T 20 World Cup 2024 : ઈંગ્લેન્ડ સામેની પાંચેય ટેસ્ટની આખી શ્રેણીમાંથી બ્રેક પર રહેલા ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની ટી 20 વર્લ્ડ કપમાં રમવાને લઇને મોટી જાણકારી સામે આવી છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કોહલી આ વર્ષે જૂનમાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે. ધ ટેલિગ્રાફના રિપોર્ટ અનુસાર વિરાટનું ટી 20 વર્લ્ડકપમાં રમવાનું હજુ નક્કી નથી.
વિરાટ કોહલી પર કઠોર નિર્ણય લેવા સિલેક્ટર્સ તૈયાર
રોહિત શર્માને લઇને ટીમ મેનેજમેન્ટે પુષ્ટિ કરી છે કે ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ તેની કેપ્ટન્સી હેઠળ જ રમશે.બીજી તરફ કોહલીને લઇને મેનેજમેન્ટ હજુ પણ ચૂપ છે. ટેલિગ્રાફના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટ કોહલી સામે આકરા નિર્ણય લેવા માટે તૈયાર છે. બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે પણ રાજકોટમાં એક કાર્યક્રમ દરમિયાન રોહિતના રમવા પર પુષ્ટિ કરી હતી. પરંતુ વિરાટ અંગે તેમણે કહ્યું હતું કે તેની ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવશે.
વિરાટ કોહલીને વેસ્ટ ઇન્ડીઝની ધીમી પિચ માફક નથી?
વિરાટ કોહલીની ગેરહાજરી અંગે પસંદગીકારોનું પણ માનવું છે કે વેસ્ટ ઈન્ડીઝની ધીમી પીચ કોહલીને માફક આવતી નથી, તેથી તેને આ ટૂર્નામેન્ટથી દૂર રાખી શકાય છે. વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડીઝમાં 3 ટી-20 મેચ રમી છે જેમાં તેણે 37.33ની એવરેજથી 112 રન બનાવ્યા છે. જેમાં એક અડધી સદીનો પણ સમાવેશ થાય છે. કોહલી વેસ્ટ ઈન્ડિઝમાં 19 વન ડે રમ્યો છે જેમાં તેણે 58.92ની એવરેજથી 825 રન ફટકાર્યા છે. વન ડેમાં પણ કોહલીએ વેસ્ટ ઈન્ડીઝમાં રમતાં 4 સદી ફટકારી છે.
આ પણ વાંચો – આઈપીએલ 2024 પછી એમએસ ધોનીનો ઉત્તરાધિકારી કોણ હશે?
મેનેજમેન્ટ યુવા ખેલાડીઓને પ્રમોટ કરવા માંગે છે
આ ઉપરાંત ટીમ મેનેજમેન્ટ એ પણ વિચારી રહ્યું છે કે ટી-20 વર્લ્ડ કપમાં સૂર્યકુમાર યાદવ, રિંકુ સિંહ, તિલક વર્મા અને શિવમ દુબે જેવા સ્ટાર ખેલાડીઓને રમાડવામાં આવે. આ ખેલાડીઓને શોર્ટ ફોર્મેટ માટે વધુ યોગ્ય માનવામાં આવે છે. વિરાટની રમત અંગેનો નિર્ણય બીસીસીઆઈ નહીં પરંતુ રાષ્ટ્રીય પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટે લેવાનો છે.
કેએલ રાહુલ પર પણ સસ્પેન્સ
પસંદગીકારોએ ટી-20 વર્લ્ડ કપ માટે ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે. જોકે વિકેટકીપરની ભૂમિકાને લઇને હજુ પણ માથાપચ્ચી થઇ રહી છે. આ સમયે ટીમ મેનેજમેન્ટ માટે ઋષભ પંત અને કેએલ રાહુલની ફિટનેસ ચિંતાનો વિષય છે. પંતે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કર્યું નથી. સાથે જ રાહુલ એનસીએમાં પણ ઇજાના કારણે રિહેબિલિટેશન કરી રહ્યો છે. આમ જોવા જઈએ તો એવું માનવામાં આવી રહ્યું છે કે રાહુલ સિલેક્ટર્સની પહેલી પસંદ બની શકે છે. જોકે ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ કરનારા ધ્રુવ જુરેલનું નામ પણ રેસમાં છે. આ ઉપરાંત જીતેશ શર્મા પણ આ રેસમાં છે.





