T20 World Cup 2024, IND vs IRE Pitch Report, Weather : રોહિત શર્માના નેતૃત્વવાળી ભારતીય ક્રિકેટ ટીમ બુધવારે 5 જૂન 2024થી ટી 20 વર્લ્ડ કપ 2024 પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતીય ટીમનો પ્રથમ મુકાબલો ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આયર્લેન્ડ સામે થશે. આ મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગ્યાથી રમાશે. ટોસ અડધો કલાક પહેલા એટલે કે સાંજે 7:30 વાગ્યે થશે.
ભારત વિરુદ્ધ આયર્લેન્ડ ટી 20 રેકોર્ડ
ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાયેલી ટી-20 મેચ : 8ભારત જીત્યું: 7, આયર્લેન્ડ જીત્યું: 0, અનિર્ણિત : 1
નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પીચ રિપોર્ટ
રોહિત શર્મા એન્ડ કંપની બીજી વખત નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઉતરશે. આ પહેલા તે 1 જૂને બાંગ્લાદેશ સામે પ્રેક્ટિસ મેચ રમ્યા હતા. ટીમ આ મેદાન પર પાકિસ્તાન અને અમેરિકા સામે પણ મેચ રમશે. આ મેદાનની પીચ ધીમી છે. મેદાન પર બેટ્સમેનો માટે પડકાર સ્લો આઉટ ફિલ્ડ છે. ગ્રાઉન્ડેડ શોટ પર બોલને બાઉન્ડ્રી પાર મોકલવો સરળ રહેશે નહીં.
બાઉન્ડ્રી મોટી છે, સ્પિનર્સ ઉઠાવી શકે છે ફાયદો
આમ કરવામાં નિષ્ફળ જતાં બેટ્સમેને વધુ તાકાતનો ઉપયોગ કરીને બોલને સીધો બાઉન્ડ્રી લાઇનની પાર મોકલવો પડશે. જોકે ટાઈમિંગ ચુકી જશે તો કેચ આઉટ થવાનો ડર પણ રહેશે. સ્પિનરો આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી શકે છે. સ્પિનરો બેટ્સમેનને મોટા શોટ્સ રમવા માટે લલચાવી શકે છે અને તેમને પેવેલિયન મોકલવાની તેમની નીતિમાં સફળ થઈ શકે છે.
અત્યાર સુધીમાં ફક્ત 1 ઓફિશિયલ મેચ રમાઈ છે
નાસાઉમાં અત્યાર સુધી માત્ર એક જ સત્તાવાર મેચ રમાઈ છે. તે મેચ શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હતી. તે મેચમાં શ્રીલંકાની ટીમ માત્ર 77 રનમાં જ ઓલઆઉટ ગઈ હતી. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ પણ રન બનાવવા માટે સંઘર્ષ કર્યો હતો. જોકે તેણે 17મી ઓવરમાં 4 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. મેચમાં ફાસ્ટ બોલરોએ 9 માંથી 7 વિકેટ ઝડપી હતી. આફ્રિકા તરફથી એનરિચ નોર્ટ્જે સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે માત્ર સાત રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપ 2024 : પ્રેક્ટિસ મેચ પછી ભારતીય પ્લેઇંગ ઇલેવનની તસવીર સ્પષ્ટ, યશસ્વી-સંજુ રહેશે બહાર!
બાંગ્લાદેશ સામેની પ્રેક્ટિસ મેચ દરમિયાન શરુઆતમાં જ ભારતીય બેટ્સમેનોએ ઘણો સંઘર્ષ કર્યો. તેણે પ્રથમ પાંચ ઓવરમાં માત્ર 33 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઋષભ પંતે 32 બોલમાં 53 રન બનાવ્યા હતા. આ પછી હાર્દિક પંડ્યાએ 23 બોલમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 40 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. આ બંનેના કારણે ભારતે 20 ઓવરમાં 182 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ બોલિંગ કરતા સમયે એક વિકેટ પણ લીધી હતી. બાંગ્લાદેશની ટીમ ધીમી પીચ પર વધુ સારો દેખાવ કરવામાં નિષ્ફળ રહી હતી અને 20 ઓવરમાં માત્ર 122 રન જ બનાવી શકી હતી.
છુટાછવાયા વરસાદની સંભાવના
weather.com અનુસાર, 5 જૂન, 2024 ના રોજ નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં સવારનું હવામાન ક્લિન અને લગભગ 30 ડિગ્રી સેલ્સિયસ રહેશે. એટલે કે તડકો રહેશે. જોકે મેચ દરમિયાન છુટોછવાયો વરસાદ કે વાવાઝોડાની શક્યતા છે.