T20 World Cup 2024 WI vs ENG Highlights : ફિલ સોલ્ટના અણનમ 87 રનની મદદથી ઇંગ્લેન્ડે ટી 20 વર્લ્ડ કપ 2024માં સુપર 8 માં વેસ્ટ ઇન્ડીઝે સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝે 20 ઓવરમાં 4 વિકેટે 180 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે 17.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. ઇંગ્લેન્ડે સુપર 8 માં જીત સાથે શરૂઆત કરી છે.
આ પરાજય સાથે જ વેસ્ટ ઈન્ડીઝનો ટી-20 ઈન્ટરનેશનલમાં સતત 8 મેચોની જીતનો સિલસિલો સમાપ્ત થઈ ગયો હતો. આ સિવાય આ વર્લ્ડ કપમાં પ્રથમ પરાજય થયો છે.
બેયરસ્ટો-સોલ્ટે આક્રમક બેટિંગ
ઈંગ્લેન્ડની જીતના હીરો ફિલ સોલ્ટ અને જોની બેરસ્ટો હતા. બંનેએ ત્રીજી વિકેટ માટે માત્ર 44 બોલમાં અણનમ 97 રનની ભાગીદારી નોંધાવીને વેસ્ટ ઈન્ડીઝના હાથમાંથી મેચ છીનવી લીધી હતી. સોલ્ટે 47 બોલમાં અણનમ 87 રન બનાવ્યા હતા. જેમાં સાત ફોર અને પાંચ સિક્સર સામેલ હતી.
આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપ 2024, દક્ષિણ આફ્રિકાનો અમેરિકા સામે વિજય
બેયરસ્ટોએ 26 બોલમાં અણનમ 48 રન બનાવ્યા હતા. બેયરસ્ટોએ પોતાની ઈનિંગમાં પાંચ ફોર અને બે સિક્સર ફટકારી હતી. કેપ્ટન જોસ બટલરે પણ 25 રનનું યોગદાન આપ્યું હતું. વેસ્ટ ઈન્ડીઝ તરફથી આન્દ્રે રસેલ અને રોસ્ટન ચેઝે એક-એક વિકેટ ઝડપી હતી.
વેસ્ટ ઇન્ડીઝના ચાર વિકેટે 180 રન
આ પહેલા મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડીઝે ચાર વિકેટે 180 રન બનાવ્યા હતા. જોહન્સન ચાર્લ્સે 34 બોલમાં 4 ફોર, 2 સિક્સર સાથે 38 રન ફટકાર્યા હતા. કેપ્ટન રોવમેન પોવેલે 17 બોલમાં 5 સિક્સર સાથે 36 રન બનાવ્યા હતા.
નિકોલસ પૂરને 32 બોલમાં 4 ફોર 1 સિક્સર સાથે 36 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચર, આદિલ રાશિદ, મોઇન અલી અને લિયામ લિવિંગસ્ટોને એક-એક વિકેટ ઝડપી હતી.
બ્રાન્ડન કિંગ ઇજાગ્રસ્ત થયો
વેસ્ટ ઈન્ડીઝે મેચમાં શાનદાર શરૂઆત કરી હતી. બ્રાન્ડન કિંગ અને જોન્સન ચાર્લ્સે પાંચ ઓવરમાં વિના વિકેટે 40 રન બનાવ્યા હતા. આ દરમિયાન કિંગને સેમ કરનનો બોલ હાથમાં વાગ્યો હતો અને ઈજાના કારણે તેને મેદાન છોડવું પડ્યું હતું.