/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/T20-World-Cup.jpg)
ટી-20 વર્લ્ડ કપ ટ્રોફી (તસવીર - એક્સપ્રેસ)
T20 World Cup 2024 Live Streaming : ટી 20 વર્લ્ડ કપ 2024 શરુ થવામાં હવે એક મહિના કરતા પણ ઓછો સમય બાકી છે. આ ટૂર્નામેન્ટ માટે મોટાભાગના દેશોએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આ વખતે ટૂર્નામેન્ટ અમેરિકા અને વેસ્ટ ઈન્ડીઝમાં રમાશે. આ સાથે પહેલી વખત અમેરિકાને આઇસીસીની ટૂર્નામેન્ટની યજમાની આપવામાં આવી છે.
પ્રશંસકો મફતમાં મેચ જોઈ શકશે
વન ડે વર્લ્ડ કપમાં મળેલી હાર બાદ રોહિત શર્મા એન્ડ કંપની ટી 20 વર્લ્ડ કપની ટ્રોફી ઉંચકે તે જોવા માટે ભારતીય ચાહકો ઉત્સુક બન્યા છે. ચાહકો માટે સારા સમાચાર એ છે કે બ્રોડકાસ્ટર્સે ટી 20 વર્લ્ડ કપ ભારતીય ચાહકોને મફતમાં બતાવવાનો નિર્ણય લીધો છે. પ્રશંસકો બધી મેચોની લાઇવ સ્ટ્રીમિંગ કોઈ પણ સબ્સ્ક્રિપ્શન કે એકપણ પૈસાનો ખર્ચ કરવો પડશે નહીં.
વન ડે વર્લ્ડ કપમાં વ્યૂઅરશિપના રેકોર્ડ તૂટ્યા હતા
ગત વર્ષે ભારતમાં યોજાયેલા વન ડે વર્લ્ડ કપ દરમિયાન સ્ટ્રીમિંગમાં વ્યૂઅરશિપના ઘણા રેકોર્ડ તૂટ્યા હતા. ગત વર્ષે જ્યારે વન ડે વર્લ્ડનું લાઇવ સ્ટ્રીમિંગ મફતમાં થયું હતું ત્યારે વ્યૂઅરશિપનો રેકોર્ડ પાંચ વખત તૂટ્યો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચ દરમિયાન એક સમયે 5.9 કરોડ લોકો હોટ સ્ટાર પર સ્ટ્રીમિંગ જોઈ રહ્યા હતા, જે એક રેકોર્ડ છે. ડિઝની+ હોટસ્ટારે માહિતી આપી હતી કે પ્રશંસકો આ વખતે પણ મોબાઇલ ફોન પર ટી 20 વર્લ્ડ કપની તમામ મેચો મફતમાં જોઈ શકશે.
આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ દરમિયાન આતંકી હુમલાની ધમકી, પાકિસ્તાનથી ધમકી મળ્યા બાદ ICC એલર્ટ
ઘર-ઘર સુધી ક્રિકેટને પહોંચાડવાનું લક્ષ્ય
ડિઝની+ હોટસ્ટારના વડા સજીથ શિવાનંદે જણાવ્યું હતું કે અમે આઈસીસી ટી 20 વર્લ્ડ કપને મોબાઇલ પર મફત બતાવવાનો નિર્ણય કર્યો છે જેથી દરેક વ્યક્તિ મેચ જોઈ શકે. આ રમત દેશના દરેક ખૂણે-ખૂણે સુધી પહોંચવી જોઈએ અને કોઈએ પણ આ એક્શન મિસ ના કરે. ક્રિકેટ લોકોને એક સાથે લાવવાનું કામ કરે છે. ગત વર્ષે જ્યારે અમે મફતમાં વર્લ્ડ કપ અને એશિયા કપ બતાવ્યો હતો ત્યારે અમે નવા પ્રેક્ષકોને લાવી શક્યા હતા. આનાથી અમારી વ્યૂઅરશિપ પણ વધી હતી.
ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 29 જૂને રમાશે. આ ટૂર્નામેન્ટમાં પહેલીવાર 20 ટીમો ભાગ લેશે. ગત વખતે ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી 20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું હતુ. તેણે ફાઇનલ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us