T20 World Cup 2024 : ટી 20 વર્લ્ડ કપ 2024માં લીગ રાઉન્ડ સમાપ્ત થઇ ગયો છે. હવે સુપર 8 રાઉન્ડ શરુ થઈ ગયો છે. સુપર 8 માં કુલ 8 ટીમો પહોંચી છે. સુપર 8 માં બે ગ્રુપ પાડવામાં આવ્યા છે. ગ્રુપ 1 માં જેમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ અને ભારત સામેલ છે. જ્યારે ગ્રુપ 2 માં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, અને વેસ્ટ ઇન્ડીઝનો સમાવેશ થાય છે. હવે આ 8 ટીમો વચ્ચે જંગ ખેલાશે. લીગ રાઉન્ડમાં કેવું છે તેમનું પ્રદર્શન જીતવા કેટવી તક છે તેના વિશે વિગતવાર જાણીએ.
ભારત
ટી 20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ ગ્રુપ રાઉન્ડમાં 4 મેચ રમ્યું હતું. જેમાં 3 મેચમાં વિજય થયો હતો અને 1 મેચ રદ થઇ હતી. ભારત હજુ સુધી એકપણ મેચ હાર્યું નથી. સુપર 8 માં ભારત પોતાની પ્રથમ મેચ 20 જૂને અફઘાનિસ્તાન સામે રમવાનું છે.
તાકાત -દર વખતે ભારતની તાકાત બેટિંગ લાઇન અપ હોય છે. જોકે આ વખતે બોલરોએ રંગ રાખ્યો છે. હાર્દિક પંડયા અને અર્શદીપે 7-7 વિકેટ ઝડપી છે. આ સિવાય બુમરાહ પણ ફોર્મમાં છે.
નબળાઇ – વિરાટ કોહલી અને રોહિત શર્માનું ફોર્મ ભારત માટે ચિંતાનો વિષય છે.
અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાને ગ્રુપ રાઉન્ડમાં 4 મેચમાંથી 3 મેચમાં વિજય મેળવ્યો છે અને 1 મેચમાં પરાજય થયો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની અંતિમ મેચ સિવાય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેણે ન્યૂઝીલેન્ડ જેવી મજબૂત ટીમને હરાવી સુપર 8 માં સ્થાન મેળવ્યું છે.
તાકાત – અફઘાનિસ્તાનના બેટ્સમેન ગુરબાઝ (167 રન) અને ઇબ્રાહિમ ઝાદરાન (152 રન)શાનદાર ફોર્મમાં છે. બોલિંગમાં પણ ફારુકી 12 વિકેટ ઝડપી નંબર વન છે.
નબળાઇ – નિર્ણાયક મેચમાં સારું પ્રદર્શન કરી શકતી નથી.
ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયાએ ગ્રુપ રાઉન્ડમાં 4 મેચમાંથી ચારેય મેચમાં વિજય મેળવી શાનદાર ફોર્મ બતાવ્યું છે. તેને એકપણ મેચ ગુમાવી નથી.
તાકાત – આઈસીસીની ટૂર્નામેન્ટ આવે ત્યારે ટીમ હંમેશા પ્રભુત્વ સાથે પ્રદર્શન કરે છે. સ્ટોઇનિસ, ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર શાનદાર ફોર્મમાં છે.
નબળાઇ – કેપ્ટન માર્શ ખાસ ફોર્મ બતાવી શક્યો નથી. આ સિવાય એડમ ઝમ્પાને છોડીને બોલરો પણ ખાસ લયમાં જોવા મળ્યા નથી.
બાંગ્લાદેશ
બાંગ્લાદેશનો ગ્રુપ રાઉન્ડની 4 મેચમાંથી 3 માં વિજય થયો હતો અને 1 મેચમાં પરાજય થયો હતો. ટીમનો એકમાત્ર દક્ષિણ આફ્રિકા સામે પરાજય થયો હતો.
તાકાત – બાંગ્લાદેશની તાકાત તેની લડાયક ટીમ ભાવના છે. એક ટીમ તરીકે રમીને હરીફ ઉપર હાવી થઇ જાય છે. બેટિંગમાં બેસ્ટ પર્ફોમન્સ તોવહીદ હડોયનું (95 રન) રહ્યું છે. બોલિંગમાં બેસ્ટ પ્રદર્શન તન્ઝીમ હસન શાકીબનું (9 વિકેટ) રહ્યું છે.
નબળાઇ – નિર્ણાયક મેચ હોય ત્યારે દબાણમાં સારું પ્રદર્શન કરી શકતી નથી. ટોપ ઓર્ડર શાનદાર પ્રદર્શન કરી શક્યા નથી.
આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપમાં સુપર 8 ની ટીમો થઇ ગઇ ફાઇનલ, જાણો ભારત અને અન્ય ટીમોનો કાર્યક્રમ
ઇંગ્લેન્ડ
ઇંગ્લેન્ડનો ગ્રુપ રાઉન્ડમાં 4 મેચમાંથી 2 મેચમાં વિજય થયો છે, એક મેચમાં પરાજય થયો છે અને એક મેચ રદ થઇ હતી. તે માંડ-માંડ સુપર 8 માં પહોંચ્યું હતું.
તાકાત – ઇંગ્લેન્ડની તાકાત તેની બેટિંગ લાઇનઅપ છે. ટીમ પાસે જોશ બટલર, ફિલ સોલ્ટ, જોની બેયરસ્ટો જેવા શાનદાર પ્લેયર છે.
નબળાઇ – ટીમના સ્ટાર ખેલાડીઓ અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરી શક્યા નથી. બોલિંગમાં પણ ખાસ કમાલ જોવા મળ્યો નથી.
દક્ષિણ આફ્રિકા
દક્ષિણ આફ્રિકાએ ગ્રુપ સ્ટેજમાં 4 મેચમાંથી ચારેય મેચમાં વિજય મેળવ્યો હતો. તેને હજુ એકપણ મેચ ગુમાવી નથી.
તાકાત – મજબૂત બેટિંગ લાઇનઅપ છે જેના કારણે લો ઓર્ડરમાં પણ બેટ્સમેનો રહે છે. ડેવિડ મિલર ફોર્મમાં છે. નોર્તજે 9 વિકેટ ઝડપી શાનદાર ફોર્મમાં છે.
નબળાઇ – આઈસીસી ટૂર્નામેન્ટમાં મહત્વની મેચમાં ચોકર્સ સાબિત થાય છે. બોલરો વધારે લયમાં જોવા મળી રહ્યા નથી.
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએ ગ્રુપ રાઉન્ડમાં 4 મેચમાંથી 2 માં વિજય, એકમાં પરાજય અને એક રદ સાથે 5 પોઇન્ટ સાથે સુપર 8 માં પ્રવેશ કર્યો હતો. પાકિસ્તાન જેવી મજબૂત ટીમને હરાવી બધાને ચોંકાવી દીધા છે.
તાકાત – ટીમ પાસે મોનાંક પટેલ અને એરોન જોન્સ જેવા શાનદાર બેટ્સમેનો છે. પાકિસ્તાન જેવી ટીમને હરાવ્યા પછી આત્મવિશ્વાસ મજબૂત છે.
નબળાઇ – ટીમ વધારે મેચો રમી નથી તેથી વર્લ્ડ કપ જેવી ટૂર્નામેન્ટમાં રમવાનો વધારે અનુભવ નથી.
વેસ્ટ ઇન્ડીઝ
વેસ્ટ ઇન્ડીઝે ગ્રુપ રાઉન્ડમાં 4 મેચમાંથી બધીય મેચમાં વિજય મેળવ્યો છે.એકપણ મેચમાં હજુ પરાજય થયો નથી.
તાકાત – વેસ્ટ ઇન્ડીઝની તાકાત તેની આક્રમક બેટિંગ લાઇનઅપ છે. બેટિંગમાં નિકોલસ પૂરન (164 રન) અને બોલિંગમાં એકેલ હુસેન અને જોસેફ 9-9 વિકેટ ઝડપી શાનદાર ફોર્મમાં છે. પોતાના ઘરઆંગણે રમવાનો ફાયદો થશે.
નબળાઇ – ટીમમાં સાતત્યનો અભાવ છે. એક મેચમાં રેકોર્ડ બ્રેક પ્રદર્શન કરે તો બીજી મેચમાં નબળી ટીમ સામે પણ હારી જાય છે.