T20 World Cup 2024 : વરસાદને કારણે અમેરિકા અને આયર્લેન્ડ વચ્ચેની મેચ ધોવાઈ ગઈ છે. ભારે વરસાદના કારણે ટોસ પણ થયો ન હતો અને મેચ રદ કરવામાં આવી હતી. આ મેચ રદ થતા જ અમેરિકા 5 પોઇન્ટ સાથે સુપર 8 માં પહોચી ગયું છે. બીજી તરફ પાકિસ્તાનના અભિયાનનો અંત આવ્યો છે. પાકિસ્તાન હવે તેની છેલ્લી લીગ મેચમાં જીત મેળવશે તો પણ તે ક્વોલિફાય થઇ શકશે નહીં. અમેરિકા સિવાય ગ્રુપ એ માંથી ભારત સુપર 8 માટે ક્વોલિફાય થયું છે.
ભારત 15 જૂને કેનેડા સામે અંતિમ લીગ મેચ રમશે
ભારતીય ક્રિકેટ ટીમ ટી 20 વર્લ્ડ કપમાં જીતની હેટ્રિક ફટકાર્યા બાદ લીગ રાઉન્ડની આખરી મેચ માટે ફ્લોરિડા પહોંચી ગઈ છે. ટીમ ઇન્ડિયા પોતાની અંતિમ મેચ 15 જૂનના રોજ ફ્લોરિડાના સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમમાં કેનેડા સામે રમશે. આ મેચ પહેલા ભારતીય ખેલાડીઓને પ્રેક્ટિસ કરવાની તક મળી ન હતી. તે કોઈપણ ટ્રેનિંગ સેશન વગર મેદાન પર ઉતરશે.
ભારતનું પ્રેક્ટિસ સેશન રદ
ભારતીય ટીમ 14 જૂને લોન્ડ્રહિલ ખાતે પ્રેક્ટિસ કરવાની હતી. જોકે વરસાદના કારણે આ ટ્રેનિંગ સેશન રદ કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા દિવસોથી ફ્લોરિડામાં વરસાદ પડી રહ્યો છે, ત્યારબાદ રાજ્યના ઘણા વિસ્તારોમાં પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સમગ્ર સપ્તાહ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. આ અઠવાડિયે પાકિસ્તાન વિરુદ્ધ આયર્લેન્ડની મેચ પણ ફ્લોરિડામાં યોજાવાની છે.
ભારત સુપર 8 માટે કરી ચુક્યું છે ક્વોલિફાય
ટીમ ઈન્ડિયાએ સુપર-8 માટે ક્વોલિફાય કરી લીધું છે. ફ્લોરિડા બાદ તે સુપર-8 મેચો માટે વેસ્ટ ઇન્ડીઝ જવા રવાના થશે. સુપર-8માં ટીમ 20 જૂને અફઘાનિસ્તાન અને 24 જૂને ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.
આ પણ વાંચો – ઈંગ્લેન્ડ ટીમે ઓમાનને માત્ર 19 બોલમાં હરાવી રચ્યો ઈતિહાસ
લોન્ડ્રહિલમાં ભારે વરસાદ
લોન્ડરહિલ ખાતે છેલ્લી મેચ શ્રીલંકા અને નેપાળ વચ્ચે રમાવાની હતી. 12 જૂને આ મેચ ટોસ વગર જ રદ કરી દેવામાં આવી હતી. લોન્ડ્રહિલ મિયામીની ખૂબ નજીક છે જ્યાં પૂરની સ્થિતિ રહે છે. સોશિયલ મીડિયા પર વરસાદના વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં વાહનો પણ તણાતા જોવા મળ્યા છે.