West Indies vs South Africa T20 WC 2024: વેસ્ટ ઈન્ડિઝને 3 વિકેટથી હરાવી દક્ષિણ આફ્રિકા ટી20 વર્લ્ડ 2024 સેમી ફાઈનલમાં પહોંચ્યું છે. સુપર-8 ગ્રુપ 2 માં દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ બંને ટીમ સેમી ફાઇનલમાં પહોંચી છે. વેસ્ટ ઇન્ડિઝને હરાવી સતત સાત મેચ જીતવાનો દક્ષિણ આફ્રિકાએ અનોખો વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો છે.
ટી20 વિશ્વ કપ 2024 સુપર-8 મુકાબલો ચાલી રહ્યો છે. સોમવારે સવારે રમાયેલી વેસ્ટ ઈંન્ડિઝ વિ દક્ષિણ આફ્રિકા મેચ રમાઇ હતી. વેસ્ટ ઇન્ડિઝને 3 વિકેટથી હરાવી દક્ષિણ આફ્રિકા ટી20 વિશ્વ કપ 2024 સેમી ફાઇનલમાં પહોંચી ગયું છે. આ મેચમાં વરસાદે વિક્ષેપ પાડતાં મેચનું પરિણામ ડકવર્થ લુઈસ (ડીએલએસ) પધ્ધતિથી આપવામાં આવ્યું હતું.
વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતી પહેલા બેટીંગ કરી હતી. 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 135 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા બેટીંગમાં ઉતર્યું હતું અને 2 ઓવર બાદ સ્કોર 2 વિકેટ પર 15 રન હતો ત્યારે વરસાદ પડ્યા હતા. વરસાદ બાદ ફરીથી મેચ શરુ કરાતાં દક્ષિણ આફ્રિકાને 17 ઓવરમાં 123 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો.
દક્ષિણ આફ્રિકાની શરુઆત નબળી રહી હતી. ટારગેટ પુરો કરવો કઠીન લાગતું હતું જોકે 16.1 ઓવરમાં સાત વિકેટ ગુમાવી દક્ષિણ આફ્રિકાએ મેચ જીતી લીધી હતી. માર્કો યાનસેન 14 બોલમાં 21 રન, ટ્રિસ્ટન સ્ટબ્સ 29 રન અને હેનરિંક ક્લાસને 22 રનની મહત્વની ઇનિંગ રમી હતી.
આ પણ વાંચો : જોર્ડને લીધી હેટ્રિક, રચ્યો ઈતિહાસ
વેસ્ટ ઈન્ડિઝ સામેની આ જીત સાથે દક્ષિણ આફ્રિકા ટી20 વિશ્વ કપ 2024 ની સેમી ફાઇનલમાં પહોંચી ગયું છે. ત્રણ મેચ જીતી દક્ષિણ આફ્રિકા સુપર-8 ગ્રુપ 2 માં ટોપ પર છે. જ્યારે સેમી ફાઇનલમાં પહોંચનાર બીજી ટીમ ઈંગ્લેન્ડ બની છે.