T20 World Cup 2024 : ટી 20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 9 જૂને ન્યૂયોર્કમાં રમાવાની છે. આ પહેલા એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ડેલી એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર ભારત અને પાકિસ્તાનની મેચ પર આતંકી હુમલાની આશંકા છે. આ કારણે ન્યૂયોર્ક પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. જોકે સત્તાવાળાઓને આ કથિત હુમલાને સમર્થન આપવા માટે હજી સુધી કોઈ મજબૂત પુરાવા મળ્યા નથી. હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.
આઈસીસીનો દાવો – સુરક્ષા મજબૂત રહેશે
ઇએસપીએનક્રિકઇન્ફોએ આઇસીસીને ટાંકીને જણાવ્યું છે કે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન સુરક્ષાને મજબૂત કરવામાં આવશે. જેમાં ન્યૂયોર્કનો પણ સામેલ છે. આઈસીસીના પ્રવક્તાએ કહ્યું કે આ ટૂર્નામેન્ટમાં દરેકની સુરક્ષા અમારી પહેલી પ્રાથમિકતા છે. અમારી પાસે એક વ્યાપક અને મજબૂત સુરક્ષા યોજના છે.
આઇસીસીએ જણાવ્યું હતું કે અમે અમારા યજમાન દેશોના અધિકારીઓ સાથે નજીકથી કામ કરીએ છીએ અને વૈશ્વિક લેન્ડસ્કેપનું સતત નિરીક્ષણ અને મૂલ્યાંકન કરીએ છીએ જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે અમારી ઇવેન્ટ માટે ઓળખાયેલા કોઈપણ જોખમોને ઘટાડવા માટે યોગ્ય યોજનાઓ અમલમાં છે.
આ પહેલા 9 જૂનના રોજ ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ પર આતંકી ખતરાના રિપોર્ટ બાદ ન્યૂયોર્કના ગવર્નર ઓફિસે એક નિવેદન જાહેર કરીને કહ્યુ હતુ કે આઈઝનહોવર પાર્ક સ્ટેડિયમમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
હજુ સુધી સુરક્ષાને લઈને કોઈ ખતરો નથી : ન્યૂયોર્ક ગવર્નર
તેમના ઇન્ટેલિજન્સ ઇનપુટ અનુસાર આ સમયે જાહેર સલામતી માટે કોઈ ખતરો નથી. મેનહટ્ટનથી લગભગ 25 માઇલ પૂર્વમાં સ્થિત આઇઝનહોવર પાર્ક સ્ટેડિયમ 3 જૂનથી 12 જૂન દરમિયાન 2024ના ટી 20 વર્લ્ડ કપની આઠ મેચોની યજમાની કરશે. તેમાં ભારત-પાકિસ્તાનની હાઈપ્રોફાઈલ મેચ પણ સામેલ છે.
આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપ 2024 સાથે જોડાયેલા દરેક સવાલનો જવાબ અહીં વાંચો
ન્યૂયોર્ક સ્ટેટના ગવર્નર કેથી હોચુલે સંકેત આપ્યો હતો કે તેમનું પ્રશાસન આ રમતોનું સારી રીતે સંચાલન થાય તે માટે મહિનાઓથી કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે કામ કરી રહ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે મેં ન્યૂયોર્કની રાજ્ય પોલીસને ઉચ્ચ સુરક્ષા પગલાંમાં જોડાવા પણ નિર્દેશ આપ્યો છે. જેમાં કાયદાનું અમલીકરણ, વિસ્તૃત દેખરેખ અને સંપૂર્ણ ચકાસણી પ્રક્રિયાનો સમાવેશ થાય છે. સાર્વજનિક સલામતી અમારી અગત્યની પ્રાથમિકતા છે. ક્રિકેટ વર્લ્ડ કપ સલામત વાતાવરણમાં યોજાય અને ચાહકોને તેનો આનંદ મળે તે માટે અમે કટિબદ્ધ છીએ.
ભારત ન્યૂયોર્કમાં 4 મેચ રમશે
ભારત ન્યૂયોર્કમાં ચાર મેચ રમશે. તેની પ્રથમ મેચ કેનેડા (5 જૂન) સામે થશે, ત્યારબાદ પાકિસ્તાન સાથે 9 જૂને રમાશે. ભારત અને અમેરિકા વચ્ચે 12મી જૂનના રોજ મેચ યોજાવાની છે. ભારત ન્યૂયોર્કમાં બાંગ્લાદેશ સામે પ્રેક્ટિસ મેચ પણ રમવાનું છે. ભારતીય ક્રિકેટ ટીમના મોટાભાગના ખેલાડીઓ 28 મે ને મંગળવારના રોજ અમેરિકા પહોંચી ગયા હતા અને ટ્રેનિંગ શરૂ કરી દીધી છે.
આ મહિનાની શરુઆતમાં જ આઇસીસી અને ક્રિકેટ વેસ્ટ ઈન્ડીઝે આશ્વાસન આપ્યું હતુ કે તેઓ ચાહકો અને ખેલાડીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ શક્ય પગલાં લઈ રહ્યા છે. અમેરિકન ક્રિકેટ એસોસિએશન અને ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝ દ્વારા સંયુક્ત રીતે ટી 20 વર્લ્ડ કપ 2024 નું આયોજન કરવામાં આવ્યું છે.





