T20 World Cup 2024 : ટી-20 વર્લ્ડ કપ દરમિયાન ભારત-પાકિસ્તાનની મેચની બ્લુપ્રિન્ટ બુધવારે (17 જાન્યુઆરી) ન્યૂયોર્કના પ્રખ્યાત નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં જાહેર કરવામાં આવશે. અમેરિકાથી માહિતી આવી છે કે 34 હજાર સીટોવાળા સ્ટેડિયમનું કામ ટૂંક સમયમાં શરૂ થવાની સંભાવના છે. આ અઠવાડિયાના અંતથી કદાચ કામ શરૂ થશે. જોકે લોંગ આઇલેન્ડમાં આવેલું આ સ્ટેડિયમ ટેમ્પરરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇંગ્લેન્ડના કોઈપણ મેદાન કરતા મોટું છે. તેને વાનખેડે કરતા પણ મોટું હોવાનું કહેવાય છે.
ક્રિકબઝના રિપોર્ટ અનુસાર આઇસીસી માટે આ પ્રાયોરિટી પ્રોજેક્ટ બની ગયો છે. તે મુખ્ય ગોલ્ફ અને ફોર્મ્યુલા વન ઇવેન્ટ્સમાં ઉપયોગમાં લેવાતા મોડ્યુલર સ્ટેડિયમની જેમ ડિઝાઇન કરવામાં આવ્યું છે. લાસ વેગાસ ગ્રાન્ડ પિક્સમાં ઉપયોગમાં લેવાતી સીટો ન્યૂયોર્કના આ સ્ટેડિયમમાં લગાવવામાં આવશે. આ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા એક અધિકારીના જણાવ્યા અનુસાર આ એક અસ્થાયી સ્ટેડિયમ છે. તે વિશ્વના સૌથી આધુનિક ક્રિકેટ સ્ટેડિયમોમાંથી એક હોવાની સંભાવના છે, જેમાં તે બધુ જ હશે જે સંભવત તમે પણ ઇચ્છો છો.
ન્યૂયોર્કમાં ભારતની ત્રણ મેચ
આઇસીસીએ સ્થાનિક આયોજકોના સહયોગથી ભારતની ત્રણ મેચો ન્યૂયોર્કને સોંપી છે. ભારતે 5મી જૂને આયર્લેન્ડ સામે, પાકિસ્તાન સામે 9મી જૂને અને અમેરિકા સામે 12મી જૂને ગ્રુપ મેચ રમવાની છે. જ્યારે 15 જૂને કેનેડા સામેની લીગ મેચ ફ્લોરિડા લોડરહિલમાં રમાશે. તેની ક્ષમતા 20,000 છે. જોકે અમેરિકાનું બીજુ હોસ્ટિંગ સેન્ટર ડલાસને ભારતના મેચની યજમાની મળી નથી. ડલાસે ગત જુલાઈમાં ગ્રાન્ડ પ્રેયરી ક્રિકેટ સ્ટેડિયમમાં મેજર લીગ ક્રિકેટ (એમએલસી)ની મેચોનું આયોજન કર્યું હતું.
આ પણ વાંચો – ટી-20 વર્લ્ડ કપ 2024નો કાર્યક્રમ જાહેર, આ દિવસે રમાશે ભારત-પાકિસ્તાન મેચ
કાશી વિશ્વનાથને શું કહ્યું?
એવી આશા રાખવામાં આવી રહી હતી કે તેને ભારતની મેચો મળશે. ટેક્સાસ શહેરની હોમ ફ્રેન્ચાઇઝી ડલાસ સુપર કિંગ્સ આ ક્ષેત્રમાં રમતને પ્રોત્સાહન આપવા માટે સ્થળ પર ભારતની મેચ ઇચ્છતી હતી. ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ ડલ્લાસ સુપર કિંગ્સના મેનેજર કાશી વિશ્વનાથને ક્રિકબઝને ડલાસમાં ભારતની મેચ માટે આઈસીસીને પત્ર લખવા અંગે જણાવ્યું હતું. કાશી વિશ્વનાથને કહ્યું કે જો આઈસીસી અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માંગતું હોય તો તેઓએ અમને એક ભારતની મેચ આપવી જોઈતી હતી.
આઇસીસીએ આ વિનંતીને શા માટે ધ્યાનમાં ન લીધી?
જોકે એવું લાગી રહ્યું છે કે આ વિનંતીને ધ્યાનમાં ન લેવા માટે આઇસીસી પાસે પોતાના કારણો છે. એવું લાગ્યું કે ડલાસમાં મેચ યોજવામાં કેટલાક લોજિસ્ટિક અને ઓપરેશનલ પડકારો છે. ટાઈમ ઝોનનો તફાવત છે. ડલાસ કાયમી સ્ટેડિયમ હોવા છતાં તેની ક્ષમતા માત્ર 7,500ની છે. આ ઉપરાંત શહેરથી કેરેબિયન સુધીની સીધી ફ્લાઇટ્સ પણ એક પડકાર રજૂ કરે છે.
ટી-20 વર્લ્ડ કપ 2024માં ભારતનો ગ્રુપ કાર્યક્રમ
- 5 જૂન – ભારત વિ આયર્લેન્ડ
- 9 જૂન- ભારત વિ પાકિસ્તાન
- 12 જૂન- ભારત વિ યુએસએ
- 15 જૂન- ભારત વિ કેનેડા – ફ્લોરિડા





