T20 World Cup 2024 Most Dot Balls : ટી 20 વર્લ્ડ કપ 2024માં હવે સેમિ ફાઇનલ મુકાબલામાં રમાશે. આ વખતે ટૂર્નામેન્ટમાં બેટ્સમેનોને બોલરો ભારે પડી રહ્યા છે. લો સ્કોરીંગ મેચમાં બોલરોનો દબદબો જોવા મળી રહ્યો છે. ટી 20 વર્લ્ડ કપ 2024માં સૌથી વધારે ડોટ બોલ ફેંકવાની વાત આવે તો બાંગ્લાદેશનો મુશ્તાફિઝુર રહેમાન પ્રથમ સ્થાને છે. તેણે 26 ઓવરમાં 90 ડોટ બોલ ફેંક્યા છે. એટલે કે તેની 15 ઓવરમાં એકપણ રન આવ્યો નથી. ટોપ 10ની યાદીમાં ભારતના બે પ્લેયર્સ સામેલ છે.
બુમરાહ બીજા સ્થાને
ટી 20 વર્લ્ડ કપ 2024માં સૌથી વધારે ડોટ બોલ ફેંકવાની યાદીમાં ભારતનો જસપ્રીત બુમરાહ બીજા સ્થાને છે. બુમરાહે 23 ઓવર ફેંકી છે. જેમાં 88 ડોટ બોલ ફેંક્યા છે. એટલે કે લગભગ 15 ઓવરમાં એકપણ રન આપ્યો નથી. બુમરાહે 4.08ની એવરેજથી 11 વિકેટ ઝડપી છે. તેનું બેસ્ટ બોલિંગ પ્રદર્શન 7 રનમાં 3 વિકેટ છે.
આ યાદીમાં ત્રીજા સ્થાને રહેલા દક્ષિણ આફ્રિકાના એનરિચ નોર્તજેએ પણ 88 ડોટ બોલ ફેંક્યા છે. જોકે આ માટે તેણે 28 ઓવરો ફેંકી છે. ચોથા સ્થાને બાંગ્લાદેશનો તન્ઝીમ હસન શાકીબ છે. તેણે 24 ઓવરમાં 83 ડોટ બોલ ફેંક્યા છે.દક્ષિણ આફ્રિકાના માર્કો જાન્સેને પણ 83 ડોટ બોલ ફેંક્યા છે. તેણે 24.1 ઓવર ફેંકી છે.
આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપ 2024, રોહિત શર્માના 92 રન, ભારતનો સેમિ ફાઇનલમાં પ્રવેશ
અર્શદીપ સિંહ નવમાં સ્થાને
ટોપ 10માં ભારતનો અર્શદીપ સિંહ પણ સામેલ છે. તે આ યાદીમાં નવમાં સ્થાને છે. તેણે 24 ઓવરમાં 78 ડોટ બોલ ફેંક્યા છે. એટલે કે તેણે લગભગ 13 ઓવરમાં રન આપ્યા નથી. જોકે વિકેટ લેવામાં તે બીજા સ્થાને છે. તેણે કૂલ 15 વિકેટો ઝડપી છે.
ટી 20 વર્લ્ડ કપ 2024માં સૌથી વધારે ડોટ બોલ ફેંકનાર ટોપ 5 બોલર
મુશ્તાફિઝુર રહેમાન (બાંગ્લાદેશ) – 90 ડોટ બોલ
જસપ્રીત બુમરાહ (ભારત) – 88 ડોટ બોલ
એનરિચ નોર્તજે (દક્ષિણ આફ્રિકા) – 88 ડોટ બોલ
તન્ઝીમ હસન શાકીબ (બાંગ્લાદેશ) – 83 ડોટ બોલ
માર્કો જાન્સેન (દક્ષિણ આફ્રિકા) – 83 ડોટ બોલ





