T20 World Cup 2024 : ટી-20 વર્લ્ડ કપ 2024 આઈપીએલ 2024 પછી તરત જ યોજાવાનો છે. અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝની યજમાનીમાં યોજાનારી આ મેગા ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આઇપીએલ 2024 નિર્ણાયક બની રહેશે. ભારતીય ટીમ મેનેજમેન્ટની નજર કેટલાક ખેલાડીઓના પર્ફોમન્સ પર છે. જેમાં લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી)ના કેપ્ટન કેએલ રાહુલનો સમાવેશ થાય છે.
પગમાં થયેલી ઈજાના કારણે રાહુલ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં માત્ર એક જ મેચ રમ્યો હતો. જોકે ટી-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને તે આઇપીએલમાં વિકેટ કીપિંગ કરી રહ્યો છે. ભારતીય ટીમમાં વિકેટકીપરનું સ્થાન ખાલી હોવાથી રાહુલ વિકેટ કીપિંગ કરી રહ્યો છે. તે વન-ડે વર્લ્ડ કપમાં વિકેટકીપર તરીકે મિડલ ઓર્ડરમાં રમ્યો હતો. આવી સ્થિતિમાં ટી -20 વર્લ્ડ કપ 2024માં તેને આ વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યો છે.
જોકે રાહુલને ભારત તરફથી ટી-20 રમ્યાને લગભગ દોઢ વર્ષ થઈ ગયું છે. તે છેલ્લે 2022ના અંતમાં ઓસ્ટ્રેલિયામાં યોજાયેલા ટી-20 વર્લ્ડ કપમાં ભારત તરફથી ટી-20 રમ્યો હતો. આવી સ્થિતિમાં સિલેક્શન માટે આઇપીએલના પર્ફોમન્સ અંગે વિચારણા કરવામાં આવશે. જો આમ થશે તો રાહુલની પસંદગી મુશ્કેલ બની જશે.
આ પણ વાંચો – આઈપીએલ 2024 રેકોર્ડ્સ : રોહિત શર્માએ તોડ્યો ધોનીનો રેકોર્ડ, બુમરાહે પણ મેળવી ખાસ સિદ્ધિ
સ્ટ્રાઇક રેટ સિલેક્શનના માપદંડ બનશે તો પત્તુ કપાશે
વિરાટ કોહલીએ સદી ફટકાર્યા બાદ પણ તેના સ્ટ્રાઇક રેટની ટીકા થઇ રહી છે. જો ટી 20 વર્લ્ડકપમાં સ્ટ્રાઇક રેટ સિલેક્શન માપદંડ છે તો સિલેક્ટર્સ સૌથી પહેલા આ લિસ્ટમાંથી કેએલ રાહુલનું નામ કાપી નાખશે. આઇપીએલ 2023થી લઇને અત્યાર સુધી એટલે કે આઇપીએલ 2024ની 21મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલા મુકાબલા સુધી કેએલ રાહુલ 13 ઇનિંગ્સ રમ્યો છે. જેમાં તેણે 33.33ની એવરેજથી 400 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 અડધી સદી ફટકારી છે.
કેએલ રાહુલનો સ્ટ્રાઇક રેટ 117.64
કેએલ રાહુલનો સ્ટ્રાઇક રેટ 117.64 નો રહ્યો છે. આઇપીએલમાં આ સમયગાળામાં 57 ખેલાડીઓએ 150થી વધુ બોલનો સામનો કર્યો છે. રાહુલ એકમાત્ર એવો બેટ્સમેન છે જેનો સ્ટ્રાઇક રેટ 120થી ઓછો છે. આ સમયગાળામાં ઓછામાં ઓછા 300 રન બનાવનારા બેટ્સમેનોમાં રાહુલનો સ્ટ્રાઇક રેટ સૌથી ઓછો છે. બીજા નંબર પર મયંક અગ્રવાલ છે. તેનો સ્ટ્રાઇક રેટ 125.6 છે. આ બંને સિવાય કોઇ પણ ભારતીય બેટ્સમેનનો સ્ટ્રાઇક રેટ 130થી ઓછો નથી.





