t20 world cup 2026 schedule : ભારત અને શ્રીલંકામાં રમાનાર 2026નો ટી20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ વચ્ચે રમાઇ શકે છે. તેમાં 20 ટીમો ભાગ લેશે. આ મેચો ભારતમાં ઓછામાં ઓછા પાંચ સ્થળો પર અને શ્રીલંકામાં બે સ્થળોએ રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ રમાશે તેવી શક્યતા છે.
જો પાકિસ્તાન ટીમ ફાઇનલ મેચમાં પહોંચશે તો મેચ કોલંબોમાં યોજાશે. ખરાબ સંબંધોને કારણે ભારત અને પાકિસ્તાન એકબીજાના દેશોમાં રમી રહ્યા નથી. ઇએસપીએન ક્રિકઇન્ફોના જણાવ્યા અનુસાર આઇસીસી હજુ કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપી રહ્યું છે. તેણે વિંડો નક્કી કરી લીધી છે અને ભાગ લેનારા દેશોને જાણ કરી છે. આ ફોર્મેટ 2024માં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાયેલા ટી-20 વર્લ્ડ કપ જેવું જ હશે.
આ ટૂર્નામેન્ટમાં 55 મેચ રમાશે
20 ટીમોને પાંચ-પાંચના ચાર ગ્રુપમાં વહેંચવામાં આવશે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સુપર એઈટ રાઉન્ડમાં ક્વોલિફાય થશે. બે ગ્રુપમાં ચાર-ચાર ટીમો રમશે. બંને ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિ ફાઈનલમાં પ્રવેશશે. ટૂર્નામેન્ટમાં 55 મેચ રમાશે. ભારત હાલ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. તેણે બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું.
15 ટીમો નક્કી
2026ના ટી-20 વર્લ્ડ કપ માટે 15 ટીમો નક્કી થઇ ગઇ છે. જેમાં ભારત, શ્રીલંકા, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, યુએસએ, વેસ્ટ ઇન્ડીઝ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, નેધરલેન્ડ અને ઇટાલીનો સમાવેશ થાય છે. બાકીની પાંચ ટીમોમાંથી, બે આફ્રિકા રિજનલ ક્વોલિફાયરમાંથી અને ત્રણ એશિયા અને પૂર્વ એશિયા પેસિફિક ક્વોલિફાયરમાંથી આવશે.
આ પણ વાંચો – ઇંગ્લેન્ડે 342 રને જીત મેળવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, જુઓ વન-ડેમાં અત્યાર સુધીના 5 સૌથી મોટા વિજય
વ્યસ્ત કાર્યક્રમ
ભારત 2026ના પ્રથમ ચાર મહિનામાં અનેક મોટી ઇવેન્ટ્સનું આયોજન કરશે. જેની શરૂઆત વિમેન્સ પ્રીમિયર લીગ (ડબલ્યુપીએલ)થી થશે, જેની તારીખો હજુ નક્કી થઈ નથી. બીસીસીઆઇએ પાંચ ટીમોની આ ટૂર્નામેન્ટ માટે જાન્યુઆરીના પ્રારંભથી લઈને ફેબ્રુઆરીની શરુઆત વચ્ચેનો સમય નક્કી કર્યો છે. ડબલ્યુપીએલ પછી ટી 20 વર્લ્ડ કપ આવશે. આ પછી આઇપીએલ 15 માર્ચથી 31 મે સુધી યોજાઈ શકે છે. ભારતમાં 11 થી 31 જાન્યુઆરી દરમિયાન ન્યૂઝીલેન્ડ સામે વન ડે અને ટી-20 પણ રમશે.