T20 World Cup 2026 tickets : ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં રમાનાર ટી-20 વર્લ્ડ કપ 2026 ની ટિકિટો ગુરુવારે (11 ડિસેમ્બર) ભારતીય સમય પ્રમાણે સાંજે 6.45 વાગ્યાથી ચાહકો માટે ઉપલબ્ધ થશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી) એ આ જાહેરાત કરી છે. આઇસીસીએ એ પણ માહિતી આપી છે કે ચાહકો કેટલાક વેન્યૂ પર કેટલીક ખાસ મેચોની ટિકિટ માત્ર 100 રૂપિયામાં બુક કરાવી શકે છે, જેથી વધુને વધુ લોકો મેચ જોઈ શકે. કેટલીક મેચો એવી પણ છે જેની ટિકિટ 150, 200 અને 300 રૂપિયાથી શરૂ થાય છે.
આઈસીસીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે આઈસીસીએ પ્રથમ તબક્કામાં ટિકિટ ખૂબ સસ્તી કરીને ચાહકો માટે મેન્સ ટી 20 વર્લ્ડ કપનો અનુભવ કરવા માટેના મુખ્ય અવરોધોમાંની એકને ઓછી કરી દીધી છે. ભારતમાં 100 રૂપિયા અને શ્રીલંકામાં 1000 લંકા રૂપિયાથી શરૂ થનાર કિંમતો અને 20 લાખથી વધુ ટિકિટોના વેચાણ સાથે આઇસીસીનું લક્ષ્ય સ્ટેડિયમ થનાર અનુભવ બધા માટે સુલભ બનાવવાનો છે.
ફેઝ 1 માટે ટિકિટ બુક કરવા માટે પ્રશંસકોએ https://tickets.cricketworldcup.com જવું પડશે.
આ મેચોની ટિકિટ 100 રૂપિયામાં મળશે
- ઇડન ગાર્ડન્સ ખાતે બાંગ્લાદેશ વિ ઇટાલી (9 ફેબ્રુઆરી).
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા વિ કેનેડા વચ્ચે (9 ફેબ્રુઆરી).
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા વિ અફઘાનિસ્તાન (11 ફેબ્રુઆરી).
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ વિ દક્ષિણ આફ્રિકા (14 ફેબ્રુઆરી)
- ઇડન ગાર્ડન્સ ખાતે ઇંગ્લેન્ડ વિ ઇટાલી (16 ફેબ્રુઆરી).
- ઇડન ગાર્ડન્સમાં વેસ્ટ ઇન્ડીઝ વિ ઈટાલી (19 ફેબ્રુઆરી).
આ પણ વાંચો – ગર્લફ્રેન્ડ મહિકા શર્માનો Video વાયરલ થવા પર હાર્દિક પંડ્યા પાપારાઝી પર થયો ગુસ્સે, કહી આવી વાત
ટી-20 વર્લ્ડ કપનો પ્રારંભ 7 ફેબ્રુઆરીથી થશે
ટી 20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરુ થશે અને 8 માર્ચ સુધી ચાલશે. જેમાં ભારત અને શ્રીલંકાના સાત શહેરોમાં 8 સ્થળોએ 55 મેચો રમાશે. આ ઈવેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે. ઈટાલી પ્રથમ વખત ટી-20 વર્લ્ડ કપમાં રમશે અને ટીમોને પાંચ-પાંચ ટીમોના ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. આ મેચ ભારતના પાંચ શહેરોમાં યોજાશે. જેમાં દિલ્હી, અમદાવાદ, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતાનો સમાવેશ થાય છે. શ્રીલંકા કોલંબો અને કેન્ડીમાં મેચોની યજમાની કરશે. કોલંબોમાં આર પ્રેમદાસા અને સિંહાલી સ્પોર્ટ્સ ક્લબ અને પલ્લેકેલે ખાતે મેચો રમાશે.





