T20 World Cup 2024 : અમેરિકા અને ભારત સામે ટી 20 વર્લ્ડ કપ 2024માં મળેલી હાર બાદ પાકિસ્તાનને પહેલી જીત કેનેડા સામે મળી હતી. આ જીતથી પણ પાકિસ્તાનની મુશ્કેલી ઓછી થઈ નથી. બે પરાજયથી પાકિસ્તાનની મુશ્કેલીમાં વધારો થયો છે અને હવે ફ્લોરિડાના હવામાને તેમનું ટેન્શન વધારી દીધું છે. પાકિસ્તાનને તેની છેલ્લી મેચ 16 જૂનના રોજ ફ્લોરિડામાં રમવાની છે. વરસાદના કારણે ફ્લોરિડામાં પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના સુપર-8નો રસ્તો વધુ મુશ્કેલ બન્યો છે.
ફ્લોરિડામાં પૂરની ચેતવણી
છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ બાદ ફ્લોરિડામાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. બુધવારે રાત્રે મિયામી, કોલિયર અને અન્ય કેટલાક શહેરો માટે પૂરની ચેતવણી જારી કરવામાં આવી હતી. ફ્લોરિડાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે, જેમાં ગાડીઓ વરસાદી પાણીમાં ડૂબતી જોવા મળી રહી છે. ફ્લોરિડામાં 14 જૂને અમેરિકા વિ આયર્લેન્ડ, 15 જૂને ભારત વિ. કેનેડા અને 16 જૂને પાકિસ્તાન વિ. આયર્લેન્ડ વચ્ચે મેચ રમાશે. ત્રણેય દિવસે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
પાકિસ્તાનને તેની છેલ્લી મેચ 16 જૂને આયર્લેન્ડ સામે રમશે
પાકિસ્તાનને તેની છેલ્લી મેચ 16 જૂને આયર્લેન્ડ સામે રમશે. જોકે પોઈન્ટ ટેબલ અને હવામાનની પેટર્ન જોતા એવું પણ બની શકે છે કે ટીમ આખરી મેચ પહેલા જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જાય. પાકિસ્તાનના ત્રણ મેચમાં બે પોઇન્ટ છે. તે ગ્રુપ-એ માં ત્રીજા સ્થાને છે. અમેરિકાની ટીમ ચાર પોઇન્ટ સાથે બીજા સ્થાને છે.
વરસાદને કારણે મેચ રદ થશે તો પાકિસ્તાન બહાર થઈ જશે
અમેરિકાની છેલ્લી મેચ 14 જૂને આયર્લેન્ડ સામે છે. આ મેચ ફ્લોરિડામાં યોજાવાની છે. જો વરસાદને કારણે મેચ રદ થાય તો અમેરિકા અને આયર્લેન્ડને 1-1 પોઈન્ટ મળશે. આવી સ્થિતિમાં અમેરિકાના પાંચ પોઇન્ટ હશે અને તે સુપર 8 માં પહોંચી જશે. બીજી તરફ છેલ્લી મેચ જીત્યા બાદ પણ પાકિસ્તાનના ચાર પોઇન્ટ થઇ જશે. આવી સ્થિતિમાં તે ક્વોલિફાય થઈ શકશે નહીં.
આ એક રીતે પાકિસ્તાનને સુપર-8 માટે ક્વોલિફાય થવાનો ચાન્સ
જો અમેરિકા તેની આખરી મેચ આયર્લેન્ડ સામે હારે અને પાકિસ્તાનની મેચ વરસાદને કારણે રદ થાય તો પાકિસ્તાન ક્વોલિફાય થઈ શકે તેમ નથી. આવી સ્થિતિમાં પાકિસ્તાને પ્રાર્થના કરવી પડશે કે વરસાદના કારણે કોઈ પણ મેચ રદ ન થાય. આયર્લેન્ડે 14 જૂને અમેરિકાને હરાવે જ્યારે પાકિસ્તાન પોતે આયર્લેન્ડ સામેની મેચમાં વિજય મેળવે છે. તો જ પાકિસ્તાન નેટ રન-રેટના મામલે ક્વોલિફાય થઈ શકશે.