/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Indian-Squad-.jpg)
ભારતીય ટીમ 5 જૂને આયરલેન્ડ સામે મેચ રમી પોતાના અભિયાનની શરૂઆત કરશે (Source: BCCI)
T20I World Cup 2024 : અમેરિકા અને વેસ્ટ ઈન્ડીઝની યજમાનીમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપની શરૂઆત 2 જૂનથી થશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ ટૂર્નામેન્ટનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. ભારતીય ટીમ 5 જૂને આયરલેન્ડ સામે મેચ રમી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટૂર્નામેન્ટની ફાઇનલ 29 જૂને રમાશે. હવે એવી માહિતી સામે આવી છે કે ટૂર્નામેન્ટ માટે ટીમોએ ક્યાં સુધીમાં ટીમની જાહેરાત કરવાની રહેશે. અહેવાલો અનુસાર 1 મે સુધીમાં ટૂર્નામેન્ટ માટે ટીમની જાહેરાત કરવી પડશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમની જાહેરાત 1 મે સુધીમાં કરવામાં આવશે. આ દરમિયાન ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 રમાતી હશે.
સ્પોર્ટ્સ તકના રિપોર્ટ પ્રમાણે ટીમો પાસે આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2024 પહેલા સમયના આધારે બે પ્રેક્ટિસ મેચ રમવાનો વિકલ્પ પણ હશે. દરેક ટીમમાં 15 ખેલાડીઓ સામેલ થઈ શકે છે. તેની જાહેરાત 1 મે સુધીમાં કરવાની રહેશે. જોકે આ પછી ટીમમાં ફેરફારો 25 મે સુધીમાં કરી શકાશે. આ પછી કોઈ પણ ફેરફાર માટે આઇસીસીની ટેકનિકલ કમિટિની મંજૂરી લેવી પડશે. ઇનામની રકમની જાહેરાત પણ યોગ્ય સમયે કરવામાં આવશે.
આ પણ વાંચો - BCCI કોઇને છોડવાના મૂડમાં નથી, હાર્દિક પંડ્યાને આ શરત પર મળ્યો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ
રોહિત શર્મા રહેશે કેપ્ટન
2024ના ટી-20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાં ભારતીય ટીમ પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા અને અમેરિકા સામે ટકરાશે. રોહિત શર્મા આગામી ટી -20 વર્લ્ડ કપ 2024 માં ભારતનું નેતૃત્વ કરશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સચિવ જય શાહે થોડા સમય પહેલા જ એક કાર્યક્રમ દરમિયાન આ વાતની પુષ્ટિ કરી હતી. હાર્દિક પંડ્યા તેના ડેપ્યુટી રહેશે.
ભારતીય ટીમ 11 વર્ષથી આઈસીસી ટ્રોફી જીતી નથી
ટી-20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત 2 જૂનથી થશે. પ્રથમ મેચ યજમાન યુએસએ અને કેનેડા વચ્ચે થશે. ફાઇનલ 29 જૂને બાર્બાડોસમાં યોજાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ 9 જુને ન્યૂયોર્ક શહેરમાં રમાશે. ભારતીય ટીમને ટી-20 વર્લ્ડ કપ જીત્યાને 17 વર્ષ થઈ ગયા છે. 2007 માં રમાયેલા પ્રથમ ટી-20 વર્લ્ડ કપમાં ભારત ચેમ્પિયન બન્યું હતું. બીજી તરફ ભારતીય ટીમ 11 વર્ષથી આઈસીસી ટ્રોફી જીતી નથી. છેલ્લે 2013માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us