Haris Rauf Video : પાકિસ્તાનનો ફાસ્ટ બોલર હારિસ રઉફ વિવાદોમાં સપડાયો છે. ફ્લોરિડામાં એક વ્યક્તિ સાથે તે રકઝક કરતો જોવા મળ્યો હતો. રઉફ તેની પત્ની સાથે શહેરમાં ફરી રહ્યો હતો. ત્યારે તે એક વ્યક્તિ પર ગુસ્સે થાય છે જેણે તેને કંઈક એવું કહ્યું હશે જે તેને પસંદ નહીં હોય કે જેની સાથે તે સંમત નહીં હોય. રઉફ જ્યારે તે વ્યક્તિ તરફ દોડ્યો ત્યારે કેટલાક લોકોએ તેને આમ કરતા અટકાવ્યો હતો.
રઉફનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
રઉફની પત્નીએ પણ તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે પોતાની પત્નીની વાત માની નહીં અને તે વ્યક્તિ તરફ દોડી ગયો હતો. રઉફ અને તે વ્યક્તિ વચ્ચે થોડી વાતચીત થઈ હતી. આસપાસના લોકોએ દરમિયાનગીરી કરી હતી. રઉફનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે કહી રહ્યો છે કે આ ભારતીય હશે. જોકે તે વ્યક્તિએ જવાબ આપ્યો કે હું પાકિસ્તાની છું.
આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપમાં સુપર 8 ની ટીમો થઇ ગઇ ફાઇનલ, જાણો ભારત અને અન્ય ટીમોનો કાર્યક્રમ
હારિસ રઉફનો વિવાદ સારા સમાચાર નથી
રઉફની પત્ની સતત તેને શાંત પાડવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ ક્રિકેટર તે વ્યક્તિથી પરેશાન દેખાતો હતો. ટી 20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન વચ્ચે હારીસ રઉફના આ પ્રકારનો વિવાદ સારા સમાચાર નથી. અમેરિકા અને ભારત સામેની હાર બાદ ગ્રુપ સ્ટેજમાંથી બહાર ફેંકાઈ ગયા બાદ પાકિસ્તાનના ખેલાડીઓની આકરી ટીકા થઈ રહી છે.
આ ખેલાડીઓ હાલ સ્વદેશ પરત ફરશે નહીં
આ દરમિયાન એવા અહેવાલો મળી રહ્યા છે કે પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ, મોહમ્મદ આમિર, ઇમાદ વસીમ, હારિસ રઉફ, શાદાબ ખાન અને આઝમ ખાન જેવા ખેલાડીઓએ ટી 20 વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન બાદ પાકિસ્તાન પરત ફરતા પહેલા લંડનમાં રજાઓ ગાળવાનો નિર્ણય લીધો છે. આ છ ખેલાડીઓ મંગળવારે બાકીની ટીમ સાથે પાકિસ્તાન પહોંચશે નહીં. ખેલાડીઓ લંડનમાં મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરવાનું વિચારી રહ્યા છે.





