T20 World Cup 2024 : ભારતીય ટીમે આયર્લેન્ડ સામેની મેચમાં એકતરફી અંદાજમાં જીત મેળવી હતી અને ટી 20 વર્લ્ડ કપ 2024માં શાનદાર અંદાજમાં પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. ટીમ ઈન્ડિયાને આ મેચમાં જીતવા માટે 97 રનનો આસાન ટાર્ગેટ મળ્યો હતો અને ભારતીય કેપ્ટને શાનદાર અડધી સદીની ઈનિંગ રમીને પોતાની ટીમને 8 વિકેટે જીત અપાવી હતી.
આ મેચમાં વિરાટ કોહલી ઓપનિંગ કરવા આવ્યો હતો પરંતુ તે ફ્લોપ રહ્યો હતો. પરંતુ રોહિતે આકર્ષક ઇનિંગ રમી હતી અને પોતાની ઇનિંગ દરમિયાન 3 સિક્સર ફટકારીને ઇતિહાસ પણ રચ્યો હતો. રોહિત શર્માએ તેની ઈનિંગ દરમિયાન 4000 રન પુરા કર્યા હતા અને તે ટી 20માં સૌથી ઓછા બોલમાં 4000 રન પુરા કરનાર બેટ્સમેન બની ગયો હતો. આ સાથે તેણે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.
રોહિત શર્માની 600 સિક્સર
રોહિત શર્માએ આયર્લેન્ડ સામેની તેની ઈનિંગ દરમિયાન 3 સિક્સર ફટકારી હતી. આ સાથે જ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 છગ્ગા પુરા કર્યા હતા. રોહિત શર્મા હવે વર્લ્ડ ક્રિકેટમાં ત્રણેય ફોર્મેટ મળીને 600 સિક્સર ફટકારનાર દુનિયાનો સૌપ્રથમ બેટ્સમેન બની ગયો છે. રોહિતે આ સિદ્ધિ તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની 473મી મેચમાં પુરી કરી હતી. આયર્લેન્ડ સામે રોહિતે 37 બોલમાં 3 સિક્સર અને 4 ફોરની મદદથી 52 રન ફટકાર્યા હતા અને રિટાયર્ડ હર્ટ થયો હતો. આ યાદીમાં બીજા ક્રમે વેસ્ટ ઇન્ડીઝનો ક્રિસ ગેઈલ છે. તેના નામે 553 સિક્સર છે.
આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપ 2024, ભારતે જીત સાથે અભિયાનની શરૂઆત કરી, 12.2 ઓવરમાં પડકાર મેળવ્યો
રોહિત શર્માએ તોડ્યો વિરાટ કોહલીનો રેકોર્ડ
રોહિત શર્માએ આ મેચમાં પોતાની ઈનિંગ દરમિયાન ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 4000 રન પૂરા કર્યા હતા. રોહિત શર્માએ 2860 બોલમાં ટી 20માં 4000 રન પુરા કરીને વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો હતો. વિરાટ કોહલીએ 2900 બોલમાં પોતાના 4000 રન પૂરા કર્યા હતા. પાકિસ્તાનના બાબર આઝમે આ સિદ્ધિ 3079 બોલમાં મેળવી હતી.
ટી 20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં 4000 રન બનાવનાર પ્લેયર્સ
- 2860 – રોહિત શર્મા
- 2900 – વિરાટ કોહલી
- 3079 – બાબર આઝમ