T20 WORLD CUP 2022, INDIA vs PAKISTAN: આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો પ્રથમ મુકાબલો મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે થશે. છેલ્લા એક વર્ષમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 વખત મુકાબલો થયા છે. જેમાંથી 2 મેચમાં પાકિસ્તાનનો અને 1 મેચમાં ભારતનો વિજય થયો છે. હવે 23 ઓક્ટોબરે એક વર્ષની અંદર બન્ને વચ્ચે ચોથો મુકાબલો રમાશે.
ટી-20 વર્લ્ડ કપની મેચ પહેલા પાકિસ્તાનના ફાસ્ટ બોલર હારિસ રઉફ તરફથી ટીમ ઇન્ડિયાને ચેતવણી આપવામાં આવી છે. રઉફને બિગ બેશ લીગમાં રમવાના પોતાના અનુભવને કારણે ભારત સામે મેચમાં સફળતા મળવાનો પુરો વિશ્વાસ છે.
હારિસ રઉફે કહ્યું કે જો હું મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યો તો તેમના માટે મારી સામે રમવું આસાન રહેશે નહીં. હું ઘણો ખુશ છું કે આ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર થઇ રહ્યું છે. હારિસ રઉફ બીબીએલમાં મેલબોર્ન સ્ટાર્સ તરફથી રમે છે. તેણે કહ્યું કે આ મારું ઘરેલું મેદાન છે કારણ કે હું મેલબોર્ન સ્ટાર્સ તરફથી રમું છું. મને ખબર છે કે ત્યાં કેવી રીતે રમવાનું છે. મેં રણનીતિ બનાવવાની પણ શરુ કરી દીધી છે કે ભારત સામે કેવી રીતે બોલિંગ કરવાની છે.
રઉફે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં દબાણ ઘણું રહે છે. વર્લ્ડ કપ દરમિયાન મેં પણ ઘણું દબાણ અનુભવ્યું છે. જોકે એશિયા કપ 2022માં તે દબાણ ન હતું. કારણ કે મને ખબર હતી કે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું છે.
પાકિસ્તાને 2021ના વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા સામે 10 વિકેટે વિજય મેળવ્યો હતો. આ વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનનો પ્રથમ વિજય હતો.