T20 World Cup 2024 : રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમે પ્રેક્ટિસ મેચમાં બાંગ્લાદેશ સામે 60 રનથી વિજય મેળવ્યો હતો. આ મેચમાં ભારતીય ટીમે પોતાના તમામ વિકલ્પો અજમાવ્યા હતા અને એ લગભગ સ્પષ્ટ થઈ ગયું હતું કે ટીમ ઈન્ડિયા ઓછામાં ઓછી આયર્લેન્ડ સામેની પ્રથમ મેચમાં કેવા પ્રકારની પ્લેઈંગ ઈલેવન હોઈ શકે છે. આ મેચમાં રોહિત શર્મા સાથે સંજુ સેમસને ઓપનિંગ કર્યું હતું અને યશસ્વીને તક આપવામાં આવી ન હતી.
યશસ્વીને તક ન આપવાનો અર્થ એ છે કે હાલ તે રોહિત સાથે ઓપનિંગ કરશે નહીં. સંજુ સેમસનને ઓપનર તરીકે ઉતાર્યો હતો પણ તેણે નિરાશ કર્યા હતા. જેના કારણે ટીમમાં તેનો દાવો થોડો નબળો પડી ગયો છે. આ સાથે જ ઋષભ પંતને ત્રીજા નંબર પર રમાડવામાં આવ્યો હતો અને તેણે 53 રનની ઇનિંગ્સ રમીને આશા જગાવી હતી. ટીમ ઈન્ડિયાએ આ કામ એક રણનીતિ હેઠળ કર્યું હતું અને હવે ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનની તસવીર લગભગ સ્પષ્ટ થઈ ગઈ છે.
રોહિત અને કોહલી કરી શકે છે ઓપનિંગ
પ્રેક્ટિસ મેચમાં જે થયું તે પછી આશા છે કે વિરાટ કોહલી રોહિત શર્મા સાથે આયર્લેન્ડ સામે ઓપનિંગ કરી શકે છે, જ્યારે ઋષભ પંત ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવી શકે છે. ચોથા નંબર પર સૂર્યકુમાર યાદવ રહેશે, જ્યારે આક્રમક બેટ્સમેન શિવમ દુબે પાંચમા નંબર પર બેટિંગ કરી શકે છે. છઠ્ઠા નંબર પર ટીમનો વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા હશે, જેણે પ્રેક્ટિસ મેચમાં ભારત માટે સારી ઇનિંગ્સ રમી હતી અને લયમાં જોવા મળ્યો હતો.
આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપ 2024 સાથે જોડાયેલા દરેક સવાલનો જવાબ અહીં વાંચો
શિવમ દુબે અને હાર્દિક ટીમમાં હોવાથી ભારતીય ટીમ પાસે વિકલ્પો વધી ગયા છે. આ પછી રવિન્દ્ર જાડેજા અને ત્યાર બાદ અક્ષર પટેલ પ્લેઈંગ ઈલેવનમાં સાતમા ક્રમે રહેશે. ટીમમાં સ્પિનર તરીકે કુલદીપ યાદવ હોઈ શકે છે જ્યારે જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ ફાસ્ટ બોલર તરીકે રહેશે.
આયર્લેન્ડ સામેની પ્રથમ મેચ માટે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ.