T20 World Cup 2024 : ટી 20 વર્લ્ડ કપ 2024 આ વર્ષે વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકાની સંયુક્ત યજમાનીમાં આયોજિત કરવામાં આવશે. 2 જૂનથી ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત થશે. ભારતીય ટીમ 5 જૂનથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પહેલા 1 જૂને બાંગ્લાદેશ સામે વોર્મઅપ મેચ રમશે. ટી 20 વર્લ્ડ કપ 2024માં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે. આ વર્લ્ડ કપમાં 20 ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે અને દરેક ગ્રુપમાં 5-5 ટીમો છે. ટી 20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સામે ખાસ રેકોર્ડ નથી. આવો જાણીએ ટી 20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો દરેક ટીમ સામે કેવો છે રેકોર્ડ.
ટી 20 વર્લ્ડ કપમાં ભારતનો દરેક ટીમ સામે રેકોર્ડ
ભારતીય ટીમ ટી 20 વર્લ્ડ કપમાં કટ્ટર હરિફ પાકિસ્તાન સામે સાત વખત ટકરાઇ છે. જેમાં ભારતે પાકિસ્તાનને 6 મેચમાં હરાવ્યું છે. ભારતનો ફક્ત એક મેચમાં જ પરાજય થયો છે. 9 જૂને ટીમ ઈન્ડિયા ન્યૂયોર્કમાં પાકિસ્તાન સામે રમશે.
બાંગ્લાદેશ સામે ભારતીય ટીમના રેકોર્ડ પર નજર કરીએ તો ટી 20 વર્લ્ડ કપમાં બંને ટીમો ચાર વખત ટકરાઇ છે. જેમાં ભારતે ચારેય મેચ જીતી છે. બાંગ્લાદેશ ભારત સામે એક પણ મેચ જીતી શક્યું નથી.
ટી 20 વર્લ્ડ કપમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 6 મેચો રમાઇ છે. જેમાં ભારતે દક્ષિણ આફ્રિકા સામે ચાર વખત જીત મેળવી છે. જ્યારે દક્ષિણ આફ્રિકાનો 2 મેચમાં વિજય થયો છે.
ટીમ ઈન્ડિયાનો વેસ્ટ ઈન્ડીઝ સામે રેકોર્ડ સારો નથી. ટી 20 વર્લ્ડ કપમાં બંને ટીમો ચાર વખત આમને-સામને ટકરાઇ છે. જેમાં વેસ્ટ ઈન્ડીઝનો 3 મેચમાં વિજય થયો છે. 1 મેચમાં ભારતનો વિજય થયો છે.
ભારતીય ટીમનો ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સામે શરમજનક રેકોર્ડ છે. ટીમ બંને ટીમો સામે એક પણ મેચ જીતી શકી નથી. ટીમ ઈન્ડિયાનો ટી 20 વર્લ્ડ કપમાં ત્રણ વખત ન્યૂઝીલેન્ડ સામે મુકાબલો થયો છે જેમાં ભારત એક પણ મેચ જીતી શક્યું નથી.
બીજી તરફ ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે ટી 20 વર્લ્ડ કપમાં 2 મેચો રમાઇ છે. બન્ને મેચમાં શ્રીલંકાનો વિજય થયો છે. ભારત શ્રીલંકા સામે એકપણ મેચ જીતી શક્યું નથી.
અફઘાનિસ્તાન સામે ભારતીય ટીમનો દબદબો યથાવત છે. ટી 20 વર્લ્ડ કપમાં બંને ટીમો ત્રણ વખત સામસામે આવી ચુકી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ ત્રણેય મેચમાં જીત મેળવી છે.
આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપ 2024 : 2007 થી 2022 સુધી, કઈ ટીમ બની છે વર્લ્ડ ચેમ્પિયન
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ભારતીય ટીમના રેકોર્ડ પર નજર કરીએ તો ટી 20 વર્લ્ડ કપમાં બંને ટીમો પાંચ વખત સામસામે આવી ચુકી છે. ભારતે આમાંથી ત્રણ મેચ જીતી છે જ્યારે બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. વન-ડે વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું. આવી સ્થિતિમાં ભારતે આગામી વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાથી સાવધ રહેવું પડશે.
ટી 20 વર્લ્ડ કપમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે કુલ 4 મેચો રમાઇ છે. જેમાં ભારત બે વખત જીત્યું છે અને બે વખત હાર્યું છે. એટલે કે બન્નનેું સમાન પ્રભુત્વ છે.
આયર્લેન્ડ સામે ભારતનો રેકોર્ડ હંમેશા શાનદાર રહ્યો છે. ટી 20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી બંને ટીમો વચ્ચે માત્ર એક જ મેચ રમાઈ છે. જેમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો છે.
આ સાથે જ નામીબિયા સામે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ શાનદાર છે. ટી 20 વર્લ્ડ કપમાં બંને ટીમો એકવાર આમને-સામને ટકરાયા છે. ભારતે આ મેચ જીતી લીધી છે.
ભારત અને નેધરલેન્ડ ટી 20 વર્લ્ડ કપમાં એક જ વાર આમને-સામને ટકરાયા છે. જેમાં ભારતનો વિજય થયો છે.
ટી 20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો બે વખત સ્કોટલેન્ડ સામે મુકાબલો થયો છે. આમાં ભારતે એક મેચ જીતી છે જ્યારે એક મેચ અનિર્ણિત રહી છે.
ટી 20 વર્લ્ડ કપમાં ભારત અને ઝિમ્બાબ્વે માત્ર એક જ વાર આમને-સામને ટકરાયા છે. જેમાં ભારતનો વિજય થયો છે.