Saurabh Netravalkar : ટી 20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાન સામે અમેરિકાની જીતમાં સૌરભ નેત્રવલકરે મહત્વની ભૂમિકા ભજવી હતી. ડાબોડી પેસરે સુપર ઓવરમાં શાનદાર બોલિંગ કરીને 18 રનનો બચાવ કર્યો હતો. મેચ દરમિયાન મોહમ્મદ રિઝવાન અને ઇફ્તિખાર અહેમદની મહત્વની વિકેટ પણ ઝડપી હતી.
ભારત સામેની અમેરિકાની મેચ પહેલા આ 32 વર્ષીય ખેલાડીએ જૂના દિવસોને યાદ કર્યા હતા જ્યારે તે મુંબઈમાં રમતો હતો. તે સૂર્યકુમાર યાદવનો મિત્ર છે. તેણે તેના વિશે પણ વાત કરી હતી અને જણાવ્યું કે કેમ તેણે માત્ર 22 વર્ષની ઉંમરે ક્રિકેટ કેમ છોડી દીધું હતું. પછી અમેરિકામાં કેમ ક્રિકેટ રમવા લાગ્યો હતો.
સૌરભ નેત્રવલકર મુંબઈથી અમેરિકા પહોંચ્યો
સૌરભ નેત્રવલકર 2014 સુધી મુંબઈ રણજી ટીમ તરફથી રમતા હતો, પરંતુ ત્યારબાદ તેને ભવિષ્યને લઈને નકારાત્મક વિચારો આવવા લાગ્યા. તેણે સ્ટાર સ્પોર્ટ્સને આ વિશે જણાવ્યું હતું કે હું કેટલું ક્રિકેટ રમી શકું? 35 વર્ષ સુધી કદાચ. પણ તેની કોઈ ગેરંટી નથી. પ્રગતિ થતી નથી. આ સોફ્ટવેર એન્જિનિયરે પોતાની ક્રિકેટ એપ્લિકેશન પણ ડિઝાઇન કરી હતી. તેણે 22 વર્ષની ઉંમરે અમેરિકાની યુનિવર્સિટીમાંથી સ્કોલરશિપ લેવાનું નક્કી કર્યું હતું. તેણે વિચાર્યું કે આ પગલું તેની ક્રિકેટ કારકિર્દીનો અંત હશે.
આ પણ વાંચો – 1 દિવસ, 2 મેચ અને ત્રણ શાનદાર કેચ, ઓસ્ટ્રેલિયા અને કેનેડાના ખેલાડી સુપરમેન બન્યા, જુઓ VIDEO
લોઈડ જોડાહે મદદ કરી
વેસ્ટ ઇન્ડિયન લોઇડ જોડાહે નેત્રવાલકરમાં ક્રિકેટના સ્વપ્નને ફરીથી જીવંત કર્યું હતું. સૌરભ નેત્રવલકરે કહ્યું કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું ફરીથી ક્રિકેટ રમીશ, પરંતુ અમેરિકા આવ્યા પછી મને ખબર પડી કે મારી કોલેજમાં ક્રિકેટ છે. લોઈડ જોડાહ નામના કોચ હતા, જેમણે મને બોલિંગ કરતા જોયો હતો અને પૂછ્યું હતું કે શું તું ક્રિકેટ રમ્યો છું? પછી તેઓએ મને અહીંની વિવિધ ક્લબોમાં જોડાવામાં મદદ કરી.
સૂર્યકુમાર યાદવ સાથેની મિત્રતા પર નેત્રવલકરે શું કહ્યું
સૂર્યકુમાર યાદવ સાથેની મિત્રતા વિશે વાત કરતાં નેત્રવલકરે જણાવ્યું હતું કે સૂર્યકુમાર એક સારો મિત્ર છે. મેં તેને અમારા અંડર-15ના દિવસોથી જોયો છે. અમે મુંબઈ માટે સાથે રમીને મોટા થયા છીએ. તે હંમેશાથી ખાસ રહ્યો છે. તે અંડર-15 અને અંડર-17ની મેચમાં બેવડી સદી ફટકારતો રહ્યો છે. તેને ભારત તરફથી રમવાની તક મારી અપેક્ષા કરતાં મોડેથી મળી હતી, પણ હું તેના માટે ખરેખર ખુશ છું.
મને ખબર નથી કે સૂર્યાને કેવી રીતે આઉટ કરવો
સૌરભ નેત્રવલકરે કહ્યું કે હું તેને મળવા માટે ઉત્સાહિત છું અને આ માત્ર તેની સામે જ નહીં પરંતુ અમે જેની સાથે રમ્યા છીએ તેવા ઘણા ખેલાડીઓ સામે રમવાની તક છે. મને ખબર નથી કે સૂર્યાને કેવી રીતે આઉટ કરવો, પરંતુ મને લાગે છે કે હું માત્ર મારી ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરીશ, જે ટીમને મારી જરૂર છે.