તમિમ ઇકબાલ જ નહીં, આ 11 ક્રિકેટરોએ પણ નિવૃત્તિ પાછી ખેંચી હતી, ભારતનો 1 ખેલાડી સામેલ

Cricket News : હાલમાં જ બાંગ્લાદેશના સ્ટાર ખેલાડી તમિમ ઈકબાલે નિવૃત્તિની જાહેરાત કરી હતી અને એક દિવસ પછી નિવૃત્તિ પાછી ખેંચી લીધી. ક્રિકેટમાં ઘણા એવા ખેલાડીઓ છે જેમણે નિવૃત્તિ લીધી હોય અને પછી ફરી પરત ફર્યા હોય, આવા 11 ખેલાડીઓ પર નજર કરીએ.

Written by Ashish Goyal
Updated : August 02, 2023 17:45 IST
તમિમ ઇકબાલ જ નહીં, આ 11 ક્રિકેટરોએ પણ નિવૃત્તિ પાછી ખેંચી હતી, ભારતનો 1 ખેલાડી સામેલ
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદ અને ઇમરાન ખાન (ફાઇલ ફોટો)

ક્રિકેટમાં વર્ષ 2023માં નિવૃત્તિ પાછી ખેંચવાની બે ઘટના બની છે. એશિઝ શ્રેણી અગાઉ જેક લીચને ઈજા થઈ હતી. જેથી મોઈન અલી નિવૃત્તિ પાછી ખેંચીને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમમાં પરત ફર્યો હતો. આ ઉપરાંત હાલમાં જ બાંગ્લાદેશના સ્ટાર ખેલાડી તમિમ ઈકબાલે નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે એક દિવસ પછી જ તેણે નિવૃત્તિ પાછી ખેંચી લીધી હતી. જોકે તે 6 અઠવાડિયા સુધી મેદાનથી દૂર રહેશે. એવું નથી કે માત્ર મોઈન અલી અને તમિમ ઈકબાલે જ નિવૃત્તિ પરત ખેંચી હોય આવા ઘણા દાખલા છે.

પાકિસ્તાન માટે વર્લ્ડ કપ જીતનાર ઈમરાન ખાન, જાવેદ મિયાંદાદ, શાહિદ આફ્રિદી પણ નિવૃત્તિમાંથી પરત ફર્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યા છે. જેમાં એક ભારતીય ખેલાડીનો પણ સમાવેશ થાય છે. તેનું નામ જવાગલ શ્રીનાથ છે. ઈંગ્લેન્ડનો સ્ટાર ખેલાડી કેવિન પીટરસન પણ આ યાદીમાં સામેલ છે. એક નજર કરીએ આવા 11 ખેલાડીઓ પર.

ઈમરાન ખાન

1987ના વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં પાકિસ્તાનની ઓસ્ટ્રેલિયા સામેની હારના એક દિવસ બાદ લેજન્ડરી ઈમરાન ખાને નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. જોકે જ્યારે રાષ્ટ્રપતિ જિયા ઉલ હકે તેમને ફરીથી પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવાનું કહ્યું તો ઈમરાનનું મન બદલાઈ ગયું હતું. આ પછી ઇમરાને પાંચ વર્ષ બાદ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન તરીકે નિવૃત્તિ લીધી હતી.

જાવેદ મિયાંદાદ

1994માં ટીમમાંથી બહાર થયા બાદ પાકિસ્તાનના આ દિગ્ગજ ક્રિકેટરે ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે ક્રિકેટ ચાહકોમાં રોષ જોવા મળ્યો હતો અને “નો મિયાંદાદ, નો ક્રિકેટ” ના નારા લગાવવામાં આવ્યા હતા. આ પછી દેશના સ્વર્ગીય વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોએ મિયાંદાદને પાછા ફરવા માટે સમજાવ્યા હતા. મિયાંદાદ પરત ફર્યો પરંતુ બીજી વખત 1996 સુધી પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ ન કર્યું.

શાહિદ આફ્રિદી

શાહિદ આફ્રિદીએ 2006, 2010, 2011, 2014 અને 2017માં નિવૃત્તિ લીધી હતી અને 2006, 2011 અને 2016માં પુનરાગમન કર્યું હતુ. તે આધુનિક યુગના સૌથી પ્રભાવશાળી ક્રિકેટરોમાંથી એક છે. વિસ્ફોટક ક્રિકેટર હોવાની સાથે સાથે તે એક શાનદાર સ્પિનર પણ હતો. એક ઓલરાઉન્ડર હોવાને કારણે તેને હંમેશા ટીમમાં સ્થાન મળતું હતું.

આ પણ વાંચો – રડતાં રડતાં નિવૃત્તિ જાહેર કરનાર તમિમ ઇકબાલે એક દિવસ બાદ યૂ-ટર્ન લીધો

કેવિન પીટરસન

કેવિન પીટરસન આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહ્યા બાદ લાંબા સમય સુધી ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં રમ્યો હતો. 2012ના ટી-20 વર્લ્ડ કપના ચાર મહિના અગાઉ જ્યારે તેણે મર્યાદિત ઓવરોના ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો ત્યારે ઈંગ્લેન્ડના ક્રિકેટને આંચકો લાગ્યો હતો. પરંતુ 60 દિવસથી પણ ઓછા સમય બાદ તેણે કહ્યું કે તેઓ ક્યારેય પાછા ફરવા માટે ક્યારેય ના પાડશે નહીં. આ પછી તે પરત ફર્યો હતો અને પછી ઇંગ્લેન્ડ માટે વધુ આઠ વન ડે અને એક ટી-20 મેચ રમ્યો હતો.

કાર્લ હૂપર

પોતાની પેઢીના સૌથી પ્રતિભાશાળી ખેલાડીઓમાંથી એક કાર્લ હૂપરે 32 વર્ષની વયે ટેસ્ટ નિવૃત્તિ જાહેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. જોકે 2001માં વેસ્ટ ઈન્ડીઝની ખરાબ સ્થિતિ બાદ તે ટીમનું સુકાન સંભાળવા માટે પાછો ફર્યો હતો. તેમણે ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ, ભારત અને સાઉથ આફ્રિકા સામેની ઘરેલું શ્રેણીમાં ટીમની કેપ્ટનશિપ સંભાળી હતી. આખરે તેઓ 2003માં નિવૃત્ત થયા હતા.

જવાગલ શ્રીનાથ

જવાગલ શ્રીનાથે 2001માં કેરેબિયન પ્રવાસથી આવ્યા બાદ કહ્યું હતું કે તે પોતાની છેલ્લી ટેસ્ટ રમી ચુક્યા છે. જોકે સૌરવ ગાંગુલી આ ઇચ્છતા ન હતા. ગાંગુલીએ શ્રીનાથને નિવૃત્તિમાંથી પાછા આવવા અને વધુ ત્રણ ટેસ્ટ રમવા અને 2003ના વર્લ્ડ કપમાં આક્રમણનું નેતૃત્વ કરવા માટે મનાવી લીધો હતો. ભારતીય ટીમ 2003ના વર્લ્ડ કપમાં રનર્સ અપ રહી હતી.

જેરોમ ટેલર

વેસ્ટ ઇન્ડીઝના બોલર જેરોમ ટેલરે તેની ટી-20 અને વન ડે કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે 46 મેચો બાદ ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. જોકે આ પછીના 14 મહિના સુધી વ્હાઈટ બોલ ક્રિકેટ માટેની ટીમમાં તેની પસંદગી થઈ ન હતી. તેણે તરત જ ટેસ્ટ નિવૃત્તિ પાછી ખેંચી લીધી હતી. જોકે ત્યાર બાદ તે ટેસ્ટ મેચ રમ્યો નથી.

મોઈન અલી

મોઈન અલીએ 2021માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે 2023ની એશિઝ પહેલા જેક લીચ બહાર થતા તેને વાપસી કરવી પડી હતી. આ પછી તેણે આ ફોર્મેટમાં 200 વિકેટનો આંકડો પાર કર્યો હતો. જ્યારે તેણે 2 વર્ષ પહેલા નિવૃત્તિ લીધી ત્યારે તે આ સિદ્ધિથી માત્ર 5 વિકેટ દૂર હતો.

ભાનુકા રાજપક્ષે

ભાનુકા રાજપક્ષેએ 2022ની શરુઆતમાં જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે તેણે પારિવારિક જવાબદારીઓને કારણભૂત ગણાવી હતી. તેના ઉતાવળાભર્યા નિર્ણયને શ્રીલંકાના સ્પોર્ટ્સ મંત્રી નમાલ રાજપક્ષેએ અસ્વીકાર કર્યો હતો. બંને વચ્ચેની મિટિંગ અને રાષ્ટ્રીય પસંદગીકારો સાથેની ચર્ચા બાદ રાજપક્ષેએ ફરી પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

તમિમ ઇકબાલ

બાંગ્લાદેશનો અફઘાનિસ્તાન સામે પરાજય થયાના એક દિવસ બાદ અને 2023માં ભારતમાં યોજાયેલા વન-ડે વર્લ્ડ કપના ત્રણ મહિના અગાઉ તમિમ ઇકબાલે ભાવનાત્મક પત્રકાર પરિષદમાં પોતાની શાનદાર કારકિર્દીને અલવિદા કહી દેતાં હંગામો મચી ગયો હતો. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના હસ્તક્ષેપ બાદ તમિમે નિવૃત્તિ પાછી ખેંચી લીધી છે.

બોબ સિમ્પસન

62 ટેસ્ટ મેચ રમનારા લેજન્ડરી ખેલાડી બોબ સિમ્પસન એક દાયકા સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હતા. કેરી પેકર વર્લ્ડ સિરિઝ ક્રિકેટને કારણે 1977માં ભારત સામેની શ્રેણી અગાઉ ઓસ્ટ્રેલિયાની ટીમ સંકટમાં હતી. સિમ્પસન તે સમયે 41 વર્ષના હતા. તેમણે નિવૃત્તિ પાછી ખેંચી લીધી હતી અને 10 ઇનિંગ્સમાં 539 રન બનાવ્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ