T20 World Cup 2024 Qualification Scenario For Semi Finals: અફઘાનિસ્તાને ટી 20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ઇતિહાસ રચ્યો હતો. અફઘાનિસ્તાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલી વખત ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવી હતી. આ જીત સાથે તેણે ટી 20 વર્લ્ડ કપ 2024ની સેમિ ફાઈનલમાં પ્રવેશવાની આશા પણ જીવંત રાખી છે.
અફઘાનિસ્તાનની ઓસ્ટ્રેલિયા સામેની જીતને કારણે સુપર 8માં ગ્રુપ-1નું સમીકરણ સાવ બદલાઈ ગયું છે. આ ગ્રૂપની ચારેય ટીમ હજુ પણ સેમિ ફાઇનલની રેસમાં છે. અફઘાનિસ્તાનની જીતને કારણે બાંગ્લાદેશને પણ કેટલીક લાઈફલાઈન મળી છે.
ટી-20 વર્લ્ડ કપ 2024ના સુપર 8ના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ભારત ગ્રુપ-1માં પ્રથમ સ્થાને છે. ભારતના 2 મેચમાં 4 પોઇન્ટ છે. ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન બંનેના બે-બે પોઈન્ટ છે, પણ નેટ રનરેટના આધારે પેટ કમિન્સની ટીમ બીજા અને રાશિદ ખાનની સેના ત્રીજા ક્રમે છે. બાંગ્લાદેશનું ખાતું હજુ ખુલ્યું નથી. ભારત, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ ત્રણેયને સેમિ ફાઈનલ અગાઉ એક-એક મેચ રમવાની છે. આવો ગ્રુપ 1 ની ચારેય ટીમનું સેમિ ફાઇનલ સમીકરણ સમજીએ.
ભારત
ભારતીય ટીમ 2 મેચ રમ્યું છે અને બન્ને મેચમાં વિજય મેળવ્યો છે. તેના 4 પોઇન્ટ છે. ટીમ ઇન્ડિયાનું સમીકરણ એકદમ સરળ છે. જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવશે તો તે સેમિ ફાઇનલમાં પહોંચી જશે. જ્યાં સુધી ભારત મોટા અંતરથી ન હારે ત્યાં સુધી ઓસ્ટ્રેલિયા સામેની હારની તેમના પર કોઈ અસર થશે નહીં. હાલમાં ભારતનો નેટ રનરેટ +2.425 છે.
જો ભારતને ઓસ્ટ્રેલિયા સામે મોટી હાર મળે અને અફઘાનિસ્તાન બાંગ્લાદેશ સામે મોટા માર્જીનથી જીતે તો જ તેની બહાર થવાની શક્યતા રહે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન નેટ રનરેટના આધારે ભારતને પાછળ છોડી શકે છે.
ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયાના 2 મેચમાં 1 જીત અને 1 હાર સાથે 2 પોઇન્ટ છે. અફઘાનિસ્તાન સામે હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ હાલ મુશ્કેલીમાં ફસાયેલી છે. હવે તેણે 24 જૂને સેન્ટ લૂસિયામાં રમાનારી મેચમાં ભારતને હરાવવું પડશે. આ સિવાય બાંગ્લાદેશની મદદની પણ જરૂર પડશે અને આશા છે કે બાંગ્લાદેશ તેની છેલ્લી મેચમાં અફઘાનિસ્તાનને હરાવે.
આ પણ વાંચો – હવે આ 8 ટીમો વચ્ચે વર્લ્ડ ચેમ્પિયન બનવા જંગ, જાણો શું છે તાકાત અને નબળાઇ
ઓસ્ટ્રેલિયાનો હાલનો નેટ રનરેટ +0.223 છે. જો તેઓ ભારત સામે હારી જાય તો તેમને બાંગ્લાદેશના ટેકાની જરુર પડશે. તે પછી જો બાંગ્લાદેશ અફઘાનિસ્તાનને હરાવે તો ત્રણ ટીમોના બે-બે પોઈન્ટ થઈ જશે અને નેટ રનરેટના આધારે નિર્ણય લેવાશે.

અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાનના 2 મેચમાં 1 જીત અને 1 હાર સાથે 2 પોઇન્ટ છે. અફઘાનિસ્તાનની ટીમે સેમિ ફાઈનલમાં પ્રવેશવા માટે બાંગ્લાદેશને હરાવવું પડશે. તેમજ ભારત ઓસ્ટ્રેલિયાને હરાવે તેવી પણ આશા રાખવી પડશે. જો અફઘાનિસ્તાન બાંગ્લાદેશ સામે હારે તો આશા રાખવી પડે કે ઓસ્ટ્રેલિયા ભારત સામે મોટા અંતરથી હારે. અફઘાનિસ્તાનનો નેટ રનરેટ હાલ -0.650 છે. જો ઓસ્ટ્રેલિયા જીતશે તો અફઘાનિસ્તાને બાંગ્લાદેશ સામે મોટા અંતરથી જીતવું પડશે.
બાંગ્લાદેશ
બાંગ્લાદેશના 2 મેચમાં 2 હાર સાથે 0 પોઇન્ટ છે. બાંગ્લાદેશને ક્વોલિફાય થવા માટે ચમત્કારની જરુર છે. જોકે ટેક્નિકલી તે હજુ પણ રેસમાં છે. બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે મોટા અંતરથી જીતવું પડશે. આ સિવાય તેણે આશા રાખવી પડે કે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને મોટા માર્જીનથી હરાવે. આવા સંજોગોમાં ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના 2-2 પોઇન્ટ થા. આ પછી નેટ રનરેટ ઉપર ટીમ ક્વોલિફાય થાય. બાંગ્લાદેશનો નેટ રનરેટ હાલ -2.489 છે.





