T20 World Cup 2024 : આઈપીએલ 2024 પછી જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં ટી 20 વર્લ્ડ કપ 2024 યોજાવાનો છે. આ માટે ભારતીય ટીમની જાહેરાત 1 મે સુધી કરવામાં આવશે. આ પહેલા ચર્ચા ચાલી રહી છે કે કયા 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે? હાલ 4 ખેલાડીઓની પસંદગી નિશ્ચિત લાગી રહી છે. અન્ય 11 વિશે પણ આવું કહી શકાય નહીં. જોકે ચોંકાવનાર નિર્ણયની આશા ઓછી છે.
ટી 20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની પસંદગી કરવા માટે મુંબઈમાં ચીફ સિલેક્ટર અજિત અગરકર, હેડ કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માની મુલાકાત થઈ હતી. આ બેઠકની માહિતી બહાર આવતા જ હાર્દિક પંડ્યા અને શિવમ દુબે ચર્ચામાં આવ્યા હતા. વિરાટ કોહલીને ઓપનિંગ કરવાનો વિચાર પણ સામે આવ્યો હતો. મયંક યાદવ અને રિયાન પરાગની પણ ચર્ચા થઈ હતી.
આ 4 ખેલાડીઓની પસંદગી નિશ્ચિત
હવે અગરકર, દ્રવિડ અને રોહિતને ખબર છે કે તેમના મનમાં શું ચાલી રહ્યું છે, પરંતુ ટીમમાં કોની પસંદગી થશે તેનો અંદાજ લગાવવો બહુ મુશ્કેલ નથી. કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહની પસંદગી નિશ્ચિત લાગી રહી છે. આ ઉપરાંત ન્યૂયોર્કની ટિકિટ મેળવવાની રેસમાં કોણ કોણ ખેલાડીઓ છે, તેની ચર્ચા અહીં કરીશું.
શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલમાંથી કોઇ એકને મળશે તક
જો રોહિત શર્મા અને વિરાટ કોહલી ઓપનિંગ કરશે તો શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલમાંથી કોઇ એક ખેલાડીને 15માં સ્થાન મળશે. આઇપીએલના ફોર્મને જોતા શુભમન ગિલનું પલડું ભારે લાગી રહ્યું છે. સૂર્યકુમાર યાદવની પસંદગી અંગે કોઈ શંકા નથી. હાર્દિક પંડ્યા અને શિવમ દુબેમાંથી કોઇ એકની પસંદગી કરવામાં આવશે.
આ પણ વાંચો – ટી-20 વર્લ્ડ કપ 2024 : હાર્દિક પંડ્યા આ શરતે જ રમી શકશે વર્લ્ડ કપ
હાર્દિકનું પલડું ભારે
આઈપીએલમાં શિવમ દુબે શાનદાર બેટિંગ કરી રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ તેને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમાડી રહી છે. આવી સ્થિતિમાં તે બોલિંગ કરી રહ્યો નથી. જેથી હાર્દિકનો પક્ષ ભારે દેખાઈ રહ્યો છે. જો તેની ફિટનેસને લઈને કોઈ સમસ્યા ન હોય તો તેનું વર્લ્ડ કપમાં જવાનું લગભગ નક્કી જ છે. આ સિવાય અન્ય એક બેટ્સમેન રિંકુ સિંહ હશે. રિયાન પરાગના નામની ભલે ચર્ચા થઈ રહી હોય પરંતુ રિંકુની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મેચ ફિનિશ કરવાની ક્ષમતાને નજરઅંદાજ ન કરી શકાય.
સ્પિન ઓલરાઉન્ડર્સનું ફોર્મ નબળું
ભારત માટે મુશ્કેલીનું કારણ સ્પિન ઓલરાઉન્ડર છે. રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર છે. જાડેજા અને અક્ષરનું ફોર્મ કંગાળ છે જ્યારે વોશિંગ્ટન સુંદરને સનરાઈઝર્સ હૈદરાબાદ તક આપી રહ્યું નથી. આવી સ્થિતિમાં અનુભવને ધ્યાનમાં રાખીને જાડેજાની પસંદગી કરી શકાય છે. વિકેટકીપરની વાત કરીએ તો આ રેસમાં ઋષભ પંત અને સંજૂ સેમસન સૌથી આગળ છે.
સિરાજનું ફોર્મ ચિંતાનું કારણ
ફાસ્ટ બોલરોની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ સિવાય મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ અને મુકેશ કુમારની પસંદગી થઈ શકે છે. મયંક યાદવની ચર્ચા છે પરંતુ ઈજા એક મોટી સમસ્યા છે. સિરાજનું ફોર્મ ચિંતાનું કારણ છે. મોહમ્મદ શમીની ગેરહાજરીને કારણે તેનામાં વિશ્વાસ વ્યક્ત કરી શકાય છે. અર્શદીપ સિંહ અને મુકેશ કુમારે ટી-20માં પાછળ સારો દેખાવ કર્યો છે. આ બંને ખેલાડીઓને તક મળી શકે છે. સ્પિનર તરીકે કુલદીપ યાદવ અને રવિ બિશ્નોઈની પસંદગી થઈ શકે છે.
ટી 20 વર્લ્ડ કપ માટે ભારતની સંભવિત ટીમ
રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા/ શિવમ દુબે, રિંકુ સિંહ, ઋષભ પંત, સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઇ, મુકેશ કુમાર.





