T20 World Cup 2024 : અમેરિકા અને વેસ્ટ ઈન્ડીઝમાં ટી 20 વર્લ્ડ કપ 2024 શરૂ થવાના લગભગ એક મહિના પહેલા કેરેબિયન ટાપુઓ પરથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ક્રિકબઝના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ટી 20 વર્લ્ડ કપ 2024ને લઈને વેસ્ટ ઈન્ડીઝને આતંકી હુમલાની ધમકી મળી છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે વૈશ્વિક ક્રિકેટ ઇવેન્ટ પર સુરક્ષાનો ખતરો પાકિસ્તાનના ઉત્તર તરફથી આવ્યો છે. આ જ કારણ છે કે ક્રિકેટની વૈશ્વિક સંસ્થા એટલે કે આઈસીસીને આ સમગ્ર મુદ્દે નિવેદન જાહેર કરવું પડ્યું હતું.
ત્રિનિદાદના પીએમ કીથ રોલે કર્યો ખુલાસો
ત્રિનિદાદના વડા પ્રધાન કીથ રોલે આ વિશે ખુલાસો કરતા કહ્યું કે યજમાનો આ ખતરાને પહોંચી વળવા સુરક્ષાના વધારાના પ્રયત્નો કરશે. આવતા મહિને યોજાનારા ટી 20 વર્લ્ડ કપમાં ભારત સહિત 20 ટીમો ભાગ લેશે. વેસ્ટ ઈન્ડીઝમાં કેટલીક પ્રારંભિક રાઉન્ડની મેચો ઉપરાંત સમગ્ર સુપર 8 સ્ટેજ, સેમિ ફાઈનલ અને ફાઈનલ રમાશે. કીથ રોલે ત્રિનિદાદ ડેઇલી એક્સપ્રેસને જણાવ્યું હતું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે 21 મી સદીમાં પણ વિશ્વમાં આતંકવાદનો ખતરો અલગ-અલગ રૂપથી બનેલો છે.
ટી 20 વર્લ્ડ કપ 2024માં આતંકવાદી ખતરાના મુદ્દે આઇસીસીનું કહેવું છે કે અમે યજમાન દેશો અને શહેરોમાં અધિકારીઓ સાથે મળીને કામ કરીએ છીએ. અમારી ઇવેન્ટ માટે કોઈપણ જોખમોને ઘટાડવા માટે યોગ્ય યોજનાઓ અમલમાં છે. તેનું સતત નિરીક્ષણ અને મૂલ્યાંકન કરી રહ્યા છીએ.
દરેક પડકારનો સામનો કરવા માટે તૈયાર : વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ
ક્રિકબઝે ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝના સીઇઓ જોની ગ્રેવ્સના હવાલાથી લખ્યું કે અમે તમામ હિતધારકોને ખાતરી આપવા માંગીએ છીએ કે આઇસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપમાં દરેકની સલામતી અમારી પ્રથમ નંબરની પ્રાથમિકતા છે અને અમારી પાસે એક વ્યાપક અને મજબૂત સુરક્ષા યોજના છે. કેરેબિયન મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ઓફિસિઅલ્સ વર્લ્ડ કપના સંભવિત જોખમો પર નજર રાખી રહ્યા છે.
આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપ 2024ની ટીમમાં કેએલ રાહુલ અને રિંકુ સિંહની પસંદગી કેમ ના થઇ, અજીત અગરકરે જણાવ્યું કારણ
ટી-20 વર્લ્ડ કપ 1 થી 29 જૂન દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાવાનો છે. ત્રિનિદાદના ડેઇલી એક્સપ્રેસના એક અહેવાલમાં ટાપુના વડા પ્રધાન કીથ રોલેને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે કેરિકોમ અને સુરક્ષા એજન્સીઓ વર્લ્ડ કપમાં ખતરાને પહોંચી વળવા માટે કામ કરી રહી છે. બાર્બાડોસના પ્રાદેશિક સુરક્ષા અધિકારીઓ આઇસીસીની ઈવેન્ટના સંભવિત જોખમો પર નજર રાખી રહ્યા છે.
મીડિયા ગ્રુપ ‘નશીર-એ-પાકિસ્તાન’ તરફથી મળી માહિતી
જણાવવામાં આવ્યું છે કે પ્રો-ઇસ્લામિક સ્ટેટ (દાઇશ) દ્વારા વર્લ્ડ કપ પર સંભવિત ખતરા વિશેની ગુપ્ત માહિતી મીડિયા જૂથ ‘નશીર-એ-પાકિસ્તાન’ તરફથી મળી છે. ડેલી એક્સપ્રેસના મતે નશીર-એ-પાકિસ્તાન ઇસ્લામિક સ્ટેટ સમૂહ સાથે જોડાયેલી એક પ્રોપેગેન્ડા ચેનલ છે.
સ્પોર્ટ્સ આયોજન સામે હિંસા ભડકાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી
ચેતવણીમાં કહેવામાં આવ્યું કે પ્રો ઇસ્લામિક સ્ટેટ (આઈએસ) મીડિયા સોર્સેસે સ્પોર્ટ્સના આયોજનો સામે હિંસા ભડકાવવા માટે અભિયાન શરૂ કર્યું છે. તેમાં અફઘાનિસ્તાન-પાકિસ્તાન શાખાની, આઈએસખોરાસન (આઈએસ-કે)ના વીડિયો મેસેજ પણ સામેલ છે. તે ઘણા દેશોમાં થયેલા હુમલાઓ પર પ્રકાશ પાડ્યો છે અને આગ્રહ કર્યો છે કે સમર્થકો જે પણ દેશમાં હોય ત્યાં યુદ્ધમાં સામેલ થાય.
વેસ્ટ ઇન્ડીઝમાં વર્લ્ડ કપની મેચો એન્ટિગુઆ અને બાર્બુડા, બાર્બાડોસ, ગુયાના, સેન્ટ લ્યુસિયા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સ, ત્રિનિદાદ અને ટોબેગોમાં યોજાશે. અમેરિકાના ફ્લોરિડા, ન્યૂયોર્ક અને ટેક્સાસ શહેરોમાં પણ મેચો છે, પરંતુ અમેરિકામાં કોઈ ખતરો હોવાના સંકેત નથી. બંને સેમિફાઇનલ ત્રિનિદાદ અને ગુયાનામાં રમાશે, જ્યારે ફાઇનલ બાર્બાડોસમાં રમાવાની છે.





