ટી 20 વર્લ્ડ કપ 2024 : ઇંગ્લેન્ડ-દક્ષિણ આફ્રિકા સેમિ ફાઇનલમાં પહોંચ્યા, ભારતના ગ્રુપ 1 માં કેવું છે સમીકરણ

T20 World Cup 2024 Semi Finals : સુપર 8 ના ગ્રુપ 2 માંથી ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી ગઇ છે. ગ્રુપ 1 માં ભારત, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે સેમિ ફાઇનલની રેસ છે

Written by Ashish Goyal
June 24, 2024 18:21 IST
ટી 20 વર્લ્ડ કપ 2024 : ઇંગ્લેન્ડ-દક્ષિણ આફ્રિકા સેમિ ફાઇનલમાં પહોંચ્યા, ભારતના ગ્રુપ 1 માં કેવું છે સમીકરણ
ટી-20 વર્લ્ડ કપ ટ્રોફી (તસવીર - એક્સપ્રેસ)

T20 World Cup 2024 SUPER EIGHTS, GROUP 1 Qualification Scenario For Semi Finals: ટી 20 વર્લ્ડ કપ 2024 તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યો છે. સુપર 8 ના ગ્રુપ 2 માંથી ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી ગઇ છે. આ ગ્રુપમાંથી યજમાન દેશ વેસ્ટ ઇન્ડીઝ અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા બહાર ફેંકાઇ ગયા છે. સુપર 8 ના ગ્રુપ 1 માં કઇ બે ટીમો સેમિ ફાઇનલમાં આવશે તે જોવા માટે એક દિવસ રાહ જોવી પડશે. તમને જણાવી રહ્યા છીએ કે ગ્રુપ 1 માં સેમિ ફાઇનલનું સમીકરણ શું છે.

ભારત

ભારતીય ટીમ 2 મેચ રમ્યું છે અને બન્ને મેચમાં વિજય મેળવ્યો છે. તેના 4 પોઇન્ટ છે. ટીમ ઇન્ડિયાનું સમીકરણ એકદમ સરળ છે. આજે સોમવારે (24 જૂન) ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચમાં તે જીત મેળવશે તો તે આસાનાથી સેમિ ફાઇનલમાં પહોંચી જશે. જ્યાં સુધી ભારત મોટા અંતરથી ન હારે ત્યાં સુધી ઓસ્ટ્રેલિયા સામે પરાજય થશે તો પણ કોઈ અસર થશે નહીં. હાલમાં ભારતનો નેટ રનરેટ +2.425 છે.

જો ભારતને ઓસ્ટ્રેલિયા સામે મોટી હાર મળે અને અફઘાનિસ્તાન બાંગ્લાદેશ સામે મોટા માર્જીનથી જીતે તો જ તેની બહાર થવાની શક્યતા રહે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન નેટ રનરેટના આધારે ભારતને પાછળ છોડી શકે છે.

ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયાના 2 મેચમાં 1 જીત અને 1 હાર સાથે 2 પોઇન્ટ છે. અફઘાનિસ્તાન સામે હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ હાલ મુશ્કેલીમાં ફસાયેલી છે. હવે તેણે 24 જૂને સેન્ટ લૂસિયામાં રમાનારી મેચમાં ભારતને હરાવવું પડશે. આ સિવાય બાંગ્લાદેશની મદદની પણ જરૂર પડશે અને આશા છે કે બાંગ્લાદેશ તેની છેલ્લી મેચમાં અફઘાનિસ્તાનને હરાવે.

ઓસ્ટ્રેલિયાનો હાલનો નેટ રનરેટ +0.223 છે. જો તેઓ ભારત સામે હારી જાય તો તેમને બાંગ્લાદેશના ટેકાની જરુર પડશે. તે પછી જો બાંગ્લાદેશ અફઘાનિસ્તાનને હરાવે તો ત્રણ ટીમોના બે-બે પોઈન્ટ થઈ જશે અને નેટ રનરેટના આધારે નિર્ણય લેવાશે. જેમાં ઓસ્ટ્રેલિયાનો રનરેટ સારો છે. અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનો રનરેટ માઇનસમાં છે.

આ પણ વાંચો – ક્રિસ જોર્ડને હેટ્રિક ઝડપી ઇતિહાસ રચ્યો, ઇંગ્લેન્ડે જીત મેળવી સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો

અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાનના 2 મેચમાં 1 જીત અને 1 હાર સાથે 2 પોઇન્ટ છે. અફઘાનિસ્તાનની ટીમે સેમિ ફાઈનલમાં પ્રવેશવા માટે બાંગ્લાદેશને હરાવવું પડશે. તેમજ ભારત ઓસ્ટ્રેલિયાને હરાવે તેવી પણ આશા રાખવી પડશે. જો અફઘાનિસ્તાન બાંગ્લાદેશ સામે હારે તો આશા રાખવી પડે કે ઓસ્ટ્રેલિયા ભારત સામે મોટા અંતરથી હારે. અફઘાનિસ્તાનનો નેટ રનરેટ હાલ -0.650 છે. જો ઓસ્ટ્રેલિયા જીતશે તો અફઘાનિસ્તાને બાંગ્લાદેશ સામે મોટા અંતરથી જીતવું પડશે.

જો ઓસ્ટ્રેલિયા અને ભારતને મેચ વરસાદમાં ધોવાઇ જાય તો બન્ને ટીમોને 1-1 પોઇન્ટ મળે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશ સામે ફક્ત જીત જ જરૂરી રહેશે.

બાંગ્લાદેશ

બાંગ્લાદેશના 2 મેચમાં 2 હાર સાથે 0 પોઇન્ટ છે. બાંગ્લાદેશને ક્વોલિફાય થવા માટે ચમત્કારની જરુર છે. જોકે ટેક્નિકલી તે હજુ પણ રેસમાં છે. બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે મોટા અંતરથી જીતવું પડશે. આ સિવાય તેણે આશા રાખવી પડે કે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને મોટા માર્જીનથી હરાવે. આવા સંજોગોમાં ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના 2-2 પોઇન્ટ થાય છે. આ પછી નેટ રનરેટ ઉપર ટીમ ક્વોલિફાય થશે. બાંગ્લાદેશનો નેટ રનરેટ હાલ -2.489 છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ