન ધરાવતી ટીમો ફાઇનલમાં પહોંચશે. એટલે કે ભારત અને સાઉથ આફ્રિકા ફાઇનલમાં પહોંચશે. જો ખરાબ હવામાનને કારણે ફાઈનલ મેચ રદ થશે તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. જોકે ફાઇનલ માટે રિઝર્વ ડે છે.





